________________
૧૦૦. પાટપદે
રાજસ્થાનના ઇતિહાસમાં પ્રતાપી જૈનોએ એમની નિષ્ઠા, શૌર્ય અને સચ્ચાઈને કારણે રાજના દીવાનનું પદ શોભાવ્યાનાં અનેક જ્વલંત ઉદાહરણો મળે છે. આને કારણે રાજસ્થાનના રાજવીઓ પણ જૈન ધર્મની જીવદયાને આદર આપતા, જૈન દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવતા અને જૈન મુનિરાજો પાસેથી માર્ગદર્શક ઉપદેશ મેળવતા હતા.
રાણા જગતસિંહે પોતાની જન્મતિથિના મહિનામાં અને ભાદરવા મહિનામાં જીવહિંસા પર પ્રતિબંધ મૂક્યો હતો. રાણા કુંભાએ બનાવેલા જિનાલયનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને ઉદયપુરના પિછોલા સરોવરમાં અને ઉદયસાગરમાં માછલીઓ પકડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. રાણા જગતસિંહના પુત્ર રાજસિંહના સમયમાં દયાળશાહ રાજના દીવાન હતા.
આ દયાળશાહે એક કરોડ રૂપિયા ખર્ચીને બાવન દેરીઓવાળો, નવ માળ ઊંચો જિનપ્રાસાદ બંધાવ્યો. દયાળશાહના હૃદયમાં આનાથી ય ભવ્ય જિનાલય સર્જવાની ભાવના હતી, પરંતુ મોગલ બાદશાહ ઔરંગઝેબને આ વિરાટ કિલ્લા જેવો જિનપ્રાસાદ અકળાવનારો લાગ્યો. ઔરંગઝેબની રગોમાં વહેતું ધર્મઝનૂન આ વિશાળ પ્રાસાદ જોઈને બહેકી ઊઠ્યું. વહેમી ઔરંગઝેબને એમ પણ લાગ્યું કે આ પ્રાસાદને નામે કોઈ દુશ્મનો દ્વારા કિલ્લો તો તૈયાર થતો નહીં હોય ને ? આવો પ્રચંડ કિલ્લો બનાવીને રાણાની સ્વતંત્ર થવાની કોઈ ચાલ તો નહીં હોય ને ?
વિ. સં. ૧૭૩૦માં ઔરંગઝેબ મોટી સેના સાથે ધસી આવ્યો. દીવાન દયાળશાહ રાણા તરફથી બાદશાહ સામે લડ્યો. દીવાને બાદશાહ ઔરંગઝેબને પણ સમજાવ્યું કે આ જિનાલય તો માત્ર બે જ માળનું છે. એનું શિખર ઊંચું હોવાથી આપને એ ગગનચુંબી લાગે છે. દીવાન દયાળશાહની કુનેહથી જિનપ્રાસાદની તો રક્ષા થઈ, પરંતુ રાણો રાજસિંહ આ ઘટનાથી બેચેન બની ઊઠ્યો. બાદશાહનો ખોફ વહોરી લેવા રાણો સહેજે તૈયાર નહોતો. મનમાં એમ પણ થયું કે જિનપ્રાસાદને બનાવવા જતાં કદાચ રાજ ગુમાવવાની દશા આવે. પરિણામે ખુદ રાણો રાજસિંહ આ જિનપ્રાસાદમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની સંમતિ આપતો
નહોતો.
આ સમયે રાણો રાજસાગર તળાવની પાળ બંધાવતો હતો. વરસાદનાં પાણી ભરાતાં તળાવ ફાટતું હતું અને આસપાસનાં નિવાસો જળસમાધિ પામતાં હતાં. રાજસાગર તળાવની પાળ તૈયાર થતી, પણ ક્યાંકથી એકાએક પાણીનો ધસારો આવતો અને પાળ તૂટી જતી. દીવાન દયાળશાહની પત્ની પાટપદે અત્યંત ધર્મનિષ્ઠ અને શીલપરાયણ હતી. જિનપ્રાસાદની રક્ષા થતાં એના હૃદયમાં અપાર આનંદ થયો હતો, પરંતુ પ્રતિષ્ઠામહોત્સવનો માંગલિક અવસર આવતો નહોતો, એનો એના અંતરમાં ઊંડો અફસોસ હતો.
રાણા રાજસિંહે વિચાર્યું કે પાટપદે જેવી સુશીલ અને ધર્માત્મા નારી પાળ બાંધવાના કાર્યનો પાયો નાખે તો કદાચ એમાં સફળતા મળે. પાટપદેએ પાળનો પાયો નાખ્યો અને થોડા જ વખતમાં એ પાળ બંધાઈ ગઈ. એ પછી ચોમાસું ચોધારે વરસ્યું, તેમ છતાં રાજસાગર તળાવની પાળ તૂટી નહીં. રાજાના આનંદનો પાર ન રહ્યો. હૃદયમાં સાચો ધર્મ હોય તો તેનો કેવો પ્રભાવ પડે છે !
પ્રસન્ન થયેલા રાણા રાજસિંહને દીવાનની પત્ની પાટપદેએ વિનંતી કરી કે આપ ફરી વાર ચતુર્મુખ જિનપ્રાસાદ તૈયાર કરવાની અને તેમાં પરમાત્માની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની અમને અનુમતિ આપો. રાણો આ ધર્મપ્રિય નારીની ભાવનાનો અનાદર કરી શક્યો નહીં. દીવાન દયાળશાહ અને પત્ની પાટપદેના જીવનનો મહામંગલકારી દિવસ આવી પહોંચ્યો.
વિ. સં. ૧૭૩૨ના વૈશાખ સુદ ૭ ને ગુરુવારના દિવસે વિજયગચ્છના આચાર્ય વિનયસાગરસૂરિના હાથે જિનપ્રાસાદની અને જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. કમનીય શિલ્પાકૃતિઓવાળો ચૌમુખ જિનપ્રાસાદ તૈયાર થયો. એની તળેટીમાં વિશાળ ધર્મશાળા બની. આજે જૈન યાત્રિકો મેવાડની યાત્રા કરે છે ત્યારે દીવાન દયાળશાહની કાબેલિયત અને એની પત્ની પાટપદેની ધર્મભાવનાને નતમસ્તકે વંદન કરે છે.
ધર્મસ્નેહસૌજન્ય
શ્રી ચંપકલાલ પ્રેમજી સુંદરજી તથા મનસુખલાલ પ્રેમજી સુંદરજી પરિવાર, પ્રભાસપાટણ, હાલ મુંબઈ શ્રીમતી વિજયાલક્ષ્મી ફત્તેચંદ સોમચંદ પરિવાર, હ. ઉષાબેન ખાન્તીલાલ, ભાવનગર
Jain Education International
For Hrvate & Personal Use Only
www.janaIlbralV.org