________________
૧૬. શ્રી માનતુંગસૂરિ આચાર્યશ્રી માનતુંગસૂરિજી રચિત ‘ભક્તામર સ્તોત્ર' એટલે ભારતીય સ્તોત્રસાહિત્યનું એક રમણીય અને ઉત્તુંગ શિખર. તેરસો કરતાં પણ વધુ વર્ષોથી ભક્તિની પરમ, ચરમ અને ઊર્ધ્વ ભૂમિકાએ રચાયેલું આ સ્તોત્ર ભાવપૂર્વક ગાવામાં-આરાધવામાં આવે છે. આ સ્તોત્ર ચિત્તમાં રહેલી મિથ્યાત્વની મલિનતા ધોઈને પરમાત્મા પ્રત્યેની ભક્તિની ઉજ્વળતા અર્પે છે. વસંતતિલકા છંદમાં રચાયેલ અત્યંત કર્ણમધુર અને ભાવભરપૂર આ સ્તોત્રનું હજારો ભાવિકો પ્રતિદિન પઠન, પાઠન અને પૂજન કરે છે.
એને વિશે સાંપડતી કથાઓ એની પ્રભાવકતાનો પરિચય આપે છે. એનાં યંત્રો એની આરાધનાવિધિ દર્શાવે છે. એના પ્રત્યેક શ્લોકમાં ઋદ્ધિ, મંત્ર અને સાધનાવિધિ સાંપડે છે. આ રીતે એક બાજુ એની આંતરિક આરાધનાની વિધિ મળે છે, તો બીજી બાજુ એના ભાવોને સવિશેષ પ્રગટ કરતાં ટીકા, વિવરણ અને પદ્યાનુવાદ મળે છે. આમાં ભાવ અને ભાષા ઝરણાંની નૈસર્ગિક છટાથી વહે છે. આમાં પ્રશાંત ભક્તિરસનો પ્રગાઢ અનુભવ થાય છે, તો આચાર્યશ્રી માનતુંગસૂરિની વંદનીય લઘુતા ભાવનાવિભોર કરે છે.
ધાર્મિક સંસ્કારો ધરાવતા કુટુંબમાં વિક્રમની સાતમી શતાબ્દીમાં જન્મેલા માનતુંગસૂરિએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ આગમશાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો અને ગુરુએ એમની જ્ઞાન-ધ્યાનની યોગ્યતા જોઈને એમને આચાર્યપદે સ્થાપ્યા.
એક વખત ભોજરાજાએ એમને ધારાનગરીમાં આવવાનું આદરપૂર્વક નિમંત્રણ આપ્યું. નગરદ્વાર પર અનેક વિદ્વાનો સૂરિજીના સ્વાગત માટે આવ્યા હતા. એમણે ઘીથી ભરેલી વાઢી બતાવી ત્યારે સૂરિજીએ એમાં એક સળી ખોસી દીધી. વિદ્વાનોએ એવો સંકેત આપ્યો કે ધારાનગરી તો વિદ્વાનોથી ખીચોખીચ ભરેલી છે, તેમાં આવીને વળી તમે શું કરશો ? ઘીમાં સળી ખોસીને સૂરિજીએ દર્શાવ્યું કે તેઓ પોતે ધારાનગરીના વિદ્વાનોની સભામાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી શકે તેમ છે.
