________________
૧૭. શ્રી હરિભદ્રસૂરિ
મહાન ગ્રંથકાર અને મહાપ્રભાવક આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં વિપુલ સાહિત્યસર્જન કર્યું. પ્રકાંડ વિદ્વત્તા, અપૂર્વ જ્ઞાનપ્રતિભા, વ્યાપક સમભાવ, નિષ્પક્ષ વિવેચનશક્તિ અને વિરલ ભાષાપ્રભુત્વને કારણે તેઓ સમગ્ર ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એમણે રચેલા ગણાતા ૧૪૪૪ ગ્રંથો એ જિનશાસનનો અનુપમ જ્ઞાનવૈભવ છે. તેઓ આગમિક સાહિત્યના સર્વપ્રથમ ટીકાકાર હતા અને એમના ગ્રંથો દ્વારા એમણે યોગના વિષયમાં નવી કેડી કંડારી આપી.
તેઓ ચિત્તોડના રાજા જિતારિના પુરોહિત હતા. વેદશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વગેરેના જાણકાર એવા ૧૪ વિદ્યાના પારગામી હતા. એ સમયે ભારતવર્ષમાં વાદ-વિવાદમાં એમને પરાજિત કરનારું કોઈ નહોતું. વિદ્યાનું અભિમાન એટલું કે લોકોમાં એમ કહેવાતું કે આ પંડિત હરિભદ્ર પેટે સોનાનો પટ્ટો, હાથમાં કોદાળી, બગલમાં જાળ અને ખભે નિસરણી રાખીને ઠેર ઠેર ભ્રમણ કરે છે અને છડેચોક પડકાર ફેંકે છે. પ્રચંડ જ્ઞાનના આફરાથી ફૂલીને પેટ ફાટી ન જાય તે માટે પેટ પર સોનાનો પટ્ટો બાંધે છે. એમને જીતવાની ઇચ્છાવાળો કોઈ વાદી પૃથ્વીપટ છોડીને ધરતીમાં પેસી ગયો હશે તો કોદાળીથી ધરતીને ખોદીને હું એને બહાર કાઢીને પરાભવ આપીશ. સાગરના પેટાળમાં છુપાયો હશે તો આ જાળથી માછલાંની માફક બહાર ખેંચી આણીશ. જો એ આકાશે ચડી ગયો હશે તો એને નિસરણીથી પકડીને લાવીને પરાજિત કરી ભોંયભેગો કરીશ. કળિયુગમાં પોતાને સર્વજ્ઞ માનનારા પંડિત હરિભદ્રે પ્રતિજ્ઞા કરી હતી કે આ પૃથ્વી પર એવો કોઈ જ્ઞાની હોય કે જેનું વચન મારા જેવો સર્વ શાસ્ત્રોનો જ્ઞાતા સમજી ન શકે, તો એનો હું શિષ્ય બની જઈશ.
એક વખત પંડિતરાજ હરિભદ્ર પાલખીમાં બેસીને જતા હતા ત્યારે એમણે એક ધર્મગાર પાસેથી પ્રશાંત મધુર કંઠમાંથી વહેતી ગાથા સાંભળી. પંડિત હરિભદ્રે એનો અર્થ ઉકેલવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એનો ભેદ ઊકલતો નહોતો. ચાર વેદો, તમામ ઉપનિષદ, અઢારે પુરાણ અને સર્વ વિદ્યામાં પારંગત એવા એ સમયના શ્રેષ્ઠ વિદ્વાન હરિભદ્રના જ્ઞાનના ગર્વનો હિમાલય ઓગળવા માંડ્યો. તેઓ નમ્રભાવે ગાથા બોલનારા સાધ્વીજી પાસે ગયા અને કહ્યું કે આપની આ ગાથાનો અર્થ સમજાવો.
