________________
૪. શ્રી ક્રૂરગડુ મુનિ
ક્ષમા ધર્મનું સ્મરણ થતાં જ ફૂગડુ મુનિનું નામ તરત જ સ્મરણપટ પર આવશે. ક્રૂર એટલે ભાત અને ગડૂઆ એટલે એક જાતનું પાત્ર. મુનિશ્રી કૂરગડુ સવારે પાત્ર ભરીને ભાત લાવીને વાપરે, ત્યારે જ એમને થોડીઘણી સ્વસ્થતા આવતી હતી. રોજ પાત્ર ભરીને ભાત વાપરતા હોવાથી બીજા સાધુઓ એમની મજાક કરતા હતા. કૂરગડુ મુનિથી ભૂખ્યા રહેવાય નહીં. રોજ થોડો આહાર તો જોઈએ જ, તેથી થાય શું ? કેટલાક તપસ્વી સાધુમહારાજો કૂરગડુ મુનિના આ આહારને જોઈને એને ‘નિત્ય ખાઉ' કહેતા.
તેમાં પણ એમના જ ગચ્છમાં બીજા ચાર સાધુઓ તો મહાતપસ્વી હતા. એક સાધુ માસક્ષમણ (એક મહિનાના સતત ઉપવાસ) કરતા હતા. બીજા સાધુ બે મહિનાના, ત્રીજા સાધુ ત્રણ મહિનાના અને ચોથા સાધુ ચાર મહિનાના ઉપવાસ કરતાં હતા. આવા ઉપવાસી સાધુઓ મુનિ કૂરગડુની મશ્કરી કરતા, તે દુર્વર્તનને ભૂલીને મુનિ કૂરગડુએ એમની સાધુસેવા ચાલુ રાખી.
તેઓ અન્ય સાધુઓની તપશ્ચર્યાનો દ્વેષ પણ કરતા નહીં, બલકે એમની તપશ્ચર્યાની અહર્નિશ અનુમોદના કરતા હતા. પોતાની મર્યાદાથી વાકેફ હોવાને લીધે તપસ્વી સાધુઓની ખડે પગે વૈયાવચ્ચ કરતા હતા. મુનિઓએ કરેલી નિંદાને આત્મનિંદા અને આત્મવિશ્લેષણમાં પરિવર્તિત કરી દેતા હતા. આમ એમના હૃદયમાં સતત ક્ષમાવૃત્તિનું ઝરણું વહેતું હતું.
એક વાર સંવત્સરી મહાપર્વના દિવસે પોતાની તીવ્ર ક્ષુધાને સંતોષવા માટે મુનિરાજ ગોચરી વહોરીને લાવ્યા. બધા સાધુઓને બતાવીને વિનયથી કહ્યું કે, “આ ગોચરીમાંથી આપને કંઈ વાપરવાની અભિલાષા હોય તો વાપરો.” આ શબ્દો કાને પડતાં જ અન્ય સાધુઓ એમના પર ક્રોધે ભરાયા... “પર્વના આવા દિવસે તમે ભોજન કરો છો તે બાબત તો તિરસ્કારપાત્ર અને શરમજનક છે. કિંતુ બીજાને આ રીતે વાપરવાનું કહો છો તે તો અતિ ધિક્કારપાત્ર અને આઘાતજનક ગણાય.”
ગુસ્સે થયેલા મુનિઓએ એમના પાત્રમાં મોંમાંથી બળખા કાઢીને નાખ્યા. આમ છતાં ફૂરગડુ મુનિને સહેજે ગુસ્સો થયો નહીં, બલકે ક્ષોભ થયો કે સાધુઓની વૈયાવચ્ચ કરવાને બદલે તેમની વિનંતી ક્રોધનું કારણ બની. તેઓ મનોમન વિચારવા લાગ્યા,
“અહો ! મારો કેવો પ્રમાદ ! સાધુને તો એક પળનો પ્રમાદ ન હોય ત્યારે હું તો એક નાનું સરખું તપ પણ કરી શકતો નથી. એમાંય પર્વના દિવસોએ મારાથી તપ થતું નથી તે કેવું શરમજનક ગણાય ? ધિક્કાર છે મને.”
વળી કૂરગડુ મુનિ વિચારવા લાગ્યા, મારે તો આ ચારે તપસ્વી સાધુમહારાજોની વૈય્યાવચ્ચ કરવી જોઈએ. એમની સેવા કરવી જોઈએ. ઓહ ! આવું કરવાને બદલે હું તો એમના ચિત્તમાં ક્રોધ જગાડનારો બન્યો. મુનિ તરીકે મેં કેટલી બધી મહાન ભૂલો કરી ? આમ આત્મનિંદા અનુભવતા મુનિરાજ શુક્લધ્યાનમાં ચડીને તરત કેવળજ્ઞાન પામ્યા. દેવતાઓ પણ એમના કેવળજ્ઞાનનો મહોત્સવ ઊજવવા દોડી આવ્યા. એમની ટીકા કરનારા ચારે તપસ્વી મુનિઓ આશ્ચર્યચકિત બની ગયા. સાચા ભાવતપસ્વી કેવળજ્ઞાની કૂરગડુ મુનિને ખમાવવા લાગ્યા.
‘ક્ષમા વીરસ્ય ભૂષળમ્’ એનો અર્થ જ એ કે કાયરની પાસે ક્ષમાની શક્તિ હોતી નથી. હૃદયની વિશાળતા ધરાવનારો વીર પુરુષ જ સાચી ક્ષમા આપી શકે. જીવનમાં સન્માન મળે ત્યારે તો સહુ કોઈ સૌજન્ય દાખવે, કિન્તુ જીવનમાં અપમાન, અન્યાય અને ઉપહાસ મળે ત્યારે ચિત્તમાં સમતા જાળવનારી વ્યક્તિઓ જ સાચી ક્ષમા આપી શકે છે. સમતાના સરોવરમાં જ ક્ષમાનું કમળ ઊગે છે. આવો સમતાભાવ શ્રી કુરગડુ મુનિના ચરિત્રમાં જોવા મળે છે.
Jain Education International
ધર્મસ્નેહસૌજન્ય
શાંતાબહેન ધીરજલાલ શાહ (થાનવાળા), ભાવનગર. વીરમતીબહેન પાનાચંદ લલ્લુભાઈ સુખડિયા, સૂરત. સ્વ. ધનરાજભાઈ લલ્લુભાઈ સુખડિયા, સૂરત. શાંતાબહેન ડાહ્યાભાઈ રણછોડદાસ ચોકસી, સૂરત.
For Private & Personal Use Only
www.jainelibrary.org