________________
૭. શ્રી શયંભાચાર્ય
ભગવાન મહાવીરના સાધુ સંઘની પાટે બિરાજેલા ચરમકેવલી જંબુસ્વામીના મહાન શિષ્ય શ્રી પ્રભવસ્વામીને વયોવૃદ્ધ થતાં ચિત્તમાં ચિંતા જાગી કે એમના પછી આચાર્યપદની જવાબદારી કોને સોંપવી ? ખુદ આચાર્યશ્રી પ્રભવસ્વામી ૯૪મા વર્ષે આચાર્યપદે બિરાજ્યા હતા એટલે શ્રી સંઘનો કાર્યભાર વહન કરી શકે એવી યોગ્ય વ્યક્તિનો વિચાર કરતાં એમની દૃષ્ટિ રાજગૃહીના યજ્ઞનિષ્ઠ બ્રાહ્મણ વિદ્વાન શય્યભવ ભટ્ટ પર ઠરી. પાયાનો પ્રશ્ન એ હતો કે એમને જૈન ધર્મ પ્રત્યે અભિમુખ કરવા કઈ રીતે ?
આ સમયે શય્યભવ ભટ્ટ રાજગૃહી નગરીમાં પશુમેઘ યજ્ઞ કરાવતા હતા. આચાર્ય પ્રભવસ્વામીએ પોતાના બે મુનિઓને એમની પાસે મોકલ્યા. યજ્ઞમંડપમાં ચાલતી ઘોર હિંસામાં ડૂબેલા શય્યભવના કાને પડે તે રીતે બે મુનિઓએ કહ્યું, “ધર્મના નામે ચાલતી આવી ક્રૂર હિંસામાં વળી તત્ત્વની કોને ગતાગમ છે ?”
મુનિઓનાં આ વચનોથી ચોંકી ઊઠેલા શય્યભવ વિચારમાં પડ્યા. તેઓ વાકેફ હતા કે જૈન મુનિ કદી અસત્ય વચન ઉચ્ચારે નહીં. પરિણામે વિદ્વાન અને સાચા જિજ્ઞાસુ શય્યભવ પેલા બે સાધુની શોધમાં નીકળ્યા. તપાસ કરતા તેઓ આચાર્ય પ્રભવસ્વામી પાસે આવ્યા, જેમણે શય્યભવને યજ્ઞનું યથાર્થ સ્વરૂપ અને આધ્યાત્મિક ભૂમિકા પર દર્શનનું તત્ત્વ સમજાવ્યું. પરિણામે શય્યભવ યજ્ઞ, ઘરગૃહસ્થી અને ગર્ભવતી પત્ની - સઘળું છોડીને અઠ્ઠાવીસ વર્ષની વયે સાધુ બની ગયા. પ્રભવસ્વામી પાસે એમણે અનુક્રમે ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને શ્રુતઘરની પરંપરામાં બીજા શ્રુતકેવલી બન્યા. આચાર્ય પ્રભવસ્વામીએ શ્રુતસંપન્ન આર્ય શય્યભવને વીરનિર્વાણ સં. ૭૫માં આચાર્યપદે સ્થાપ્યા.
શય્યભવની ગર્ભવતી પત્નીની કૂખે જન્મેલો બાળક મનક આઠ વર્ષનો થયો, ત્યારે સહાધ્યાયીઓના ઉપહાસને કારણે પોતાના પિતાને મળવાની તીવ્ર ઇચ્છા જાગી. મનકે પોતાની માતા પાસે પિતા વિશે જાણકારી માગી, તો માતાએ એના વિદ્વાન પિતા શય્યભવ જૈન મુનિ બન્યા ત્યાં સુધીનો સઘળો વૃત્તાંત વર્ણવ્યો. મનકને પિતાનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. આચાર્ય શય્યભવસૂરિએ એને જોતાં જ જાણી-ઓળખી લીધો. ઓળખાણ નહીં પામેલા બાળકે પૂછ્યું, “મારા પિતા શય્યભવ મુનિ ક્યાં છે, તેની તમને ખબર છે ?'’ ત્યારે પોતે મુનિ શય્યભવના અભિન્ન મિત્ર છે એમ કહીને બાળકને પોતાની સાથે રાખ્યો. એમના ઉપદેશથી પ્રભાવિત થયેલા મનકે દીક્ષા ગ્રહણ કરી, કિંતુ આચાર્ય શભવે જોયું કે એનું આયુષ્ય તો માત્ર છ મહિના જેટલું અતિ અલ્પ છે. પરિણામે સર્વ શાસ્ત્રોનું અધ્યયન એને માટે શક્ય નહોતું. આથી આત્મપ્રવાદ આદિ પૂર્વોમાંથી દશવૈકાલિક સૂત્રોનું સંકલન કરી એને એનો અભ્યાસ કરાવ્યો. આ ‘દશવૈકાલિક સૂત્ર’ની રચનાનો સમય વીરસંવત ૮૨ની આસપાસનો છે. આ રચના દ્વારા આચાર્ય શય્યભવે મુનિ બનેલા સંતાનનું કલ્યાણ કર્યું. આજે પણ એ ‘દશવૈકાલિક સૂત્ર'ની રચના સાધુઓના પ્રારંભિક અભ્યાસના રૂપમાં જૈન સમાજના સર્વ સંપ્રદાયોમાં માન્ય છે.
આચાર્ય શય્યભવસૂરિ ત્રેવીસ વર્ષ સુધી યુગપ્રધાનપદ પર અધિષ્ઠિત રહ્યા. બાસઠ વર્ષની ઉંમરે તેઓ કાળધર્મ પામ્યા. આર્ય પ્રભવસ્વામીના સ્વર્ગવાસ પછી શ્રુતધર શ્રી શય્યભવસૂરિએ શાસનની ધુરા સંભાળીને વીતરાગ શાસનની ઘણી સેવા કરી હતી તેમ જ ‘શ્રી દશવૈકાલિક સૂત્ર'ના દસ અધ્યયનોનો ઉદ્ધાર કર્યો.
આચાર્ય શ્રી શય્યભવસૂરિએ વીતરાગ શાસનની ઘણી પ્રભાવના કરી. તેઓને પૂર્વજીવનમાં બ્રાહ્મણ સમાજનો અનુભવ હતો. એમણે જોયું કે આ સમાજના યજ્ઞોમાં પશુહિંસા થતી હતી. નિર્દોષ અને અબોલ પ્રાણીઓનો બલિ ચડાવવામાં આવતો હતો. આચાર્ય શ્રી શય્યભવસૂરિએ સહુને યજ્ઞનું આધ્યાત્મિક સ્વરૂપ સમજાવ્યું. બ્રાહ્મણમતમાં માનનારા અનેકને જૈન ધર્મને અનુકૂળ બનાવ્યા.
ધર્મસ્નેહસૌજન્ય
પાટણ(હાલ અંધેરી, મુંબઈ)નિવાસી ગુલાબબહેન મોહનલાલ ઝવેરી, મહેન્દ્રભાઈ ચીમનલાલની સ્મૃતિમાં; હંસાબહેન મહેન્દ્રભાઈ પરિવાર, હ. ચેતનભાઈ, રમાબહેન, સંજીવકુમાર, હંસાબહેન, ચિ. કુણાલ, અનુજ, રાહુલ, પ્રિયંકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainellbrary.org