સાધ્વી મહત્તરા યાકિનીએ કહ્યું કે તમારે ગાથાનો અર્થ સમજવો હોય તો અમારા આચાર મુજબ કાલે અમારા ગુરુદેવ આવે ત્યારે જરૂર પધારજો. તેઓ આ૫ને જરૂ૨ એનો મર્મ સમજાવશે. બીજે દિવસે આચાર્ય જિનદત્તસૂરિ પધાર્યા અને એમણે હરિભદ્રને આ ગાથાનો મર્મ સમજાવ્યો. હરિભદ્ર એમના શિષ્ય બન્યા અને સમય જતાં એ પંડિત હરિભદ્ર આચાર્ય હરિભદ્રસૂરિ બન્યા. તેઓ પોતાના પર અવર્ણનીય ઉપકાર કરનાર અને જ્ઞાન-આરાધનાની નવી ક્ષિતિજો બતાવનાર સાધ્વી યાકિની મહત્તરાને પોતાની માતા ગણતા હતા. હવે કલિકાલના સર્વજ્ઞ જેવાં વિશેષણોથી ઓળખાવું એમને ગમતું નહોતું. જેમ જેમ જૈન શાસ્ત્રોનું જ્ઞાન વધતું ગયું, તેમ તેમ સમય જતાં અંતે પોતાની જાતને અલ્પમતિ તરીકે ઓળખાવતા હતા અને સ્વરચિત ગ્રંથોના સમાપનમાં તેઓ કૃતજ્ઞતાપૂર્વક સાધ્વી યાકિની મહત્તરાનું સ્મરણ કરીને અંતે “યાકિની મહત્તરા ધર્મસૂનુ” અર્થાત્ “યાકિની મહત્તરાના ધર્મપુત્ર” તરીકે તેઓ પોતાનો પરિચય આલેખતા હતા.
એક સમયે જૈન ધર્મ પ્રત્યેના દ્વેષને કારણે હરિભદ્ર એમ કહેતા હતા કે ગાંડા હાથીના પગ નીચે કચડાઈને મરવું સારું, પરંતુ જિનમંદિરમાં કદીયે જવું નહીં. એ જ હરિભદ્રને એક વાર ઉન્મત્ત હાથીથી જાતને બચાવવા જિનમંદિરનો આશરો લેવો પડ્યો. એ સમયે વીતરાગની મૂર્તિ જોઈને એમણે મજાક પણ કરી હતી કે, “તારું શરીર જ મિષ્ટાન્ન ભોજનની સ્પષ્ટ સાક્ષી પૂરે છે, કેમ કે બખોલમાં અગ્નિ હોય તો ઝાડ લીલુંછમ રહે ખરું ?”
પરંતુ કુદરતની બલિહારી એ કે સમય જતાં તેઓને જૈન ધર્મ અને જિનમંદિરની મહત્તાનો અનુભવ થયો અને પોતાના શબ્દો અને વિચારો બદલી નાખ્યા. એમ કહેવાય છે કે લલ્લિગ શેઠે આપેલા રત્નના પ્રકાશમાં આચાર્ય હરિભદ્રસૂરિજી રાત્રે ગ્રંથરચના કરતા હતા. આવા મહાન આચાર્યનો જીવનકાળ વીર નિર્વાણ સં. ૧૨૨૭ થી ૧૨૯૭ (વિ. સં. ૭૫૭ થી ૮૨૭) સુધીનો માનવામાં આવે છે.
ધર્મસ્નેહસૌજન્ય
શ્રી આગમોદ્ધારકશ્રીના સમુદાયના સા. શ્રી મૃગેન્દ્રશ્રીના પ્ર. સા. શ્રી પ્રશમશ્રી, નિર્વેદશ્રી, પ્રશાંતશ્રી, યશસ્વિનીશ્રી, કલ્પવિદાશ્રીના ઉપદેશથી ભક્તવર્ગ. શ્રી અંધેરી(પશ્ચિમ)નો ગુણાનુરાગી ભક્તવર્ગ. શ્રીયાબાઈ દીપચંદ તાતેડ, દીપ સન્સ જવેલર્સ, અંધેરી, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainellbrary.org