________________
૬. શ્રી સુલ્લક મુનિ
માતા અને મુનિઓની વૈરાગ્યમયી વાણીનું વર્ષો સુધી શ્રવણ કરવા છતાં ક્ષુલ્લકકુમારના ચિત્તમાં ત્યાગ, વૈરાગ્ય કે સંયમનો ભાવ જાગતો નહોતો. માત્ર આઠ વર્ષની નાની ઉંમરે માતાએ એને દીક્ષા આપી હોવા છતાં ચારિત્રમોહનીયનો ઉદય થવાની એના ચિત્તમાં ઘર કરી ગયેલી વિષયવાસના વિદાય લેતી નહોતી. માતાને આપેલા વચનને કારણે એણે એમની પાસેથી જિનેશ્વરપ્રભુની અમૃતવાણીનું પાન કર્યું હતું, પરંતુ એ અમૃતની વર્ષા મુનિ ક્ષુલ્લક પર કશી અસર કરી શકી નહીં. બાર વર્ષ સુધી શ્રવણ કર્યા બાદ માતાની પાસેથી વિદાય લેતા હતા, ત્યારે માતાએ પોતાના ગુરુણીની અનુમતિ અને રજા માગવા જણાવ્યું. ગુરણીએ વધુ બાર વર્ષ પછી ઉપદેશ સંભળાવ્યો. એ પછી ઉપાધ્યાય અને ગચ્છાધિપતિ આચાર્યશ્રીએ પણ બાર-બાર વર્ષ સુધી ઉપદેશ આપ્યો, પરંતુ સઘળું પથ્થર પર પાણી સમાન !
અંતે ૪૮ વર્ષના દીક્ષાપાલન બાદ સુલ્લક ચાલી નીકળ્યા ત્યારે માતાએ પોતાની પૂર્વાવસ્થાની રત્નકંબલ અને મુદ્રા (વીંટી) આપ્યાં. શ્રી સુલ્લક મુનિને ગોચરી માટે ઘેર ઘેર ફરવાનું મુશ્કેલ લાગતું હતું. એમણે ગોચરી લેવા જવાનું બંધ કર્યું. તેઓ વિચારતા હતા કે જમીન પર સંથારો કરવાથી એમના શરીરના સાંધેસાંધા દુઃખે છે. આથી એમણે પલંગ હોય તો સારું એમ ગુરુદેવને કહ્યું. એવી જ રીતે ઉકાળેલું પાણી લાવીને સ્નાન કરવાની આજ્ઞા માગી. સમય જતાં લોચ સહન ન થતાં અસ્ત્રાથી મુંડન કરવાની પણ ગુરુ પાસેથી રજા મેળવી લીધી. અંતે મુનિનાં સંયમનાં સર્વ ચિહુનો ત્યજીને આ ક્ષુલ્લકકુમાર સાકેતપુરની રાજસભામાં સંધ્યાકાળે પહોંચ્યા, ત્યારે દરબારમાં નર્તકીના મોહક નૃત્યની મહેફિલ જામી હતી. દીવાઓની ઝાકઝમાળ રોશનીથી રાત દિવસ બની હતી. રત્નજડિત ચળકતું સિંહાસન, ઉદ્દીપક કામભાવ જગાડતી દીવાલ પરની ચિત્રસૃષ્ટિ, સુવર્ણદીપિકાઓનો ચળકતો પ્રકાશ અને કામી પ્રેક્ષકોથી નૃત્યાંગનાને અપાતી દાદ સંભળાતાં હતાં. આ વાતાવરણમાં ક્ષુલ્લક તલ્લીન બની ગયા.
