________________
૧૦૨. સુભદ્રા શેઠાણી ગુજરાતમાં પ્રચલિત જૈન સમાજની મહાજન પરંપરા ભારતમાં અન્યત્ર ક્યાંય નહીં મળે. રાજસત્તાને આર્થિક સહાયની જરૂર પડે, કુદરતી આફત સમયે મદદની જરૂર હોય ત્યારે એ રાજસત્તા મહાજન પાસે નિ:સંકોચ મદદ માંગવા માટે આવતી હતી. રાજસત્તાથી લોકસમૂહ કચડાતો હોય તો પ્રજાની લાગણી વ્યક્ત કરવાની અને વખત પડે રાજવીને લાલ આંખ બતાવવાનું કામ મહાજન કરતું હતું. 1 સુરતના મહાજનના મોવડીએ પોતાના પુત્ર પ્રમોદરાયને શિખામણ આપી કે નીતિપૂર્વક રહેવું, સત્સંગ કરવો, વાણીમાં મીઠાશ રાખવી અને કુલ વીસ લાખની માલમત્તા છે તેથી એટલી સંપત્તિની મર્યાદામાં રહીને વેપાર ખેડવો. વીસ લાખથી વધુ જોખમ ખેડવું નહિ. પિતાએ ચોપડાના પહેલે પાને આ શિખામણ નોંધી રાખી.
| એક વાર પ્રમોદરાય બહારગામ ગયા હતા, ત્યારે એમના મુનીમ મણિલાલ પાસે એક વહાણનો માલિક આવ્યો અને એણે વહાણનો વીમો ઉતરાવવાની વિનંતી કરી. મુનીમે વહાણના સુકાનીનું નામ લખીને તેના માલની આકારણી કરીને ત્રીસ લાખનો વીમો ઉતાર્યો. વીમાની રકમ લઈ ભોજન કરાવી વહાણના ટંડેલ(સુકાની)ને વિદાય કર્યો. પ્રમોદરાય શેઠ ત્રીજે દિવસે બહારગામથી પાછા આવ્યા. એમણે જાણ્યું કે મુનીમે વીસ લાખથી વધુ મોટું જોખમ ખેડ્યું છે તેથી વ્યાકુળ બની ગયા. હંમેશાં પિતાની શિખામણનો એક-એક શબ્દ પાળનાર આ આઘાતથી મૂછ પામ્યા. અનુભવી મણિલાલ મુનીમને પણ પોતાની ભૂલ સમજાઈ. વહાણ જો દરિયામાં ડૂબી જાય તો ત્રીસ લાખ રૂપિયા આપવા પડે. આટલી રકમ લાવવી ક્યાંથી ? આખરે મુનીમે પોતાના મનને મનાવી લીધું. વિચાર્યું કે ઋતુ સારી છે. દરિયો શાંત છે, વહાણની સફરને અનુકૂળ એવો પવન છે. અંતે સહુ સારાં વાનાં થશે.
વયોવૃદ્ધ મુનીમે શેઠ પ્રમોદરાયને સાંત્વન આપ્યું. શેઠની પત્ની સુભદ્રા અત્યંત ધર્મનિષ્ઠ હતી. એણે પણ પતિને સ્નેહથી સમજાવ્યા. રાત્રે બંને શયનગૃહમાં સૂતાં હતાં, ત્યારે મધ્યરાત્રિએ જોરથી વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. ચોતરફ આંધી ફેલાઈ ગઈ. પવનના સપાટામાં કેટલાંય વૃક્ષો જમીન પર પડી ગયાં. અનેક મકાનો તૂટી ગયાં. મધરાતે જાગેલા શેઠે માન્યું કે હવે નક્કી એમને માથે પણ આપત્તિનું વાવાઝોડું આવશે.
બીજે દિવસે બપોરે તો પ્રમોદરાય પાસે તાર આવ્યો કે દરિયાઈ સફર કરતા વહાણની કશી જાણ કે ભાળ મળતી નથી. ત્રીસ લાખ રૂપિયા તૈયાર રાખો. આવતી કાલે સવારે લેવા આવીશું.
પ્રમોદરાયના માથે ધોળે દિવસે વીજળી પડી. હવે કરવું શું ? આબરૂ જાય એના કરતાં મોત વહાલું હતું. પ્રમોદરાય અને સુભદ્રાએ અફીણની બે પ્યાલી તૈયાર કરી, ધર્મનિષ્ઠ સુભદ્રાએ કહ્યું, “એક વાર સામાયિક કરી લઉં. જિનશાસનમાં સાચને આંચ આવતી નથી. પછી સાથે અફીણ ઘોળીશું.” સુભદ્રા શેઠાણી સામાયિક પર સામાયિક કરવા લાગી. શેઠ તો મધુર સ્તવન સાંભળતાં સૂઈ ગયા. | રાત્રિનો ચોથો પ્રહર થયો. કોઈએ સાંકળ ખખડાવી. શેઠાણીએ બારણાં ખોલ્યાં તો એક બુકાનીધારી માનવી હાથમાં કોથળી લઈને અંદર પ્રવેશ્યો. શેઠાણીએ એને નિર્ભય બનીને બુકાની કાઢી નાખવા કહ્યું, ત્યારે જાણ થઈ કે ભવાનીપુરના બાપુનો ફટાયો રાજકુમાર હતો અને બાપુ દેવલોક પામતાં સરકારનો સૂબો જપ્તી બેસાડે તે પહેલાં એ પોતાના ભાગની રકમ અને જર-ઝવેરાત લઈને આવ્યો હતો.
એણે કહ્યું, “મારે વ્યાજ જોઈતું નથી. તમે આ રકમ રાખી લો. તમારી સચ્ચાઈને હું જાણું છું. મારાં પારેવાં જેવાં બાળકો પર દયા લાવીને આ મૂડી રાખો.” આમ કહી એ ધન અને સુવર્ણની કોથળી આપીને ચાલ્યો ગયો. શેઠાણી સુભદ્રાએ મિલકતની નોંધ કરી અને અફીણની પ્યાલી ઢોળી દીધી. સવારે શેઠે વ્યાકુળ ચિત્તે કહ્યું કે હવે અફીણની પ્યાલી પી લઈએ, ત્યારે સુભદ્રા શેઠાણીએ ચોથા પ્રહરે બનેલી ઘટનાની વાત કરી. શેઠ દુકાને ગયા ત્યારે તેમના મુનીમ મણિલાલે વધામણી આપી કે વહાણો દરિયાઈ તોફાનને કારણે બીજા બંદરે ઘસડાઈ ગયાં હતાં, તે હવે સહીસલામત મળી ગયા છે. પ્રમોદરાય શેઠ મનોમન શેઠાણી સુભદ્રાની સૂઝ, આવડત અને ધર્મનિષ્ઠાને અભિનંદવા લાગ્યા.
ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી અમર ચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શાંતાબહેન જાદવજીભાઈ લલ્લુભાઈ શાહ પરિવાર, મુંબઈ
Jain Education International
use only
www.a
libary.org