________________
૩૦. સાધ્વી મૃગદાવત ‘ભગવતીસૂત્ર’ અને ‘આવશ્યકચૂર્ણિ' જેવા શાસ્ત્રગ્રંથો તેમજ અન્ય કવિઓની રચનામાં આ ચરિત્ર મનોહર રીતે શબ્દબદ્ધ થયું છે. વૈશાલીના ગણરાજા ચેટકની પુત્રી અને કૌશાંબીના રાજા શતાનીકની રાણી મંગાવતી રાજકુમાર વર્ધમાનના પરિવાર સાથે પારિવારિક સંબંધ ધરાવતી હતી. - એક વખત કૌશાંબીના રાજદરબારમાં એક યુવાન ચિત્રકાર આવ્યો. એને એવું દૈવી વરદાન પ્રાપ્ત થયું હતું કે કોઈ પણ વ્યક્તિના અંગનો એક ભાગ જોઈને એનું પૂર્ણ ચિત્ર સજી શકતો હતો. આ ચિત્રકારની અનાયાસે રાજમહેલ તરફ નજર ગઈ અને નારીના પગનો અંગૂઠો જોયો. કલાનિપુણ ચિત્રકારે પગના અંગૂઠા પરથી એ નારીનું સમગ્ર ચિત્ર દોર્યું. આ ચિત્ર બનાવતી વખતે પીંછીમાંથી મશીનું ટપકું એ ચિત્રિત યુવતીના સાથળ પર પડ્યું. ચિત્રકારે તરત જ તે લૂછી નાખ્યું. ફરી રંગપૂરણી કરવા જતાં ફરી વાર આવું બન્યું. ત્રીજી વાર પણ આવું થયું, ત્યારે ચિત્રકારે વિચાર્યું કે નક્કી એ નારીના આ અંગ પર આવું લાંછન હોવું જોઈએ. એમ હોય તો તે ભલે રહ્યું. આ ચિત્ર રાણી મૃગાવતીનું હતું અને એ લાંછન જોતાં રાજા કોપાયમાન થયો. આ ચિત્રકારે મૃગાવતીને શીલભ્રષ્ટ કરી હશે એમ માનીને એને તત્કાળ કેદ કર્યો. બીજા ચિત્રકારોએ રાજાને ચિત્રકારની દેવી શક્તિનો ખ્યાલ આપવા છતાં રાજા શતાનીકે તેનો જમણો અંગૂઠો કાપી નાખ્યો. ગુસ્સે ભરાયેલા ચિત્રકારે સૌદર્યવતી મૃગાવતીનું ચિત્ર ઉજ્જૈની નગરીના સ્ત્રીલોલુપ રાજા ચંડપ્રદ્યોતને મોકલ્યું.
રાજા ચંડપ્રદ્યોત ચડાઈ લઈને આવ્યો. રાજા શતાનીકનું મૃત્યુ થયું હોવાથી રાણી મૃગાવતી રાજ કારભાર સંભાળતી હતી. એ સમયે પ્રભુ મહાવીર કૌશાંબી નગરીમાં આવતાં રાજ માતા મૃગાવતી પોતાના પુત્ર બાળ ઉદયન સાથે ભગવાન મહાવીરના સમવસરણમાં ઉપદેશ શ્રવણ કરવા ગયાં. આ સમવસરણમાં ચંડપ્રદ્યોત પણ પોતાની અંગારવતી વગેરે રાણીઓ સાથે પ્રભુનો ઉપદેશ સાંભળવા આવ્યો હતો. પ્રભુ મહાવીરે વૈરાગ્યયુક્ત માર્મિક દેશના આપી.
