________________
૫. શ્રી કપિલ કેવલી
જૈનદર્શન ગાઈ-બજાવીને કહે છે કે માનવીની તૃષ્ણાઓ તો આકાશ જેટલી અનંત છે. એનો કોઈ છેડો, તૃપ્તિ કે અંત નથી. અનંત તૃષ્ણાઓમાં ઘેરાયેલો માનવી એનું સમગ્ર જીવન મૃગજળ સમી ઇચ્છાઓની પૂર્ણતા કાજે આંધળી દોટ મૂકીને પૂર્ણ કરે છે. મોહક અને માયાવી ઇચ્છાઓના આલાપે નાચતો માનવી સુખોપભોગની ક્ષણિકતા સમજે તો એના જીવનમાં સમૂળી ક્રાંતિ સર્જાય છે. મુનિ શ્રી કપિલ કેવલીનું જીવન એટલે અસંખ્ય તૃષ્ણાઓથી ઘેરાયેલા ભૌતિક જીવનમાંથી બહાર આવીને પ્રગટેલો ત્યાગનો વિરલ પ્રકાશ.
કૌશાંબી નગરીના રાજ્યશાસ્ત્રી કાશ્યપનો પુત્ર કપિલ લાડકોડમાં ઊછરવાને લીધે કશું ભણ્યો નહીં. કાશ્યપને સ્થાને આવેલા રાજ્યશાસ્ત્રીની પાલખી ઘરની નજીકથી પસાર થતી જોઈને કપિલની માતા શ્રીદેવીની આંખમાંથી આંસુ સરી પડ્યાં. માતાની આંખનાં આંસુએ કપિલને વિદ્યાભ્યાસ માટે પ્રેરિત કર્યો, કિંતુ શ્રાવસ્તી નગરીમાં વિદ્યાભ્યાસ માટે ગયેલો કપિલ શાલિભદ્રના ઘરની દાસીના મોહમાં ડૂબી ગયો. વિદ્યાભ્યાસ તો અભરાઈએ ચડી ગયો, કિંતુ સંસાર મંડાતાં આજીવિકાનો આકરો પ્રશ્ન ઊભો થયો. એમાંય દાસીને પ્રસૂતિકાળ સમીપ આવતાં ધનની ખૂબ જરૂર પડી. - આ નગરીનો રાજવી વહેલી સવારે એને ત્યાં સૌપ્રથમ આવીને આશીર્વાદ આપનારને બે માસા સુવર્ણ આપતો હતો. આ રીતે એક સવારે સહુથી વહેલા પહોચવા મધરાતે કપિલ ઘેરથી નીકળ્યો, પણ રસ્તામાં કોટવાળે ચોર માનીને પકડી લીધા. બીજે દિવસે રાજસભામાં કપિલે પોતાની જીવનકથા વર્ણવતા પ્રસન્ન થયેલા રાજાએ કહ્યું કે, “તારે જે જોઈએ તે માગ. તને જરૂર આપીશ.”
ખોબો ભરીને માગવા જનારને સાગર આપવાની વાત થાય તો કેવું બને ! આથી કપિલે બીજે દિવસે પૂર્ણ વિચાર કરીને પોતાની ઇચ્છા પ્રગટ કરવાનું રાખ્યું. અશોકવાટિકામાં એક શિલા પર બેસીને વિચારતા કપિલે બે માસા સોનામહોરમાંથી એકસો સોનામહોર માગવાનું વિચાર્યું. એમાંથી વળી કરોડ સોનામહોર માગવાના વિચાર જાગ્યા. આ સમયે અચાનક વૃક્ષ પરથી ખરતાં જીર્ણ પાંદડાંને જોઈને કપિલે વિચાર્યું કે સંસાર તો જીર્ણ અને વિનાશશીલ છે. મારે જરૂર તો બે માસા સુવર્ણની હતી, એમાંથી છેક કરોડ સોનામહોરો સુધી પહોંચી ગયો ! કપિલ મુનિનો હળુકર્મી જીવ ઊંડો વિચાર કરવા લાગ્યો. જે રાજા એને કંઈક આપવા માગે છે તેનું રાજ પ્રલોભનવશ એ છીનવી લેવા માગે છે. કૃતજ્ઞતાને બદલે કેવી કૃતજ્ઞતા ! મદદ માટે હાથ લાંબો કરનારનો હાથ કાપી નાખવાનો વિચાર કર્યો ગણાય. વળી વિચારે છે કે અડધા રાજ્યની પણ મારે શી જરૂર ? હજારનો પણ મારે શો ઉપયોગ ? મારે તો માત્ર બે જ માસાની જરૂર છે.
વળી, વિચારે છે કે આ રીતે બે માસા લઈને શું કરું ? મારી પાસે જે છે એનાથી મારે સંતોષ માનવો જોઈએ. સંતોષ એ જ સાચું સુખ છે. લાલચ તો લપસણી છે. મન લાલચના દોર પર ચાલે છે. મનનો શ્વાસ અતૃપ્તિ છે. મનનો નિ:શ્વાસ અજંપો છે. યાચના કરનારના મોહને અક્કલ હોતી નથી. યાચનાનો કોઈ અંત કે છેડો હોતો નથી.
- જીર્ણ પાંદડાંએ કપિલને વર્તમાન જીવન અને જગતની જીર્ણતા અને ક્ષણભંગુરતાનો સંકેત આપ્યો. આ સમયે ગહન વિચારમાં નિમગ્ન કપિલને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. મુનિવેષ ધારણ કરીને રાજાની પાસે ગયેલા કપિલને રાજાએ કેટકેટલાંય પ્રલોભનો આપ્યાં, પણ તેઓ મેરુ પર્વતની જેમ અડગ રહ્યા. એકવાર મુનિ કપિલ શ્રાવસ્તી નગરીની પાસે આવેલી ચોરપલ્લીમાં વિહાર કરતા હતા, ત્યારે ચોરોના સરદાર બલભદ્ર એમને ગીત ગાવાનું કહ્યું. કપિલ મુનિએ ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના આઠમા અધ્યાયની ગાથાઓને દ્રુપદ રાગમાં એવી હૃદયસ્પર્શિતાથી ગાઈ કે પાંચસો ચોરના હૃદયમાંથી મલિનતા ઓગળી ગઈ અને એમનામાં વૈરાગ્ય જાગ્યો. એમણે કપિલ કેવલી પાસે દીક્ષા ગ્રહણ કરી. આવા મુનિરાજ કપિલ કેવલીને નિર્વાણ પ્રાપ્ત થયું હતું. આવા મુનિ કપિલ કેવલીના હાથે કચ્છના સુપ્રસિદ્ધ ભદ્રેશ્વર તીર્થની આદ્ય પ્રતિષ્ઠા થઈ હોવાની અનુશ્રુતિ પણ સાંપડે છે.
- ધર્મસ્નેહસૌજન્ય હીરાબહેન મોહનલાલ નાગરદાસ પાટણવાળા તથા રસેષ, મિલોની, રોનક, ઈશાનના શ્રેયાર્થે; શ્રી નવનીતલાલ મોહનલાલ શાહ, અ. સ. સુધાબહેન, પુત્રો કેતન, કમલેશ, મનીષ સહપરિવાર, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org