________________
૯૮. ચંપા છેલ્લાં ત્રણસો વર્ષોથી દિલ્હીના બાદશાહોના ત્રાસથી દેશની પ્રજા ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારતી હતી. ચોતરફ જુલમ અને બળજબરીનું રાજ ચાલતું હતું. આ સમયે શહેનશાહ અકબર દિલ્હીના સિંહાસન પર આવતાં દેશમાં એક નવી લહેર ફેલાઈ ગઈ. અકબરના દિલમાં વિવિધ ધર્મો વિશે જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી. ધર્મોના મર્મ જાણવા માટે એ સહુ ધર્મોને આદર અને સન્માનથી જોતો હતો. હિંદુ અને મુસલમાન વચ્ચેના વેરને એણે ઠારવાની કોશિશ કરી. ધર્મઝનુનને કારણે વેદના અને વિખવાદ અનુભવતાં પ્રજાનાં હૈયાંને સાંધવાની કોશિશ કરી.
સમ્રાટ અકબર એના વિશાળ રાજમહાલયના ઝરૂખા પર ઊભો રહીને રાજમાર્ગ પર નજર ઠેરવીને બેઠો હતો ત્યારે એણે રસ્તા પરથી પસાર થતો વરઘોડો જોયો. એ વરઘોડામાં રથમાં એક શ્રાવિકા બેઠી હતી. આગળ-પાછળ લોકો આનંદભેર ચાલતા હતા. શ્રાવિકા બે હાથ જોડીને આજુબાજુ ઊભેલા લોકોને વંદન કરતી હતી. વચ્ચે વચ્ચે દાન આપતી હતી. આગળ વાદ્યવૃંદ હતું અને સહુ મંગલ ગીતો ગાતાં હતાં. - શહેનશાહ અકબર આશ્ચર્યમાં ડૂબી ગયા. એમણે રાજસેવકોને પૂછ્યું કે આ જુલૂસ શેનું છે ? ત્યારે સેવકોએ તપાસ કરીને કહ્યું કે જૈન ધર્મનું પાલન કરનારી એક શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા છે. આગ્રાના જૈન સંઘે એ ચંપા નામની શ્રાવિકાએ કરેલા દીર્ઘ તપનું બહુમાન કરવા માટે આ વરઘોડો કાઢયો છે.
- શહેનશાહ અકબરને આશ્ચર્ય થયું. શું કોઈ વ્યક્તિ છ-છ મહિના સુધી ભોજન કર્યા વિના રહી શકે ખરી ? રાત્રે ભોજન કરવાની છૂટ હોવા છતાં એક મહિનાનો રોજો રાખવો કેટલો કઠિન છે એ શહેનશાહ સારી પેઠે જાણતા હતા.
અકબરના આશ્ચર્યમાં રાજસેવકોએ ઉમેરો કર્યો. એમણે કહ્યું, “ચંપા નામની આ શ્રાવિકાએ લગાતાર છ મહિના સુધી દિવસ કે રાત્રે ક્યારેય ભોજન કર્યું નથી. અન્નનો એક દાણો પણ મોંમાં નાખ્યો નથી.”
શહેનશાહ અકબરને આ બાબત અસંભવ લાગી. એમણે સચ્ચાઈ પારખવાનું નક્કી કર્યું. ચંપા શ્રાવિકાને આદરપૂર્વક રાજમહેલમાં બોલાવી, અકબરે એને કહ્યું કે આવા ઉપવાસ કોઈ કરી શકે તે સંભવિત નથી.
ચંપા શ્રાવિકાએ પ્રત્યુત્તર આપ્યો કે ધર્મના બળથી બધું સંભવિત છે. અકબરે કહ્યું કે જો એણે પોતે ગોઠવેલા ચોકીપહેરા હેઠળ મહેલમાં ચંપા શ્રાવિકા ઉપવાસ કરીને રહે, તો તેની વાત સાચી.
| ચંપા શ્રાવિકાએ શહેનશાહની વાતનો સ્વીકાર કર્યો. યોગ્ય આદરમાન સાથે ચંપા શ્રાવિકા મહેલમાં રહ્યાં. બહાર સૈનિકોનો ચોકીપહેરો મૂક્યો. એક મહિનો વીતી ગયો. સમ્રાટ અકબરે તપાસ કરી તો જાણ થઈ કે શ્રાવિકાએ એમ કહ્યું હતું એમ જ તેઓ વર્તે છે. દિવસે કે રાત્રે, અન્નનો એક દાણો પણ લીધો નથી. અકબર આશ્ચર્યચકિત થયા. ચંપા શ્રાવિકાએ જેટલા દિવસ ઉપવાસ કર્યા, તેટલા દિવસ મોગલ સમ્રાટ અકબરે રાજ્યમાં અમારિ(જીવહિંસા પર પ્રતિબંધ)નો આદેશ આપ્યો હતો. શહેનશાહ અકબરે ચંપા શ્રાવિકાને ધન્યવાદ આપ્યા. ચંપા શ્રાવિકાએ નમ્રતાથી કહ્યું, “આ બધો પ્રભાવ તો ધર્મ, દેવ અને ગુરનો છે.”
શહેનશાહ અકબરને જૈન ધર્મ વિશે જાણવાની જિજ્ઞાસા જાગી. એણે એ સમયના આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીને આદરપૂર્વક પધારવા માટે વિનંતી કરી. ચંપા શ્રાવિકાના છ માસના ઉપવાસ એ પ્રભુ મહાવીર પછી થયેલું છમાસી ઉપવાસનું વિરલ પુણ્યતમ હતું. આ ઉપવાસે શહેનશાહ અકબરને જૈન ધર્મ, જૈન આચાર્યો અને જૈન શ્રાવક-શ્રાવિકાઓ પ્રતિ આદરભાવ જગાડનારો બનાવ્યો. સમ્રાટ અકબરે જૈન તીર્થયાત્રીઓ પર લાગતો જજિયાવેરો માફ કર્યો અને આચાર્યશ્રી હીરવિજયસૂરિજી પાસેથી અહિંસા ધર્મની મહત્તા જાણી. ચંપા શ્રાવિકાના વિરલ તપનો કેવો વિશિષ્ટ પ્રભાવ !
સમગ્ર વિશ્વમાં જિનશાસનમાં તપનો વિશિષ્ટ મહિમા છે. તીર્થકરોથી સામાન્ય શ્રાવક-શ્રાવિકા સુધી તપનું અનુષ્ઠાન જોવા મળે છે. આવા મહિમાને કારણે જ આજે પણ પર્યુષણના પ્રથમ દિવસે ચંપા શ્રાવિકાનું વૃત્તાંત વ્યાખ્યાનમાં વાંચવામાં આવે છે.
- ધર્મસ્નેહસૌજન્ય શ્રીમતી રેખાબહેન ધનવંતરાય રતિલાલ શાહ પરિવાર, ભાવનગર
Jain Education International
Personal use only
www.inelibrary.org