________________
૧૧. શ્રી વજસ્વામી
જન્મજાત યોગી, અંતિમ દસ પૂર્વધર મહર્ષિ શ્રી વજસ્વામીજીનું જીવન સંયમપાલન, આરાધના અને ધર્મપ્રભાવનાના અપૂર્વ ત્રિવેણીસંગમરૂપ હતું. એમના જીવનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓને જન્મ સાથે જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું અને આ પૃથ્વી પર પહેલો પ્રકાશ જોયો તે જન્મદિવસથી જ સંસારમાંથી વૈરાગ્ય ધારણ કરીને એંશી વર્ષ સુધી આજીવન વિશુદ્ધ સાધુજીવનનું પાલન કર્યું. અવંતિ પ્રદેશની તુમ્બવન નગરીના નિવાસી ધનગિરિ અને સુનંદાનાં લગ્ન તો થયાં, કિન્તુ સુનંદા પતિની આત્મકલ્યાણના સાધનાપથની ઝંખનાને સુપેરે જાણતી હતી. સુનંદાને ગર્ભસૂચક શુભસ્વપ્ન આવતાં ધનગિરિએ કહ્યું કે તને થોડા જ સમયમાં પુત્રનો આધાર સાંપડશે, તો હવે તારી અનુમતિ હોય તો મારી દીક્ષા લઈને આત્મકલ્યાણ સાધવાની ભાવના છે. આદર્શ આર્યનારીની પેઠે સુનંદાએ ધનગિરિને અનુમતિ આપી. વી. નિ. સં. ૪૯૬માં સુનંદાએ પુત્રને જન્મ આપ્યો આ સમયે સુનંદાની સહિયરો અને પરિવારજનોએ હર્ષોલ્લાસભેર પુત્રજન્મની ઉજવણી કરી. આનંદના આ અવસરે કોઈએ એમ કહ્યું કે જો આ બાળકના પિતા ધનગિરિએ દીક્ષા લીધી ન હોત અને અહીં હાજર હોત, તો આ જન્મોત્સવની ઉજવણી ઓર દીપી ઊઠત.
આ વાક્યો નવજાત શિશુના કાને અથડાતાં જ એને પૂર્વજન્મના સંસ્કારને લીધે જાતિસ્મરણ જ્ઞાન થયું. બાળકે મનોમન વિચાર્યું કે માતા વાત્સલ્યથી વીંટાળી દે નહીં તે માટે એણે તત્કાળ રડવાનું શરૂ કર્યું. પૂરા છ મહિના સુધી રાત-દિવસના એના રુદનથી માતા સુનંદા હેરાનપરેશાન થઈ ગઈ અને એક દિવસ અકળાઈને મુનિ ધનગિરિને આ સતત રડતો બાળક જ વહોરાવી દીધો. બાળક મુનિને પધરાવતાં જ શાંત થઈ ગયો. મુનિ ધનગિરિ ઝોળીમાં લઈને ગુરુ આર્યસિંહગિરિ પાસે આવ્યા ત્યારે ગુરુએ વજનદાર ઝોળીને જોઈને કહ્યું કે આ તો વજ સમાન અત્યંત ભારયુક્ત છે. ગુરુએ ઝોળી ખોલીને જોયું તો એમાંથી બાળક નીકળ્યો. ગુરુએ એનું નામ ‘વજ' રાખ્યું. આ બાળકનો સાધ્વીજી અને શ્રાવિકાઓ દ્વારા ઉછેર થતો ગયો.
ત્રણેક વર્ષ બાદ પુત્ર પ્રત્યેનું વાત્સલ્ય પુન: જાગૃત થતાં સુનંદાએ પુત્રની માગણી કરી. વાત છેક રાજ દરબાર સુધી પહોંચી. છેવટે નક્કી થયું કે બાળક જેના પ્રત્યે આકર્ષિત થાય તેની પાસે એને રાખવો. સુનંદાએ ભાતભાતનાં સુંદર રમકડાં, મધુર સ્વાદિષ્ટ મીઠાઈઓ અને હાથ લંબાવીને વાત્સલ્યભરી ચેષ્ટાઓ દ્વારા બાળકને પોતાની પાસે બોલાવ્યો, પરંતુ બાળક એક તસુ પણ હાલ્યો-ચાલ્યો નહીં. એ પછી બાળકના પિતા ધનગિરિએ પોતાનું રજોહરણ ઉઠાવીને કહ્યું કે જો તું તત્ત્વને જાણનારો હોય અને સંયમને ગ્રહણ કરવા માટે ઉત્સુક હોય તો કર્મબંધનને ફગાવી દેવા માટે આ રજોહરણનો સ્વીકાર કર, મુનિ ધનગિરિનું વાક્ય પૂરું થાય એ પહેલાં બાળક વજ પોતાના સ્થાનથી ફરીને એમના ખોળામાં બેસી ગયો અને હાથમાં રજોહરણ લઈને ચામરની માફક ઢોળવા લાગ્યો. આ જોઈને આખો રાજ દરબાર સ્તબ્ધ બની ગયો. સુનંદા ઊંડા વિચારમાં ડૂબી ગઈ. પોતાના પતિ, ભાઈ અને પુત્ર ત્રણેએ દીક્ષા લીધી હતી. એણે પણ એ જ સંયમપંથે પ્રયાણ કરવાનો નિર્ધાર કર્યો. બાળમુનિ વજસ્વામીને જંગલમાં માયા રચીને બે વખત દેવોએ આહાર આપવાનો નક્કી કર્યો, પરંતુ પોતાના બુદ્ધિબળે તેઓ દેવમાયાને કળી ગયા અને આહારનો અસ્વીકાર કર્યો. દેવોએ એમને વૈક્રિય લબ્ધિ અને આકાશગામિની વિદ્યા આપી. આ વિદ્યાથી એકવાર વજસ્વામીએ ભારતના ઉત્તર ભાગમાં ભીષણ દુકાળ પડ્યો હતો ત્યારે આકાશગામિની વિદ્યા દ્વારા સમગ્ર સંઘને માહેશ્વરી પુરીમાં મોકલી આપ્યો. અહીં ફૂલો અપ્રાપ્ય હતાં ત્યારે મંત્રબળે વીસ લાખ પુષ્પો વિમાન દ્વારા લઈ આવ્યા. આ રીતે સાધુતા અને સામર્થ્યની પાવન મૂર્તિ સમા આચાર્ય વજસ્વામી વીર નિ. સં. ૧૮૪માં કાળધર્મ પામ્યા. આવા મહાન આચાર્યના સ્વર્ગગમનની સાથે જ દસમો પૂર્વ અને ચતુર્થ સંહનનનો વિચ્છેદ થઈ ગયો. આવા આચાર્યની સ્મૃતિને ચિરસ્થાયી બનાવવા માટે એમના સ્વર્ગગમન પછી વજીશાખાની સ્થાપના થઈ.
ધર્મસ્નેહસૌજન્ય આ. શ્રી ચંદ્રોદયસૂરિ મ.ના ગુરુબંધુ આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિ વિ., સોમચંદ્ર વિ., સા. યશસ્વિનીશ્રીજી તથા એ. સી. જયણાબહેન વસંતલાલના માસક્ષમણ તથા નિમીષા, પૂર્વીની અઠ્ઠાઈ નિમિત્તે;
કોઠાસણાવાળા શ્રી વાડીલાલ રવચંદ મહેતા પરિવાર, હ. કૃપેશકુમાર, ન્યૂયોર્ક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org