________________
૨૩. શ્રી ધર્મદોષસૂરિ
સંઘની રક્ષાનો સવાલ જાગે કે પછી અન્યને શાસનની પ્રભાવકતા દર્શાવવાનો પડકાર આવે ત્યારે સાધુતાની વિરલ આત્મશક્તિ પ્રગટ થતી હોય છે. આ આત્મશક્તિનો હેતુ ધર્મની યોગ્ય રૂપે જાળવણી કરવાનો હોય છે. વિક્રમના ચૌદમા સૈકામાં આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીએ કુટિલતાને ભેદવા માટે અને ઉપદ્રવીઓને જેર કરવા માટે પોતીકો મંત્રપ્રભાવ પ્રગટ કર્યો હતો.
આચાર્યશ્રી ધર્મઘોષસૂરીશ્વરજીનું જીવન જેટલું રોમાંચપૂર્ણ છે એટલું જ ચમત્કારિક છે. પૂર્વાવસ્થાના વીરધવલને વિવાહની ચોરીમાં કોઈ નિમિત્ત જાગતાં એમનું હૃદય રાગમાંથી વિરાગ તરફ વળી ગયું. સંસારના બંધનોની ક્ષણે જ સઘળાં ભૌતિક સુખો છોડીને વીરધવલે વૈરાગ્યનો ધવલ વેશ ધારણ કરી લીધો. તપાગચ્છપતિ દેવેન્દ્રસૂરિજી પાસે વીરધવલે પોતાના ભાઈ ભીમદેવની સાથે દીક્ષા અંગીકાર કરી. આ ઘટના વિ. સં. ૧૩૦૨માં વિજાપુરમાં બની. વીરધવલ અને ભીમદેવ એ બંને શેઠ જિનચંદ્ર પલ્લીવાલના પુત્રો હતા. એમની પંન્યાસ અને ઉપાધ્યાય પદવીના સમયે કેસરવૃષ્ટિ થઈ હતી અને આચાર્ય પદવી મળ્યા બાદ તેઓ આચાર્યશ્રી ધર્મઘોષસૂરિના નામે જાણીતા બન્યા.
ધર્મઘોષસૂરિએ શ્રીસંઘની વિનંતીને કારણે ‘સમુદ્રસ્તોત્ર'ની રચના કરી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એમણે એ સ્તોત્રનો પાઠ કરતાં સમુદ્રમાં ભરતી ચડી આવી અને એ ભરતીની સાથે સમુદ્રે આચાર્ય ધર્મઘોષસૂરિનાં ચરણોમાં રત્નોનો રાશિ સમર્પિત કર્યો. સમુદ્ર ફરી શાંત થઈ ગયો.
એ જ રીતે એ સમયે કપર્દી યક્ષ ઉપદ્રવો કરતો હતો, એને હૃદયસ્પર્શી ઉપદેશ આપ્યો. એના હૃદયના ગાઢ તમસને શુભ તેજમાં પલટાવી દીધું. પરિણામે કપર્દી યક્ષ વિપરીત માર્ગ છોડીને સ ્ પંથે વળી ગયો. આમ પોતાના ધર્મતેજથી અધર્મ અને અનાચારનો એમણે નાશ કર્યો.
પોતાના જન્મસ્થળ વિજાપુરમાં કેટલીક સ્ત્રીઓએ એમના વ્યાખ્યાનની પ્રભાવકતા નષ્ટ કરવા માટે એમના પર કામણટ્રમણ કર્યા હતા. શુભ આગળ અશુભનું કેટલું જોર ? આચાર્યશ્રીએ મંત્રબળે એ સ્ત્રીઓને સ્થિર કરી દીધી. છેવટે એ સ્ત્રીઓએ કબૂલાત કરીને ક્ષમાયાચના કરતાં એમને મુક્ત કરી હતી. ઉજ્જૈનીનો એક યોગી અનેક ઉપદ્રવ કરતો હતો. એમાંય જૈન સાધુઓનો તો એવો દ્વેષી હતો કે કોઈ જૈન સાધુને નગરીમાં પ્રવેશવા દે નહીં. જો ભૂલેચૂકેય કોઈ જૈન સાધુ આવી જાય તો પોતાના મંત્રબળે એ યોગી એવો ઉપદ્રવ જગાવે કે એને ભાગી જવું પડે. એક વાર આચાર્ય ધર્મઘોષસૂરિ ઉજ્જૈનીમાં પધાર્યા ત્યારે એ યોગીએ રાત્રે ઉપાશ્રયમાં સેંકડો સર્પ, વીંછી અને કીડીઓનો પ્રકોપ સર્જ્યો, પરંતુ સૂરિજીએ વસ્ત્ર બાંધેલો ઘડો લીધો અને તેના પર હાથ રાખીને જાપ કરતાં પેલા યોગીના અંગમાં લાખ-લાખ વીંછીના દંશની બળતરા ઊપડી. ઉપાશ્રયે આવી એણે ક્ષમા યાચી. આચાર્ય ધર્મધોષસૂરિજીએ ગ્રંથરચનાઓ કરી અને જ્ઞાનભંડારો કરાવ્યા.
આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ જૈન શ્રાવકોમાં અણમોલ હીરાની માફક ચમકતા પેથડશાના ગુરુ હતા. આચાર્યશ્રી ધર્મઘોષસૂરિએ બ્રાહ્મણ, માહેશ્વરી, વૈશ્ય અને ક્ષત્રિયોને ઉપદેશ આપ્યો. અહિંસાની ભાવના ફેલાવી અને તેમને જૈનધર્મી બનાવ્યા. આચાર્યશ્રી વ્યાકરણના પારગામી હતા તો ન્યાયશાસ્ત્રના નિષ્ણાત હતા. સૂત્ર-અર્થના સમર્થ વ્યાખ્યાતા હતા. તેમની સ્મરણશક્તિ અસાધારણ હતી. તેઓ માત્ર છ ઘડીમાં પાંચસો શ્લોક મુખપાઠ કરી શકતા હતા. એમણે નાગોલ, શાકંભરી અને અજમેરની રાજસભામાં ધર્મપ્રવચનો આપીને રાજવીઓ અને પ્રજા પર પ્રભાવ પાડ્યો હતો. આ રાજાઓ આચાર્યશ્રી ધર્મઘોષસૂરિને પોતાના ગુરુદેવ માનતા હતા. એમના ઉપદેશથી અજમેરના રાજા વિગ્રહરાજ (વીશળદેવ) જૈનધર્મી બન્યા હતા અને પોતાના રાજ્યમાં અગિયારસ વગેરે તિથિઓમાં અમારિ (પ્રાણીહત્યાબંધી) પળાવી હતી. આ સિવાય એમની પ્રેરણાથી રાજવીઓએ જિનાલયની રચના કરી હતી.
ધર્મસ્નેહસૌજન્ય
સમવસરણ મહામંદિરના જમીન-દાતા સુમતિબહેન મોતીચંદ ઝવેરી પરિવાર, હ. પુત્ર વિજયભાઈ, મંગલચંદ, હેમચંદ, પુત્રવધૂ અ. સૌ. વીણાબહેન, અંજનાબહેન, પ્રમિલાબહેન, પૌત્ર શમીર, સુનીલ, અ. સૌ. હેમા, સુપર્ણા, ચિ. તારક, પ્રપૌત્રી ક્ષમા, યશ્મા, પૂજા (સુરત). હાલ મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainellbrary.org