પ્રભાત ખીલવાને ચારેક ઘડી બાકી હતી ત્યારે એકાએક નર્તકીને થાકેથી લથડતી જોઈને સાજિંદાઓ વચ્ચે બેઠેલી નર્તકીની માતા અક્કાએ સંગીતના આલાપમાં કહ્યું, “હવે રાત્રિ ઘણી વ્યતીત થઈ ગઈ છે. થોડા માટે પ્રમાદ ન કર,” અક્કાનું ગાયન સાંભળીને નર્તકી સાવધાન બનીને નૃત્ય કરવા લાગી, અક્કાના ‘બહોત ગઈ, થોડી રહી' એ શબ્દો કાને પડતાં જ ક્ષુલ્લકકુમારનું હૃદય જાગી ઊઠયું. તેઓ જીવન જગાડતો નૂતન બોધ પામ્યા ! આથી એમણે નર્તકીને રત્નકંબલ ભેટ આપી. ક્ષુલ્લકના હૃદયમાં મનોમંથન જાગ્યું : અરે ! જીવનમાં આટલાં બધાં વર્ષો તો સંયમપાલનમાં વ્યતીત કર્યા, હવે બાકીની થોડી જિંદગી માટે પ્રમાદ કરવો ઉચિત નથી. ‘ગયાં વર્ષો ની કમાણી ‘રહ્યાં વર્ષો માં વેડફી કેમ દેવાય ? અત્યાર સુધી ગુરુજનોનાં શાસ્ત્રવચનો પાસેથી જાગૃતિ સાંપડી નહીં, તે ફુલ્લના સુષુપ્ત હૃદયમાં અક્કાની એક પંક્તિએ સંયમની સાચી જ્યોત પેટાવી.
ક્ષુલ્લક માતાએ આપેલી નામવાળી વીંટી રાજા પુંડરિકને બતાવીને કહ્યું કે હું તમારા નાનાભાઈનો પુત્ર છું એનો ખ્યાલ આ નામમુદ્રા પરથી આપને સાંપડશે. રાજા પુંડરિકે નાનાભાઈ કુંડરીકના આ પુત્રને ઓળખ્યો. રાજા અને રાજ સોપવા ઉત્સુક બન્યા, કિંતુ ક્ષુલ્લકે કહ્યું કે રાજ્યસત્તાની આસક્તિ ઉત્પન્ન કરનારો મોહરૂપી ચોર તો મારા આત્મપ્રદેશમાંથી ક્યાંય દૂર દૂર ચાલ્યો ગયો છે, તેથી આ રાજ ગાદી સ્વીકારીને હું શું કરું ? અંતે ક્ષુલ્લકકુમાર સાથે રાજા આદિ સહુએ દીક્ષા લીધી અને સ્વર્ગગતિ સંપાદિત કરી.
વિલાસિતાના મોહમય વાતાવરણ વચ્ચે પવિત્રતાનું પાવન કમળ કેવી રીતે ખીલે છે એનું ઉદાહરણ છે ક્ષુલ્લક મુનિ. સાધ્વી બનેલી પોતાની માતાથી માંડીને છેક આચાર્ય મહારાજ સુધી સહુની દેશના સાંભળવા છતાં ક્ષુલ્લક મુનિના હૃદયમાંથી પ્રબળ કામવાસના ખસી નહીં. એ જ મુનિરાજને વિલાસી અને કામવાસનાવાળા વાતાવરણમાં એમના આત્મામાં સંયમની શુભ ભાવના જગાડનારી ઘટના બની. યોગ્ય સમય પાકે ત્યારે શું થાય, તે ક્ષુલ્લક મુનિના જીવનમાંથી દૃષ્ટિગોચર થાય છે.
ધર્મસ્નેહસૌજન્ય મહુવા-ભદ્રાવળ-પાલિતાણા છ'રી પાલિત સંઘની સ્મૃતિમાં; શ્રી બાબુભાઈ છગનલાલ શાહ, ભદ્રાવળવાળા પરિવાર, . પ્રવીણભાઈ, દિનેશભાઈ, રજનીભાઈ તથા જયાબહેન, પ્રવીણાબહેન, હેમલતાબહેન, વિપુલ, ભાવેશ, સમીર, મિતેષ, હૂં
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org