________________
૧૨.
૧૩. શ્રી માનદેવસૂરિ
સાધુનું જીવન એટલે આત્મકલ્યાણ અને લોકકલ્યાણનો મનોરમ સુમેળ ! આત્મસાધનાની કેડીએ ચાલતાં સાહજિક રીતે જ સાધુજનોથી પરમાર્થનાં કાર્યો થતાં હોય છે. જૈન સમાજના કંઠે સદાય ગુંજતા ‘લઘુશાંતિસ્તવ'ના રચયિતા શ્રી માનદેવસૂરિએ શ્રીસંઘના હિતાર્થે આની રચના કરી. રાજસ્થાનના નાડોલ ગામમાં પિતા શેઠ ધનેશ્વર અને માતા ધારિણીને ત્યાં જન્મેલા પુત્ર આ. પ્રદ્યોતનસૂરિનો ઉપદેશ સાંભળ્યો અને અંતરમાં વૈરાગ્ય જાગ્યો. થોડા સમયમાં ગહન શાસ્ત્રાભ્યાસ દ્વારા અગિયાર અંગ અને છેદસૂત્રમાં નિષ્ણાત બનતા મુનિ માનદેવને આચાર્યપદથી વિભૂષિત કર્યા. ગુરુ પ્રદ્યોતનસૂરિએ માનદેવસૂરિને આચાર્યની પદવી આપી ત્યારે એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી. એ સમયે માનદેવસૂરિના એક ખભા પર સાક્ષાત્ લક્ષ્મી અને બીજા ખભા પર સાક્ષાત્ સરસ્વતી બિરાજમાન હતાં. આ જોતાં જ ગુરુ પ્રદ્યોતનસૂરિજી વિમાસણમાં પડી ગયા હતા કે જૈનાચાર્યની મહાન પદવી પામ્યા પછી શ્રી માનદેવસૂરિ નિરતિચાર ચારિત્ર પાળી શકશે ખરા ? એમના ચારિત્રમાં કોઈ ક્ષતિ તો આવશે
આજ્ઞાંકિત શિષ્ય માનદેવસૂરિ ગુરુની મનોવેદનાને પારખી ગયા. એમણે એ જ સમયે પ્રતિજ્ઞા કરી કે આજથી હું ક્યારેય ભક્તજનને ત્યાંથી ગોચરી વહોરીશ નહીં. વળી આજીવન આ પ્રતિજ્ઞાનું પાલન કરીશ. આને કારણે શ્રી માનદેવસૂરિનું તપ વધુ ઉજ્વળ બન્યું. એમનાં નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને ઉત્કૃષ્ટ જ્ઞાન જોઈને જયા, વિજયા, અપરાજિતા અને પન્ના નામની ચાર દેવીઓ એમના સાન્નિધ્યમાં વસવા લાગી અને સદૈવ સૂરિજીને વંદન કરવા આવવા લાગી. આને પરિણામે માનદેવસૂરિનો યશ સર્વત્ર ફેલાવા લાગ્યો.
આ સમયે જેનોની સમૃદ્ધિથી ઓપતી તક્ષશિલા નગરીમાં પાંચસો જિનમંદિરો હતાં. આ નગરીમાં અચાનક મહામારીના રોગનો આતંક ફેલાયો અને અનેક લોકો અકાળે મરવા લાગ્યા. આખુંય નગર મૃતદેહોના ઢગથી ભરાઈ ગયું અને હૈયું ચીરી નાખે એવાં વેદના અને કલ્પાંત સિવાય નગરમાં કશું સાંભળવા મળતું નહોતું. આ સમયે ચિંતાતુર શ્રાવકો આ વિકટ પરિસ્થિતિનો ઉપાય શોધવા લાગ્યા. એમણે શાસનદેવીની આરાધના કરી, ત્યારે દેવીએ કહ્યું કે નાડોલ નગરમાં મહાપ્રભાવક આચાર્ય માનદેવસૂરિ પાસે જાઓ. આ નગરીમાં એમના ચરણનું જળ છાંટવાથી આ મહાઉપદ્રવ શાંત થશે.
તક્ષશિલા નગરીના વીરચંદ શ્રાવક શ્રીસંઘનો વિનંતીપત્ર લઈને આચાર્ય માનદેવસૂરિ પાસે આવ્યા, ત્યારે દેવીઓને જોઈને એમને મનોમન શંકા જાગી. આ સ્ત્રીઓ અહીં આચાર્ય મહારાજ પાસે શા માટે બેઠી હશે ? પરિણામે આચાર્યશ્રીને વંદન કર્યા વિના જ વીરચંદ બેઠો. એનું અવિનયી વર્તન જોઈને દેવીઓએ એને મુશ્કેટોટ બાંધી દીધો. પારાવાર પશ્ચાત્તાપ અનુભવતા વીરચંદને ગુરુએ ક્ષમા આપીને બંધનમુક્ત કર્યો. તક્ષશિલાના શ્રીસંઘના વિનંતીપત્રને રજૂ કર્યો ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે, “હું અહીં બેઠાં બેઠાં જ શ્રીસંઘનું કાર્ય કરી આપીશ.” એમણે મંત્રાધિરાજ ગર્ભિત “શાંતિસ્તવસ્તોત્ર” બનાવી આપ્યું. એમ પણ કહ્યું કે આ સ્તોત્રનો પાઠ ગણીને મંત્રિત જળનો છંટકાવ કરવાથી મરકીના ઉપદ્રવની શાંતિ થશે.
શ્રાવક વીરચંદ આ સ્તોત્ર લઈને તક્ષશિલા નગરીમાં પહોંચ્યો. શ્રીસંઘે આચાર્ય માનદેવસૂરિના કહેવા પ્રમાણે પાઠ કરીને મંત્રિત જળનો છંટકાવ કર્યો. આને પરિણામે વ્યંતરનો ઉપદ્રવ શાંત થયો. આચાર્યશ્રી માનદેવસૂરિએ આવી જ રીતે ઉપદ્રવનિવારણ માટે ‘તિજયપહુત્ત’ નામક સ્તોત્ર રચ્યું. આમ, મહાપ્રભાવિક શ્રી માનદેવસૂરિએ શ્રીસંઘના હિતાર્થે મંત્રરચનાઓ કરી.
‘સૂરિ: શ્રીમાનદેવચ્ચએ પદ બોલનારો પ્રત્યેક જૈન ‘લઘુસ્તવશાંતિસ્તવ 'ના રચયિતા આચાર્ય માનદેવસૂરિની પ્રતિભાથી પરિચિત છે. તેઓએ સાંઢા જાતિના રજપૂતોને પ્રતિબોધ આપીને જૈન બનાવ્યા હતા. તેઓ વીર સં. ૭૩૧માં શ્રી ગિરનાર તીર્થ પર અનશન કરીને કાળધર્મ પામ્યા હતા.
ધર્મસ્નેહસૌજન્ય ભાવનગરમાં આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિ મ.ની નિશ્રામાં થયેલા ૮૦૦ સિદ્ધિતપની સ્મૃતિમાં;
શ્રી રમણલાલ કેશવલાલ ગાંધી (ખેડાવાળા)ના શ્રેયાર્થે, હ. કુંદનબહેન રમણલાલ, પુત્ર અરુણભાઈ, અ. સૌ. નિશાબહેન, રીટુબહેન તથા ચિ. ઋષભકુમાર. વાલકેશ્વર, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelitiary.org