________________
૨૨. શ્રી જિનદત્તસૂરિ જિનશાસનના પ્રભાવક આચાર્ય તરીકે આચાર્ય શ્રી જિનદત્તસૂરિજી પ્રસિદ્ધ છે. બાળપણથી માતા વાહડદેવી પોતાના બાળકને લઈને વ્યાખ્યાનમાં જતી હતી, ત્યારે ઉત્તમ ધર્મકથાઓનું શ્રવણ કરતાં બાળકના ચિત્તમાં વૈરાગ્યભાવ જાગૃત થયો. એણે મુનિજીવન સ્વીકારવાની ઇચ્છા પ્રગટ કરી. બાળકના શરીર પરનાં શુભ ચિહ્નો એનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવતા હતા. વિ. સં. ૧૧૪૧ માં ઉપાધ્યાય ધર્મદેવે સંયમદીક્ષા આપી અને એમનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું. તેજસ્વી મુનિરાજે જૈનદર્શનનો ગહન અભ્યાસ કર્યો. મંત્રવિદ્યાનું શિક્ષણ મેળવ્યું. પોતાના સમયના ઉત્તમ વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો અને એમાં વિજય મેળવ્યો. | વિ. સં. ૧૧૬૯ની વૈશાખ સુદ છઠ્ઠ અને શનિવારે ચિતોડમાં શ્રી દેવભદ્રાચાર્યે તેમને આચાર્યપદે સ્થાપ્યા અને જિનદત્તસૂરિ નામ આપ્યું. એમની વિદ્વત્તા, સાધુતા, ઉદારતા અને પ્રભાવકતાને કારણે તેઓ જિનશાસનના ગગનમાં તેજસ્વી સર્યની માફક પ્રકાશતા રહ્યા. એમણે નવા નિયમો બનાવ્યા. ખરતરગચ્છની સ્થાપના કરી.
ચોપાસ પ્રવેશેલા શિથિલાચારને નાબૂદ કર્યો. એમની પ્રેરણાથી પાંચસો શ્રાવકો અને સાતસો શ્રાવિકાઓએ દીક્ષા અંગીકાર કરી હતી. ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ, મારવાડ અને એક સિંધ સુધી વિહાર કરીને એમણે લાખો આત્માઓને જૈનધર્મી બનાવ્યા.
એમની શક્તિ અને સાધના અત્યંત પ્રબળ હતી. ચોસઠ યોગિની, બાવન વીર તથા પાંચ વીર હંમેશાં એમની સેવામાં હાજરાહજૂર રહેતાં હતાં. નાગદેવ નામના એક શ્રાવકને વિલક્ષણ ઇચ્છા જાગી. એને જાણવું હતું કે વર્તમાન સમયમાં વિચરતા સાધુઓમાં કોણ યુગપ્રધાન છે ? જિજ્ઞાસા તૃપ્ત કરવા એણે અંબિકાદેવીની ઉપાસના કરી. પ્રસન્ન થયેલાં દેવીએ તેની હથેળીમાં અક્ષરો લખ્યા. આ અક્ષરો નરી આંખે વાંચી શકાય તેવા નહોતા. દેવીએ કહ્યું કે જે વ્યક્તિ આ અક્ષરો વાંચી બતાવે, તેને તું યુગપ્રધાન જાણજે, નાગદેવ જિનદત્તસૂરિ પાસે આવ્યા અને આચાર્યશ્રીએ વાસક્ષેપ નાખીને એ અક્ષરો પ્રગટ કરી આપ્યા. પરિણામે આચાર્યશ્રીનો સર્વત્ર જયજયકાર થઈ રહ્યો. તેઓ યુગપ્રધાન ગણાયા,
એ જ રીતે મંત્રબળે એક મુલ્લાના પુત્રનો શોક નિવારવા અને તેને બોધ આપવા માટે તેના પુત્રને જીવિત કરી બતાવ્યો. આથી પ્રભાવિત થયેલો મુસ્લિમ સમાજ પણ આચાર્યશ્રીનો અનન્ય ઉપાસક બની ગયો. આવી જ રીતે એક સમયે અજમેરમાં પ્રતિક્રમણ ચાલતું હતું, ત્યારે એકાએક વીજળી પડી. આચાર્યશ્રીએ એ વીજળીને મંત્રબળે થંભાવી દીધી. તેના પર કાષ્ઠપાત્ર ઢાંકીને સહુનું રક્ષણ કર્યું. આચાર્યશ્રી જિનદત્તસૂરિજીની પ્રસિદ્ધિ “દાદા” તરીકે થઈ. “દાદા” શબ્દ એમના પ્રત્યેના મહાન આદરને દર્શાવે છે.
