________________
૧૪. શ્રી મલવાદ:સૂરિ
એ એક એવો સુવર્ણયુગ હતો કે જ્યારે સૌરાષ્ટ્રની નગરી વલ્લભી જૈન સંઘની જાહોજલાલીથી ઝળહળતી હતી. આવી અનુપમ નગરીમાં દુર્લભદેવીની કૂખે અજિતયશ, યક્ષ અને મલ્લ એમ ત્રણ પુત્રોનો જન્મ થયો. દુર્લભ ધર્મ એવા જૈન ધર્મના સંસ્કારો પોતાના ત્રણે પુત્રોમાં સિંચનારી આદર્શ માતા દુર્લભદેવીએ પોતાના ભાઈ આચાર્યશ્રી જિનાનંદસૂરિજી પાસે પુત્રો સહિત દીક્ષા અંગીકાર કરી.
એ સમયે રાજા શીલાદિત્યની સભામાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચે વિવાદ થયો. આચાર્યશ્રી જિનાનંદસૂરિજીએ આ વિવાદમાં ભાગ લીધો. આમાં શરત એવી હતી કે વિવાદમાં જે પરાજિત થાય તેણે ગુજરાત છોડી દેવું. બૌદ્ધ રાજાએ આચાર્ય જિનાનંદસૂરિને પરાજિત જાહેર કર્યા. આ સમયે આચાર્યશ્રી ગુજરાત છોડીને વલભી આવ્યા. આચાર્યશ્રી અત્યંત વ્યથિત હતા ત્યારે એમની બહેન દુર્લભદેવીએ કહ્યું, “મારા ત્રણ પુત્રોમાંથી એક પુત્ર આપને આપીશ અને તે આપની આ વ્યથા અને ચિંતા દૂર કરશે.” દુર્લભદેવીએ પોતાના પુત્રોને વાત કરી ત્યારે ત્રણેય પુત્રો આ કાર્યને માટે ઉત્સુક હતા. ત્રણેએ આચાર્યશ્રી પાસે દીક્ષા લેવા માટે સ્પર્ધા કરી. માતાએ આનંદાશ્રુ સાથે દીક્ષાની સંમતિ આપી.
દુર્લભદેવીના સૌથી નાના પુત્ર બાળમુનિ મલ્લે નિર્ધાર કર્યો કે ધર્મગ્રંથોનું તલસ્પર્શી જ્ઞાન મેળવીશ અને વાદીઓની સભામાં જરૂર વિજય મેળવીશ. બાળમુનિ મલે સરસ્વતીની સાધના કરી એ સાથે બાળ મલ્લમુનિ પર્વત પર જઈને ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યા. માત્ર પારણાના દિવસે નજીક આવેલા ગામમાંથી જે કંઈ મળે તે લાવીને નિર્વાહ કરી લેતા હતા. સમય જતાં સરસ્વતીદેવી પ્રસન્ન થયાં અને એમણે વરદાન આપ્યું.
પરિણામે દેવીએ આપેલી એક ગાથાના વિવરણરૂપે ‘દ્વાદશાર નયચક્ર' નામનો અજોડ ગ્રંથ રચ્યો. ચક્રના બાર આરાની માફક આ ઉત્કૃષ્ટ દાર્શનિક ગ્રંથમાં બાર અધ્યાય છે. પૂર્વે આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરે “સન્મતિ તર્ક” રચીને ન્યાયશાસ્ત્રનો એક મહાન ગ્રંથ આપ્યો હતો, એ જ રીતે આચાર્ય શ્રી મલસૂરિએ આ ગ્રંથમાં સંસ્કૃત ભાષામાં નય અને અનેકાંત દર્શનનું ગહન અને તલસ્પર્શી વિવેચન કર્યું.
નાનકડા બાળ મુનિએ મહારાજા શિલાદિત્યને કહેવડાવ્યું કે, “તમારી રાજસભામાં વાદ કરવા માટે હું તૈયાર છું. તમારો સંસારી ભાણેજ મલમુનિ બૌદ્ધોને પરાજય આપવા આતુર બન્યો છે.” રાજા શિલાદિત્ય મલ્લના સંસારી મામા હતા અને એમણે બૌદ્ધ ધર્મ સ્વીકારીને એના પ્રચાર માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતા.
એક નાનકડો મુનિ કઈ રીતે પ્રૌઢ અને પ્રકાંડ વાદીઓને પરાજિત કરી શકે ! સહુના આશ્ચર્ય વચ્ચે રાજા શિલાદિત્યની રાજસભા વાદસભામાં ફેરવાઈ ગઈ. છ-છ મહિના સુધી વાદ ચાલ્યો. આચાર્ય મલ્લસૂરિનો વિજય થતાં આનાથી પ્રભાવિત રાજાએ મુનિ મલ્લને “વાદી"નું બિરુદ અર્પણ કર્યું. પરિણામે તેઓ શ્રી મલ્લવાદીસૂરિ ક્ષમાશ્રમણના નામે સર્વત્ર વિખ્યાત થયા. પોતાના વાકૌશલ અને સાહિત્યસાધના દ્વારા આચાર્ય મલવાદીએ જૈન શાસનની અનોખી પ્રભાવના કરી.
આચાર્ય મલવાદીસૂરિએ ‘સન્મતિ તર્કટીકા તેમ જ ચોવીસ હજાર શ્લોક ધરાવતા ‘પદ્મચરિત્ર (જૈન રામાયણ)ની રચના કરી. શ્રી મલ્લવાદીસૂરિ વાકુશળ હતા અને તેથી શ્રી હેમચંદ્રાચાર્યે એમને ‘સર્વોત્કૃષ્ટ તાર્કિક” તરીકે ઓળખાવ્યા છે. એમનો ‘દ્વાદશાર નયચક્ર' ગ્રંથ ન્યાયવિષયક ઉત્તમ ગ્રંથ ગણાય છે અને તે સમયની તત્ત્વજ્ઞાનની વિવિધ ધારાઓની માર્મિક સમાલોચના કરતો આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં એમણે રચ્યો હતો. આચાર્ય મલ્લાદીના મોટા ભાઈ મુનિ અજિતયશે ‘પ્રમાણ ' ગ્રંથની રચના કરી અને બીજા ભાઈ યક્ષ મુનિએ ‘અષ્ટાંગ નિમિત્ત બોધિની' નામની સંહિતાનું નિર્માણ કર્યું. આ રીતે એક મહાન માતાના ત્રણ પુત્રોએ જૈન શાસનની સાધુતા, સાહિત્ય અને તત્ત્વગહનતાથી આગવી સેવા કરી.
- ધર્મસ્નેહસૌજન્ય | સુરેન્દ્રનગર રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં કરાવેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પ્રતિષ્ઠાનની સ્મૃતિમાં; ખોડુ(હાલ ૭ 5 પાર્લા, મુંબઈ)નિવાસી જયંતિલાલ છોટાલાલ, વિજય, એ. સી. નેહા, ગૌરાંગ, આકાશ, અતુલ, અ, સો. પ્રીતિ, હાર્દિક, દિશા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org