________________
૧૦૫. મોદી પત્ની ભારતીય સંસ્કૃતિના ઉજ્વળ ઇતિહાસનાં સુવર્ણપૃષ્ઠો પર કેટલીય શીલસંપન્ન સ્ત્રીઓનાં નામ અંકિત થયેલાં છે. ચંદનબાળા, રાજિમતી, બ્રાહ્મી અને સુંદરી જેવી મહાસતીઓનું રોજ પ્રાત:કાળે સ્મરણ કરવામાં આવે છે. શીલના અદ્વિતીય પ્રભાવે જ એમને પ્રાતઃસ્મરણીય બનાવ્યાં છે.
નારીના શીલનો પ્રભાવ ભિન્ન ભિન્ન રીતે પ્રગટ થતો હોય છે. એના તેજસ્વી વ્યક્તિત્વ આગળ મહાપાપી, પ્રબળ વિરોધી કે દુરાચારી વ્યક્તિ પણ નમી પડે છે.
જિનશાસનના ઇતિહાસમાં મોદી-પત્નીની આવી કથા મળે છે. નગરનો રાજા મોદી-પત્નીના અપાર સૌંદર્ય પર મુગ્ધ બન્યો. એણે મનોમન સૌંદર્યવતી મોદી-પત્નીને મેળવવાનો વિચાર કર્યો.
વાસનાની આગ વિચારશક્તિને ઓલવી નાખે છે, એમ પ્રજાનો પાલનહાર રાજા પ્રપંચ ખેલનારો બન્યો.
મોદી-પત્નીને મેળવવા માટે એણે મોદીને દૂર દેશાવર મોકલી આપ્યો. મોદીની ગેરહાજરીમાં રાજાએ મોદી-પત્નીને આકર્ષવા પ્રયત્ન કર્યો. એક વાર રાજાએ સામે ચાલીને મોદી-પત્નીને કહેવડાવ્યું કે તેઓ એને ત્યાં ભોજન માટે આવવા ઇચ્છે છે..
મોદી-પત્ની રાજાની મનની ઇચ્છાને પારખી ગઈ હતી. રાજાની માગણીનો ઇન્કાર એ આતિથ્યનો ઇન્કાર નહોતો, બલ્ક મહાઆપત્તિને નોતરું હતું. આથી રાજાની ઇચ્છાનો સવિનય સ્વીકાર કર્યો. ભોજન માટે પધારેલા રાજાનો યોગ્ય આદર-સત્કાર કર્યો. એ પછી મોદી-પત્ની ભોજનથાળ લાવી. આ ભોજનથાળમાં જુદા-જુદા રંગના અને આકારના પ્યાલામાં દૂધપાક પીરસ્યો હતો. રાજાએ વિચાર્યું કે દરેક પ્યાલામાં દૂધપાક હશે, પરંતુ એનો સ્વાદ ભિન્ન હોવો જોઈએ. આથી રાજા એક પછી એક પ્યાલામાંથી દૂધપાક ચાખવા લાગ્યો. એને અત્યંત આશ્ચર્ય થયું. બધા જ પ્યાલામાં એક જ પ્રકારના સ્વાદવાળો દૂધપાક હતો.
રાજાએ મોદી-પત્નીને કહ્યું, “અરે ! એક જ પ્રકારનો દૂધપાક જુદા જુદા પ્યાલામાં આપવાનું કારણ શું ?”
મોદી-પત્નીએ ઉત્તર આપ્યો “હે પ્રજાપાલક રાજા ! રાજ્યની પ્રજા એ આપની સંતાન છે. આપ મારા પિતા સમાન છો. તેથી વિશેષ તો શું કહું ? માત્ર એટલું કે જુદાજુદા પ્યાલા હોય, પરંતુ એમાં દૂધપાક તો એક જ હોય છે એમ ભિન્ન ભિન્ન સ્ત્રીઓ હોય તોપણ અંતે એ તમામ સ્ત્રીઓ જ છે !”
રાજા મોદી-પત્નીની વાત સાંભળી રહ્યો. મોદી-પત્નીએ કહ્યું, “માત્ર જેનું ચિત્ત વાનર જેવું ચંચળ હોય એ જ એક ડાળ પરથી બીજી ડાળ પર કુદકો લગાવે, સ્વસ્ત્રીને છોડીને પરસ્ત્રીનો વિચાર કરે. બાકી તો હે રાજન, જે સ્ત્રીના શરીર પર આપ મુગ્ધ બન્યા છો એ સ્ત્રીનું શરીર પણ લોહી, માંસ અને અશુચિથી ભરપૂર છે, તે તમે જાણો છો.”
રાજાને વિચારમાં ડૂબેલો જોઈને મોદી-પત્નીએ વળી સવાલ કર્યો, “હે પુરુષશ્રેષ્ઠ ! સ્ત્રીની કૂખમાંથી જ પુરુષનો જન્મ થાય છે, આથી પરસ્ત્રી એને માટે માતા સમાન હોવી જોઈએ. પ્રત્યેક પુત્ર પ્રાણનું બલિદાન આપીને પણ પોતાની જનનીની રક્ષા કરે છે. નારીરક્ષણ એ જ પુરુષનો સાચો પુરુષાર્થ છે. જ્યારે નારીને પજવનારા કે રંજાડનારા માનવીનું પરમાત્માના ચરણમાં કોઈ સ્થાન નથી.”
મોદી-પત્નીની માર્મિક વાતોએ રાજાના હૃદયમાં શુભ ભાવો જગાડ્યા. એણે કહ્યું, “હે રાજન ! આપ રાજા છો માટે મારા પિતા સમાન છો. પરસ્ત્રી માત હોય તે દૃષ્ટિએ આપ પુત્ર સમાન છો. આથી મારા સતીત્વની રક્ષા કરો. નરકગતિ છોડીને મોક્ષમાર્ગ અપનાવો.”
રાજાના વિકારી ચિત્તમાંથી મોદી-પત્નીનાં વચનોએ વાસના ગાળી નાખી. રાજાએ મોદી-પત્નીની પોતાના મલિન વિચારો માટે ક્ષમાયાચના કરી. શીલવતી મોદી-પત્નીની તેજસ્વિતા જોઈને રાજા પ્રસન્ન થયો.
- ધર્મસ્નેહસૌજન્ય
પૂ. મુનિ શ્રી નિરાગચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી પૂ. માતુશ્રી કાંતાબહેન મનસુખલાલ ગાંધીના શ્રેયાર્થે; સુપુત્ર મહીપતરાય, પુત્રવધૂ અ. સ. ચંદ્રિકા,
પૌત્ર રાહુલ, તેજલ. નાની રાથળી, હાલ અંધેરી - મુંબઈ
Jain Education International
Sel Lise Only
www.relibrary.org