________________
૨૮. સાધ્વી ચંદનબાળા શતાબ્દીઓ વીતી ગઈ હોવા છતાં આજે પણ ચંદનબાળાનું ચરિત્ર પ્રેરણાની દીવાદાંડી રૂપ છે. જૈન ઇતિહાસની સોળ મુખ્ય સતીઓમાં મહાસતી ચંદનબાળા આગવું સ્થાન ધરાવે છે. ચંદનબાળા જ્ઞાનવતી, ગુણવતી અને તપસ્વિની તો હતી જ, પરંતુ દીક્ષા ગ્રહણ કર્યા પછી ભગવાન મહાવીર દ્વારા પ્રવર્તિત સાધ્વી-સંઘની પ્રથમ સાધ્વી બની અને ૩૬000 સાધ્વીઓના સંઘની સાધ્વીપ્રમુખા બની.
ચંપાનરેશ મહારાજ દધિવાહન અને મહારાણી ધારિણીની પુત્રી વસુમતી એટલે કે ચંદનબાળા એમના માતા પાસેથી ત્યાગ, સહિષ્ણુતા અને ધર્મનિષ્ઠાની ઉચ્ચ ભાવનાઓ પામ્યાં હતાં. માતા ધારિણી ખુદ ઉચ્ચ કોટિની વિદુષી, વિચારક અને ધર્મનિષ્ઠ સન્નારી હતી. બાળપણના સંસ્કારોને પરિણામે આત્મકલ્યાણ માટે આતુર રાજકુમારી વસુમતીએ અવિવાહિત રહેવાનો નિર્ણય કર્યો. વસુમતીના ઉચ્ચાશયોને જાણતાં માતા-પિતાએ પુત્રીને એના વ્રતમાં દઢ રહેવાની સહર્ષ અનુમતિ આપી. કૌશાંબીના રાજા શતાનીકે આક્રમણ કર્યું અને ચંદનબાળાને દાસીરૂપે વેચવામાં આવી. આ સમયે ધનવાહ શેઠે ચંદનબાળાને સમુચિત મૂલ્ય આપીને વેશ્યાના હાથમાં જતી બચાવી લીધી. ચંદનબાળાનું અનુપમ સૌંદર્ય, નિષ્ઠાપૂર્ણ સેવા અને સાહજિક વિનય એવાં હતાં કે કોઈ પણ એને આદર આપે, પરંતુ પુરુષ તરફથી મળતો આવો આદર વિધિની વિચિત્રતાને કારણે દ્વેષનું કારણ બન્યો. ધનવાહ શેઠ પુત્રીની પેઠે ચંદનબાળાને રાખતા હતા.
| એક વાર બહારગામ ગયેલા ધનવાહ શેઠ પાછા આવ્યા ત્યારે એમના પગ ધોવડાવવા જતાં ચંદનબાળાનો ચોટલો પડી ગયો. મેલા પાણીમાં પડતી દાસી ચંદનાના વાળની લટને અટકાવવા એને પકડીને ધનવાહ શેઠે ઊંચી કરી. આ સમયે ધનવાહ શેઠની પત્ની મુલા શેઠાણીએ આ દશ્ય નિહાળ્યું અને એના હૃદયમાં ઈર્ષાની આગ ભભૂકી ઊઠી. ધનવાહ શેઠ બહારગામ ગયા ત્યારે મૂલા શેઠાણીએ ચંદનાનું માથું મુંડાવી નાખ્યું. એના પગમાં બેડીઓ નાખી અને એને ભોયરામાં ધકેલી દીધી. ત્રણ દિવસ સુધી એ ભૂખી-તરસી રહી. ધનવાહ શેઠ પાછા આવ્યા. એમને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવતાં એમણે તત્કાળ લુહારને બોલાવવાનો વિચાર કર્યો. આ સમયે સૂપડામાં ઢોરને ખવડાવવા માટે અડદના બાકળા રાખ્યા હતા તે ભૂખી ચંદનાને ખાવા આપ્યા.
ભગવાન મહાવીરે આ કૌશાંબી નગરીમાં આવ્યા પછી ઘોર અભિગ્રહ કર્યો હતો. પહેલો દ્રવ્યથી એવો અભિગ્રહ હતો કે આહારરૂપે અડદ-બાકળા સ્વીકારવા અને તે પણ સુપડાના ખૂણામાં હોય તો જ ગ્રહણ કરવા. ક્ષેત્રથી એવો અભિગ્રહ હતો કે જેનો એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર હોય તેની પાસેથી તે સ્વીકારવા. કાળથી એવો અભિગ્રહ હતો કે ભિક્ષા લેનારાઓનો સમય અર્થાત્ બપોરના ભોજનનો સમય પસાર થઈ ગયા બાદ મળે તો સ્વીકારવું. વળી ભાવથી એવો અભિગ્રહ હતો કે એ કોઈ રાજ કુમારી હોય અને વળી તે દાસત્વને પામેલી હોય ! એના પગમાં બેડી હોય, માથું મુંડાવેલું હોય, આંખમાં આંસુ હોય, અઠ્ઠમ તપ કર્યું હોય અને વળી એ પવિત્ર સતી સ્ત્રી હોય. આવી સ્ત્રી વહોરાવે તો જ વહોરવું, પાંચ મહિના અને પચીસ દિવસ બાદ ભગવાન મહાવીર ચંદનબાળા પાસેથી ભિક્ષા લે છે. સહુને સચ્ચાઈનો ખ્યાલ આવે છે. એની હાથકડી અને પગની બેડીઓ તૂટી જાય છે. પહેલા જેવી સુંદર કેશરાશિ થઈ જાય છે. ભગવાને જેવી ભિક્ષા ગ્રહણ કરી કે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. રાજા શતાનીક અને મૂલા શેઠાણીએ પોતાનાં દુષ્કૃત્યો માટે ક્ષમા માગી.
ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળ્યા પછી દીક્ષિત બનેલી ચંદનબાળા ભગવાનની પ્રથમ શિષ્યા અને શ્રમણી સંઘની પ્રવર્તિની બની. માનવજાતિને યોગ્ય પથ દર્શાવતી ચંદનબાળાએ દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી.
ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. તથા પ. પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી પૂ. સાધ્વીજી મ.ના ચિત્રસંપુટના સંપૂર્ણ વિભાગનો લાભ શ્રી જયંતિલાલ છોટાલાલ શાહ,
ખોડુ (હાલ પાર્લા – મુંબઈ) પરિવાર તરફથી. સ્વ. પૂજ્ય પિતાશ્રી છોટાલાલ કલ્યાણજી, સ્વ. પૂ. માતુશ્રી ઘેલીબહેન છોટાલાલ,
સ્વ. સવિતાબહેન જયંતિલાલ શાહની સ્મૃતિમાં લીધેલ છે.
en Education International
For Private & Personale
www.jalitelbary.org