________________
૨૬. ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી
હૃદયની અગાધ ભક્તિ અને અંતરની ઉત્કટ ભાવનાને પરિણામે ધર્મશક્તિનું પ્રાગટ્ય થાય છે. સ્થૂળ દૃષ્ટિ એને ચમત્કાર તરીકે ખપાવતી હોય છે. શ્રી ઉદયરત્નજી મહારાજની પ્રભાવક શક્તિ વિશે ઘણી કથાઓ અને કિંવદંતીઓ મળે છે. આશરે વિ. સં. ૧૭૫૦માં એમની પ્રેરણાથી ખેડાથી શ્રી શંખેશ્વર તીર્થનો છ'રી પાલિત સંઘ નીકળ્યો હતો. એ સમયે શંખેશ્વર ગામ પર સત્તા ધરાવતો ઠાકોર એક ગીનીનો કર લઈને યાત્રાળુઓને મૂર્તિનાં દર્શન કરવા દેતો હતો. ખેડાના સંઘને શંખેશ્વર પહોંચતાં વિલંબ થતાં ઠાકોરના હુકમથી પૂજારીએ દરવાજો ખોલવાનો ઇન્કાર કર્યો. શ્રી ઉદયરત્નજી મહારાજ અને સંઘના સહુ શ્રાવક-શ્રાવિકાઓએ તો એવી પ્રતિજ્ઞા લીધી હતી કે શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરીને જ અન્નજળ લેશે. મુનિરાજ અને આખોય સંઘ દ્વાર પાસે ઊભો રહ્યો અને મુનિ ઉદયરત્નના અંતરમાંથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ સરી પડી.
પાસ શંખેશ્વરા ! સાર કર સેવકાં દેવ કાં એવડી વાર લાગે ? કોડી કર જોડી દરબાર આગે ખડા
ઠાકુરાં ચાકુરાં માન માગે !’
અંતે ‘પ્રગટ થા પાસજી’ કહીને દ્વાર ખોલવાની વિનંતી કરી. આ સ્તુતિથી પ્રભુના અધિષ્ઠાયક નાગરાજ પ્રસન્ન થયા અને દેરાસરનાં દ્વાર ઊઘડી ગયાં. ચોતરફ હર્ષધ્વનિ ગાજી ઊઠ્યો. આખાય સંઘે ભાવપૂર્વક દર્શન-પૂજન કર્યાં. આ ઘટનાને પરિણામે ગામનો ઠાકોર મુનિરાજનાં ચરણમાં પડ્યો અને શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથની મૂર્તિ એણે શ્રીસંઘને સોંપી દીધી.
આવી જ એક બીજી દંતકથા એવી છે કે શ્રી ઉદયરત્નજી એવી ઇંદ્રજાળની શક્તિ ધરાવતા કે તેઓ ઇચ્છે ત્યારે તાદશ સમવસરણ ખડું કરી શકતા હતા અને અન્ય સહુ કોઈ તે જોઈ શકતા હતા. શ્રી ઉદયરત્નજીના પ્રભાવથી અનેક લોકોએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો.
તપાગચ્છના વિજયરાજસૂરિની પરંપરામાં થયેલા ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી એમના લોકકંઠે વસી ગયેલા રાસા, છંદ, સલોકો, સ્તવનો, સજ્ઝાયો, સ્તુતિઓ, બારમાસા, ચોવીશી વગેરેથી વિશેષ જાણીતા છે. ધર્મસ્થાનોમાં એમના સ્તવનની અનેક પંક્તિઓ ગુંજતી જોવા મળે છે. તેઓ ખેડાના રહીશ હતા. વિ. સં. ૧૭૪૯થી ૧૭૯૯ સુધીના સમયગાળામાં લખાયેલી એમની અનેક રચનાઓ મળે છે.
કવિવર ઉદયરત્ન ઉપાધ્યાયની સાધુતા અને સાહિત્યસેવા બંને ચિરસ્મરણીય રહેશે. ‘આંખડીએ મેં આજ શત્રુંજય દીઠો રે’ જેવાં અનેક સ્તવન કે ‘કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે' જેવી અસંખ્ય સજ્ઝાયોના રચયિતા ઉપાધ્યાય ઉદયરત્નનું કવિત્વ આગવી ભાત પાડે છે. એમણે સ્તુતિ કે સ્તવન જેવી ટૂંકી રચનાઓ અને રાસા જેવી લાંબી કથાત્મક રચનાઓમાં બંને પ્રકારમાં આગવી સર્જકતા દાખવી છે.
વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જન કરનાર શ્રી ઉદયરત્નજીએ જંબુસ્વામી, સ્થૂલિભદ્ર, સુદર્શન, મલયસુંદરી જેવાના જીવનને લક્ષમાં લઈને રાસની રચના કરી છે. એ જ રીતે નેમનાથ અને રાજિમતીના કથાનકનો આધાર લઈને એમણે રચેલી બારમાસા કૃતિઓમાં એમની કાવ્યાત્મકતા પ્રગટ થાય છે. જ્યારે એમનાં સ્તવનો અને સજ્ઝાયોમાં ભાવઆલેખન, ઉપદેશ અને કીમતી દસ્તાવેજી સામગ્રી સાંપડે છે. એમની શલોકો સ્વરૂપની રચનાઓમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શ્રી નેમિનાથ જેવા તીર્થંકરો, ભરત-બાહુબલિ જેવા ઋષભદેવના પુત્રો અને વિમળશાહ જેવા મંત્રીનું વિષયવસ્તુ મળે છે. આમ સાહિત્યના પ્રકારની દૃષ્ટિએ જોઈએ તો ઉપાધ્યાયશ્રી ઉદયરત્નએ સ્તવનો, સજ્ઝાયો, સ્તુતિઓ, ચોવીસી, બારમાસા, રાસ, શલોકો અને છંદ જેવી રચનાઓનું સર્જન કર્યું છે.
ધર્મસ્નેહસૌજન્ય
પં. શ્રી પુષ્પચંદ્ર, મુનિ કૈલાસ, શ્રમણ, શ્રી પ્રશમ, શશીચંદ્ર વિ.ના ઉપદેશથી; શ્રી પસંતલાલ રતિલાલ શાહ (રાંદેરવાળા) પરિવાર, હ. અ. સૌ. પાર્વતીબહેન, પુત્ર તેજપાળ, યશપાલ, પુત્રવધૂ વિશાખા, પૌત્રી ફોરમ, પૌત્ર રવિ. પાર્લા, મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainellbrary.org