________________
૧૨. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ
છે કોઈની તાકાત કે જે મને વાદમાં પરાજિત કરે ! કોઈ મને પરાજય આપી શકે તો જીવનભર એનો શિષ્ય થઈ જ ઈશ !”
ગર્વ અને ગુમાનથી આવું કરીને ઠેરઠેર ધૂમનારા અને વાદવિજયનો ડંકો વગાડનારા ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના મહાપંડિત સિદ્ધસેને પ્રકાંડ પંડિતોને હરાવ્યા હતા. એવામાં એમણે મહાન તાર્કિક વૃદ્ધવાદીસૂરિજીની નામના સાંભળી એટલે વાદ માટે પડકાર ફેંક્યો. પરંતુ એમની સામે પરાજય થતાં પૂ. વૃદ્ધવાદીજી પાસે જૈન ધર્મની દીક્ષા સ્વીકારી અને તેમનું નામ મુનિ કુમુદચંદ્ર રાખ્યું હતું. સમય જતાં એમને આચાર્ય પદવી આપી અને એમના મૂળ નામ પરથી એમને સિદ્ધસેનસૂરિ નામ આપ્યું. સિદ્ધસેનસૂરિ પાસે મંત્રસૈનિકો અને સુવર્ણ પેદા કરવાની શક્તિ હોવાથી એમણે કમર ગ્રામના રાજા દેવપાળને મદદ કરી અને કામરુ દેશના રાજા વિજયવર્માનું આક્રમણ નિષ્ફળ બનાવ્યું. પરિણામે રાજા અને પ્રજા બંનેએ મુક્ત કંઠે આચાર્ય સિદ્ધસેનસૂરિજીનાં યશોગાન ગાયાં અને એમને અંધકારમાં પ્રકાશ ફેલાવનાર “દિવાકર "નું બિરુદ અર્પણ કર્યું. રાજા આચાર્ય સિદ્ધસેન દિવાકરને આગ્રહ કરીને હાથી પર કે પાલખીમાં બેસાડતા હતા, પગપાળા ચાલવા દેતા નહીં.
એમના ગુરુ આચાર્ય વૃદ્ધવાદીસૂરિજીને આની જાણ થતાં તેઓએ વિચાર્યું કે જો આચાર્ય સિદ્ધસેન દિવાકરનું બીજા સાધુઓ અનુકરણ કરતા થઈ જશે તો ત્યાગધર્મની મહત્તા ઘટી જશે. વળી સાધુઓ પરિગ્રહી બનશે તો સમાજમાં અનેક દૂષણો જન્મશે. પરિણામે વયોવૃદ્ધ હોવા છતાં શિષ્યને જાગૃત કરવા માટે પૂ. વૃદ્ધવાદીસૂરિ કર્માર ગ્રામ આવ્યા. એમણે જોયું તો સિદ્ધસેનસૂરિ ઠાઠમાઠથી પાલખીમાં બેસીને રાજદરબાર ભણી જતા હતા. ભાટચારણો એમનું યશોગાન કરતા હતા અને પાલખીની પાછળ જયજયકાર કરતા લોકો આચાર્યની મીઠી નજર પામવા માટે ધક્કામુક્કી કરી રહ્યા હતા. વૃદ્ધ પૂ. વૃદ્ધવાદીસૂરિએ આ પાલખી ઉપાડી, પણ વૃદ્ધાવસ્થાને લીધે ડગમગવા માંડી, ત્યારે દિવાકરસૂરિએ સંસ્કૃતમાં એક વાક્ય કહ્યું. આ વાક્યમાં રહેલો શાબ્દિક દોષ પાલખી ઊંચકનાર ગુરુએ બતાવ્યો. પોતાના જેવા વિદ્વાનની ભૂલ કાઢનાર કોણ હશે? વળી તે પણ પાલખી ઉપાડનાર! પાલખી ઊભી રખાવીને નીચે ઊતરીને જોયું તો આ તો સ્વયં ગુરૂદેવ જ હતા! આચાર્ય સિદ્ધસેનને ઘોર પશ્ચાત્તાપ થયો. ગુરુની માફી માગી. ગુરુએ એમને આત્મધ્યાનમાં સ્થિર થવાનો ઉપદેશ આપીને પ્રયાણ કર્યું.
એક સમયે સિદ્ધસેન દિવાકરે જૈન ધર્મનાં પ્રાકૃતમાં લખાયેલાં સુત્રોના કેટલાક વિદ્વાનોને ઠેકડી ઉડાડતા જોઈને એનું સંસ્કૃતમાં રૂપાંતર કરવાનો સંકલ્પ કર્યો. આ અંગેની ગુરુની રજા માગી ત્યારે ગુરુએ કહ્યું કે તીર્થકરોએ જે પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યો હતો તે બદલવાનો વિચાર કરવો, એ તીર્થંકરની આજ્ઞાની અવહેલના કહેવાય. પોતાના આવા દોષના પ્રાયશ્ચિત્ત અર્થે સિદ્ધસેનસૂરિ બાર વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહ્યા. એ પછી મહાકાલેશ્વરના શિવમંદિરમાં સૂતેલા કોઈ યોગીને રાજસેવકો ચાબુક મારતા હતા. આ ચાબુક યોગીને વાગવાને બદલે રાજમહેલમાં રાણીઓના બરડામાં એના સોળ ઊઠતા હતા. આવા ચમત્કારને પરિણામે ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્ય શિવલિંગ પાસે આવ્યા ત્યારે આ યોગીએ ઊભા થઈને “કલ્યાણમંદિર સ્તોત્ર”નું સર્જન કર્યું. એના પ્રભાવથી શિવલિંગની નીચેથી અવંતિ પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ થઈ. રાજા વિક્રમાદિત્ય સિદ્ધસેન દિવાકરને ઓળખ્યા. આ. સિદ્ધસેન દિવાકરે રચેલા ‘બત્રીસ-બત્રીસી', ‘ન્યાયાવતાર', ‘સન્મતિતર્ક', આદિ અનેક ગ્રંથો એમની વિરાટ પ્રતિભાનો પરિચય આપે છે. ઉદાર વ્યક્તિત્વ, ગહન ચિંતનશક્તિ અને ઉત્કૃષ્ટ દાર્શનિક વિચારોથી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ જિનશાસનની કીર્તિગાથામાં યશકલગી ઉમેરી. ઉચ્ચ કોટિના સાહિત્યકાર, સમર્થ વાદી અને દિગ્ગજ વિદ્વાન તરીકે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિનું સદૈવ સ્મરણ થતું રહેશે.
- ધર્મસ્નેહસૌજન્ય શ્રી ગુરુબંધુ બેલડીના વિ. સં. ૨૦૪૭માં બરવાળા(ઘેલાશાહ)ના ચાતુર્માસમાં જૈન-જૈનેતરમાં થયેલા તપ-ત્યાગની પુણ્ય સ્મૃતિમાં; સમરતબહેન પોપટલાલ ચત્રભુજ બાબરિયા પરિવાર, હ, વજુભાઈ, વસંતભાઈ, મનુભાઈ,
વિનોદભાઈ (બરવાળાવાળા). હાલ સાયન, મુંબઈ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org