- વારાણસી નગરીમાં બાણ અને મયૂર નામના બે પંડિતો પરસ્પરની ઈર્ષા કરતા હતા. મયુર નામના પંડિતે ચમત્કાર બતાવ્યો. આથી જૈન ધર્મના વિરોધીઓએ એવી વાત ફેલાવી કે જૈન ધર્મમાં કાવ્યરચના દ્વારા સર્જનાત્મક ચમત્કાર સર્જનારા પંડિતોનો સર્વથા અભાવ છે. શાસનની પ્રભાવકતા દર્શાવવા માટે શ્રી માનતુંગાચાર્યે આ પડકાર ઝીલી લીધો. તેમને એક ઓરડામાં પૂરવામાં આવ્યા. એમના શરીરે ચારે બાજુ લોખંડની સાંકળ બાંધવામાં આવી. સાંકળની આગળ ૪૪ તાળાં મારવામાં આવ્યાં. આવા અંધારિયા ઓરડામાં પુરાયેલા આચાર્ય માનતુંગસૂરિજી જિનેશ્વર પરમાત્માની સ્તુતિમાં લીન બનીને ભક્તિરસથી છલકતા શ્લોક પર શ્લોક રચતા ગયા અને તેના ભાવપૂર્ણ ઉચ્ચારણની સાથે જ તાળાં અને લોખંડની સાંકળ તૂટવા લાગ્યાં, ભગવાન ઋષભદેવની અધિષ્ઠાત્રી દેવી ચકેશ્વરીએ આ કાર્ય સિદ્ધ કર્યું. આચાર્યશ્રી માનતુંગસૂરિ રાજસભામાં પધાર્યા અને મધુર શબ્દોથી વારાણસીના રાજા હર્ષદેવને ‘ધર્મલાભ' કહ્યો. આ વિસ્મયજનક ઘટનાથી અત્યંત પ્રભાવિત બનેલા રાજા હર્ષદેવે આચાર્યશ્રી માનતંગસૂરિજી પાસેથી જૈન ધર્મનો પવિત્ર ઉપદેશ મેળવ્યો. રાજાએ જૈન શાસનની ઉન્નતિ માટે અનેક સત્કાર્યો કર્યા અને સ્વયં જૈન ધર્મ અંગીકાર કર્યો. આચાર્યશ્રી માનતુંગસૂરિજીએ રચેલી ૪૪ ગાથાઓ આજે “ભક્તામર સ્તોત્ર”ને નામે સર્વત્ર પ્રચલિત છે. (દિગંબર અને સ્થાનકવાસી પરંપરામાં ૪૮ ગાથાનો પાઠ મળે છે.)
“ભક્તામર” શબ્દથી શરૂ થતું હોવાથી “ભક્તામર સ્તોત્રને નામે ઓળખાતા આ સ્તોત્રમાં ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તોત્રમાં શબ્દનું માધુર્ય, અર્થની ગહનતા, ભાવની ઉત્કટતા અને અનુભવની માર્મિકતા એવી છે કે જિનેશ્વર ભગવાનના સ્તોત્રોમાં “ભક્તામર સ્તોત્ર”નું સ્થાન અદ્વિતીય છે. પ્રશાંત ભક્તિરસની પ્રધાનતા, અલંકારોની સુંદર સૃષ્ટિ અને પરમાત્મા પ્રત્યે આત્માની ભક્તિ જગાડતું આ સ્તોત્ર આધિ, વ્યાધિ અને ઉપાધિથી બળેલા-ઝળેલા માનવહૃદયને પરમ શાંતિ અર્પે છે. આઠ પ્રકારના ભયથી ઘેરાયેલા માનવીના જીવનને અભયનું વરદાન આપે છે. માનતંગસૂરિએ ૨ ૧ પદ્ય ધરાવતી ભયહર (નમિઊણ) સ્તોત્ર'ની પણ રચના કરી હતી.
ધર્મસ્નેહસૌજન્ય શેઠ પાનાચંદ ઓતમચંદ શાહ(લીંબડીવાળા)ના વંશજ સ્વ. શાંતાબહેન, શાંતિલાલ શિવલાલ શાહ (ઓખાવાળા)ના પુત્રો સ્વ. જયંતિલાલ, રમેશચંદ્ર, જગદીશ, પુત્રવધૂ પુષ્પા, શારદા, ચંદ્રિકા, પૌત્ર દિલીપ,
અતુલ્ય, રિખવ, પૌત્રવધૂ મીના-મીરા (બીએટ્રીસ), પ્રપૌત્ર શ્રેયાંસ, પુષ્યજામનગર,
Näin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org