ભગવાનની દેશના સાંભળી અનેક વ્યક્તિ દીક્ષિત થયા. રાજમાતા મૃગાવતીના હૃદયના ઉચ્ચ ભાવ ઊભરાવા લાગ્યા. એણે પ્રભુને કહ્યું, “રાજા પ્રદ્યોતની આજ્ઞા લઈને હું દીક્ષા ગ્રહણ કરવા માગું છું.” ચોતરફ સન્નાટો વ્યાપી ગયો. સમવસરણમાં જ રાજા પ્રદ્યોત પાસે આજ્ઞા માગી. કદાચ એણે મૃગાવતીની વાતનો સ્વીકાર ન કર્યો હોત, પરંતુ સમવસરણમાં પ્રભુનો ઉપદેશ સાંભળવાથી એનું હૃદય અવનવીન, ઉચ્ચ ભાવો અનુભવતું હતું. એણે રાજીખુશીથી રાજમાતા મૃગાવતીને દીક્ષા લેવાની અનુમતિ આપી. આ સાંભળી રાણી મૃગાવતીએ કહ્યું, “તમે મને રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી છે, તો હવે મારા પુત્રને તમારો પુત્ર ગણો. તમે એને રાજકાજના પાઠ શીખવજો. તમે એના શિરછત્ર બનો.” ઉજ્જૈનીના ચંડપ્રદ્યોતે આ વાત પણ કબૂલ રાખી.
- એક વાર સાધ્વી મૃગાવતીને પ્રભુ મહાવીરની દેશના તન્મયતાથી સાંભળતાં સંધ્યાકાળ થઈ ચૂક્યો, તેનો ખ્યાલ રહ્યો નહીં. ઉપાશ્રયે પાછા ફરવામાં મોડું થવાથી સાધ્વી મૃગાવતીને આચાર્યા ચંદનાએ ઠપકો આપ્યો. મૃગાવતીએ ક્ષમા માંગી. ચિત્તમાં પ્રાયશ્ચિત્તનું ઘમ્મર વલોણું ચાલ્યું. પશ્ચાત્તાપની પાવનગંગામાં સ્નાન કરતી સાધ્વી મૃગાવતીમાં શુભ ભાવના ઉદય પામી. ઘાતી કર્મોનો ક્ષય થતાં એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. રાત્રિના અંધકારમાં કાળવિષ સર્પ ચંદનાના સંથારા પાસેથી પસાર થતો હતો. મૃગાવતીએ દિવ્ય દૃષ્ટિથી ગહન અંધકારમાં આ વિષધર સર્પ જોયો અને સર્પના માર્ગમાં આડો પડેલો ચંદનાનો હાથ ખસેડી દીધો.
હસ્તસ્પર્શથી જાગ્રત થયેલાં આચાર્યા ચંદનાએ સફાળા જાગીને કારણ પૂછતાં મૃગાવતીએ ઘોર અંધકારમાં ખૂણામાં છુપાયેલા સર્પને બતાવીને વાત કરી. સંઘઆચાર્યા ચંદનાએ પૂછયું, “આ ગહન અંધકારમાં હાથની હથેળી દેખાતી નથી ત્યાં તમને કઈ રીતે સર્પ દેખાયો ?” - મૃગાવતીએ કહ્યું, “આપની કૃપાથી મને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે.” સાધ્વી ચંદનાએ મૃગાવતીને વિનયપૂર્વક નમસ્કાર કર્યો. ચંદનાના હૃદયમાં શુભ ભાવોનો પ્રાદુર્ભાવ થતાં એને પણ દિવ્ય જ્ઞાન સાંપડયું. મૃગાવતી જૈન ધર્મની પ્રાતઃસ્મરણીય સોળ સતીઓમાં સ્થાન પામે છે. હિંદુ, બૌદ્ધ અને જૈન - ત્રણેય સાહિત્યમાં આ જીવનકથા મળે છે.
ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય અજિતચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી સ્વ. પૂ. માતુશ્રી ઘેલીબહેન છોટાલાલ શાહ, પાલ - મુંબઈ
Education
FOA inte. Persone n
www.alnelibrary.org