________________
૧૦૪. ગિલા
મોટાભાઈ ભવદત્તની સાથે નાનો ભાઈ ભવદેવ પણ સંયમના માર્ગે ચાલી નીકળ્યો. ભવદેવની પત્ની નાગિલાના શણગારનો ઉત્સવ રચાયો હતો. શણગારથી શોભતી નવવધૂ નાગિલાને ભવદેવે કહ્યું,
“મારે માટે મોટાભાઈની ઇચ્છા એ જ સર્વસ્વ છે. આથી હવે સંસારને બદલે સાધુતા મારો જીવનપથ બનશે.” મોટાભાઈ ભવદત્તની જેમ ભવદેવ પણ સુસ્થિત આચાર્યના શિષ્ય બન્યા. ભવદેવના કેટલાક દિવસો વૈરાગ્યભાવમાં વ્યતીત થયા, પરંતુ વર્ષાનાં પૂર શમી જતાં સરિતાના તળિયે રહેલો કાંપ દૃષ્ટિગોચર થાય તેમ મુનિ ભવદેવને એકાંતમાં નાગિલાનું સ્નેહભીનું સ્મરણ થવા લાગ્યું. ચાતુર્માસના સ્થિરવાસ સમયે આકાશનાં ઘનશ્યામ વાદળોમાં નાગિલાનો કેશપાશ દેખાતો હતો. ઇન્દ્રધનુષમાં નાગિલાના નૃત્યના રંગો વિખરાયેલા લાગતા હતા. મયૂરોની કેકામાં નાગિલાનો કંઠરવ સંભળાતો હતો. રિમઝિમ વરસતાં વાદળોમાં નાગિલાના વિરહની પીડાથી સતત ટપકતાં આંસુ દેખાતાં હતાં.
એક દિવસ મહામુનિ ભવદત્ત કાળધર્મ પામ્યા. એ પછી ભવદેવે વિચાર્યું કે રુદન કરી-કરી થાકેલા એના હૃદયને નાગિલા જ શાંત કરી શકે તેમ છે. આજ સુધી તો નાગિલા પાસે જતાં અકળ બેડીઓ પગમાં જકડાઈ જતી હતી, પરંતુ મોટાભાઈનો કાળધર્મ થતાં હવે એવો અનુભવ થતો નહોતો. બાર-બાર વર્ષ બાદ મુનિ ભવદેવ પોતાના ગામ સુગ્રામમાં આવ્યા. અહીં એક મંદિરમાં ઉતારો કર્યો. મુનિ ભવદેવ આવ્યાના સમાચાર નાગિલાને મળ્યા. એણે જાણ્યું કે મુનિ ચારિત્ર્ય છોડવા ઉત્સુક બન્યા છે ત્યારે તે ઊંડા વિચારમાં પડી ગઈ. સ્વધર્મથી પીઠ બતાવે તે તો કાયર કહેવાય. નાગિલાએ એક વૃદ્ધ શ્રાવિકાને પોતાની યોજના સમજાવી. એક બાળકને થોડું શિખવાડીને તૈયાર કર્યો.
રાત્રિ પૂર્ણ થતાં નાગિલા વૃદ્ધ શ્રાવિકા સાથે ભવદેવ ઊતર્યાં હતાં તે મંદિરે આવી. નાગિલાને મળવા આતુર એવા ભવદેવે એ સ્ત્રીને પૂછ્યું, “ગામમાં નાગિલા ક્યાં રહે છે ? એ શું કરે છે ?”
એ સમયે ગોઠવણી મુજબ એક બાળક આવીને નાગિલાને કહેવા લાગ્યો, “મા ! મા ! આજે મને ગામમાં જમવાનું નોતરું મળ્યું છે. ભોજન સાથે દક્ષિણા પણ ખરી, આથી મારે પહેલાં પીધેલું દૂધ વમન કરી નાખવું છે, પછી ભોજન અને દક્ષિણા બાદ પાછું વમન કરેલું એ દૂધ પી જઈશ.”
આ સાંભળી મુનિ ભવદેવ હસી પડ્યા અને બોલ્યા, “અરે બાળક ! કેવી બેહૂદી વાત કરે છે તું ? વમન કરેલું, નીંદવા યોગ્ય દૂધ તું પાછો પી જઈશ ?”
આ સાંભળી નાગિલાએ કહ્યું, “મુનિરાજ, હું જ નાગિલા છું. આપે પૂર્વે જે સંસારને ત્યજી દીધો છે, તેને ફરી સ્વીકારવા ચાહો છો ? ભવસમુદ્રને તારક એવી દીક્ષાનો આપે સ્વીકાર કર્યો છે તો પછી શા માટે દુર્ગતિરૂપ સંસારને પુનઃ સ્વીકા૨વા ઉત્સુક બન્યા છો ? માંડ માંડ અશ્વ સવારી મળી છે તે છોડીને ગર્દભ પર સવારી કરવાનું કેમ વિચારો છો ? આપ જે ચારિત્ર્યના માર્ગ પર ચાલો છો એ જ ચારિત્ર્યનો માર્ગ શાલિભદ્ર, મેઘકુમાર અને ધન્ના શેઠને મુક્તિમોક્ષ સુધી લઈ ગયો તે કેમ વીસરી જાવ છો ? ગુફામાં નિર્વસ્ત્ર રાજુલ સાધ્વીને જોઈને વિચલિત થયેલા રથનેમિને રાજુલે આપેલા ઉપદેશથી દેહની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો અને રથનેમિએ મન પર કાબૂ મેળવ્યો હતો તે શું આપ ભૂલી ગયા ? મનના મદમસ્ત હાથીને આપ અંકુશ લગાવી કાબૂમાં કેમ રાખતા નથી ? જન્મ-મૃત્યુના ભ્રમણમાંથી મુક્ત થવાનો આ એક જ માર્ગ છે તે આપ સારી રીતે જાણો છો. વળી મને જણાવતાં આનંદ ઊપજે છે કે મેં પણ ગુરુ પાસેથી શીલવ્રત અંગીકાર કર્યું છે. તમે પણ ગુરુ પાસે પાછા જઈને શુદ્ધ ચારિત્ર પાળો.”
મુનિ ભવદેવ નાગિલા પાસેથી ઉપદેશ પામીને ગુરુ પાસે ગયા. સમય જતાં તેઓ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રના છેલ્લા કેવળજ્ઞાની જંબુસ્વામી બન્યા.
ધર્મસ્નેહસૌજન્ય
પૂ. પિતાશ્રી પૂનમચંદ દીપચંદ ગાંધી તથા માતુશ્રી શાંતાબહેન પૂનમચંદ ગાંધીના શ્રેયાર્થે સહપરિવાર, મહુવાબંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainlibrary.org