રાજસ્થાનમાં તો આચાર્ય જિનદત્તસૂરિ કલ્પવૃક્ષ તરીકે ઓળખાતા હતા. આચાર્ય જિનદત્તસૂરિએ વિ. સં. ૧૨૧૧ના વૈશાખ સુદિ છઠ્ઠના રોજ બિકાનેરમાં આચાર્ય જિનચંદ્રને પોતાની પાટે સ્થાપન કર્યા. ખરતરગચ્છમાં આચાર્યના નામ પહેલાં “જિન” શબ્દ જોડવાની પરંપરા ત્યારથી ચાલુ થઈ. એમણે દસ વાચનાચાર્ય અને પાંચ મહત્તરાઓ બનાવી હતી. પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં આચાર્ય જિનદત્તસૂરિએ ઉત્કૃષ્ટ રચનાઓ કરી. એમના ગ્રંથોમાં પ્રાકૃત ભાષામાં પાંત્રીસ આચાર્યોની સ્તુતિ કરતો “ગણધરસાર્ધશતક' ગ્રંથ મળે છે. આમાં એકસો પચાસ પદ્ય છે અને ગણધરોના ઇતિહાસની સામગ્રી છે. આ ગ્રંથ એમનો ઉત્તમ ગ્રંથ ગણાય છે. એમાં ૧૫૦ પદ્યમાં રચના કરેલી છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અધિકારી વિદ્વાન એવા શ્રી જિનદત્તસૂરિના અન્ય અગિયાર ગ્રંથો ઉપલબ્ધ છે, જેમાં પ્રાકૃત ભાષામાં રચાયેલ ‘સંદોહદોહાવલી’, ‘ગણધરસપ્તતિ', ‘સર્વાધિષ્ઠાયિસ્તોત્ર', ‘સુગુરુપરતંત્ર્ય', ‘વિજ્ઞવિનાશિસ્તોત્ર', ‘વ્યવસ્થાકુલક', ‘ચૈત્યવંદનકુલક', ‘પ્રાકૃતવિશિકા' જેવા ગ્રંથો મળે છે તેમજ અપભ્રંશ ભાષામાં એમણે ‘ઉપદેશરસાયન', ‘કાલસ્વરૂ પ’, ‘ચર્ચરી' જેવા ગ્રંથો રચ્યા છે. એમના ઉપદેશથી તહનગઢનો રાજા કુમારપાલ યાદવ જૈન બન્યો હતો.
- ધર્મસ્નેહસૌજન્ય સુરેન્દ્રનગરનિવાસી શેઠશ્રી સ્વ. શાંતિલાલ દેવચંદ શાહના સ્મરણાર્થે તેમજ માતુશ્રી વિમળાબહેને કરેલા ઉપધાનની સ્મૃતિમાં; પુત્ર હેમંતકુમાર (હર્ષદભાઈ), અશ્વિન, કમલેશ, પ્રકાશ, પુત્રવધુ નીરાબહેન, અલકા, ભારતી, મનીષા,
પૌત્ર હિમેષ પરિવાર, Lord
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibrary.org