________________
૯૫. ચાંપલદે | ગુજરાતની ગાદી પર ભોળા ભીમદેવનું રાજ ચાલતું હતું. રાજા ભીમદેવને એના ભોળપણને લીધે ઘણા છેતરી જતા હતા અને ઘણી વ્યક્તિઓ રાજાના ભોળા સ્વભાવનો ગેરલાભ ઉઠાવતી હતી. રાજાના કાન ખોટી રીતે ભંભેરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતા હતા.
પાટણ શહેરમાં આભડ વસા નામના શ્રેષ્ઠીએ એમને ત્યાં નામું લખનાર મહેતાને કાઢી મૂક્યો. આ મહેતા હિસાબમાં ઘાલમેલ કરતો હતો અને આભડ શેઠનાં નાણાં ખાઈ જતો હતો. શેઠને જાણ થતાં એમણે તત્કાળ મહેતાને કાઢી મૂક્યો. પોતાની લુચ્ચાઈ પકડાઈ જતાં દુષ્ટ ઇરાદો ધરાવતા મહેતાએ શેઠ સામે વેરની વસુલાત કરવા માટે ચાતુરીભરી પ્રપંચ જાળ બિછાવી.
એણે રાજાને કહ્યું, “આ આભડ શેઠ પાસે તો અઢળક ધન છે, પણ મુંજી આભડ શેઠ રાજને એક રાતી પાઈની પણ મદદ કરતો નથી. આવા લોકોની લક્ષ્મી ઘરમાં રંધાઈ જાય અને કોઈને લાભ ન થાય, પણ આ લક્ષ્મી જો મહેલમાં આવે તો કેટલાંય લોકો તરી જાય.”
ભોળા રાજાને આ વાત ગમી ગઈ. એણે મહેતાએ બતાવેલી યુક્તિ પ્રમાણે શેઠને ભૂલમાં ફસાવીને પૈસા કઢાવવાનો પેતરો રચ્યો. ભીમદેવની દાસી શેઠને ઘેર માંસનો થાળ લઈને આવી. આ સમયે દાસીએ ચાંપલદેને થાળ અર્પણ કરતાં કહ્યું, “રાજમાં અત્યારે ઉત્સવ ચાલે છે, આથી રાજાએ તમારા ગૌરવ માટે આ પ્રસાદ મોકલ્યો છે.” શેઠ તો જિનપૂજામાં તલ્લીન હતા. આથી એમની પુત્રી ચાંપલદેએ દાસીનો સત્કાર કરીને થાળ ખોલાવ્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે આમાં તો રાજાએ માંસ મૂક્યું છે.
રાજાના આવા અવિનયનું કારણ શું ? શા માટે એકાએક રાજા આભડ શેઠનો અંતરાત્મા દુભાય એવું કરતા હશે ? ચાંપલદે દુર્ભાગ્યે બાળવિધવા થઈ હતી. પિતાને ત્યાં રહેતી હતી. ચતુર, વિવેકી, ધર્મનિષ્ઠ એવી ચાંપલદે સામી વ્યક્તિના મનને પારખી શકતી હતી.
રાજાની પલટાયેલી પ્રકૃતિનો વિચાર કરતાં વિદુષી ચાંપલદેને ખ્યાલ આવી ગયો કે આ તો પેલા બેઈમાન મહેતાનાં કરતૂત છે. ચાંપલદેએ રાજાએ મોકલાવેલો પ્રસાદ બીજા થાળમાં લઈ લીધો અને એ થાળને મોતીએ વધાવીને પાછો આપ્યો. વળી રાજાને ભેટરૂપે સવા લાખનો હાર મોકલ્યો. થાળ લાવનારી દાસીને કંઠમાં પહેરવાનું આભૂષણ ભેટ આપ્યું. | ચાંપલદેએ પોતાના પિતાને રાજાની બદલાયેલી મનોવૃત્તિની વાત કરી. રાજા કોઈ પણ રીતે એમનું ધન આંચકી લેવા માંગે છે એમ કહ્યું. બેઈમાન મહેતાએ કરેલી કાનભંભેરણીની શંકા પણ પ્રગટ કરી.
આભડ શેઠ વિચારમાં પડ્યા ત્યારે ચાંપલદેએ પિતાને આશ્વાસન આપતાં કહ્યું, “પિતાજી ! રાજા આપણને લૂંટવા ઇચ્છે છે ત્યારે આપણે પાણી પહેલાં પાળ બાંધી લેવી જોઈએ. રાજા આપણા ધનનો ભક્ષક થવા માગે છે એને બદલે આપણે એને ધનનો રક્ષક બનાવવાનો છે.”
પિતા આભડ વસાને પોતાની પુત્રીની ચતુરાઈ અને વિદ્વત્તા માટે ગૌરવ હતું. આભડ શેઠે પોતાની મિલકતની નોંધ બનાવી અને એ યાદી લઈને આદરપૂર્વક ભોળા ભીમદેવ પાસે ગયા. રાજા તો માનતા હતા કે આભડ શેઠ એમની ‘પ્રસાદી' જોઈને અકળાઈ ઊઠશે. રાજની સામે થશે. આથી આસાનીથી એમની મિલકત આંચકી શકાશે. પોતાના ધનની વિગતવાર યાદી લઈને શેઠ રાજા પાસે ગયા. રાજા આવા મનના પારખુ માનવીને જાણીને અત્યંત હર્ષ પામ્યા. એમણે મહેતાને કહ્યું,
અરે મૂર્ખ ! વિધાતા જેને ધન આપે છે તેને તેના રક્ષણની કુનેહ પણ આપે છે. તારે શેઠની ઈર્ષા કરવી જોઈએ નહીં. ખેર ! જે બની ગયું તે બની ગયું. હવે તું શેઠના પગમાં પડીને માફી માગી લે.”
આભડ શેઠની મહેતાએ માફી માગી. રાજાએ શેઠની મિલકતમાંથી રાતી પાઈ પણ લીધી નહીં. ચાંપલદેની યુક્તિથી એ સાચવેલી સંપત્તિમાંથી શેઠે અનેક સત્કૃત્યો કર્યા. ચાંપલદે ચતુર અને ઘરરખ્ખ હતી તો વિવેકી અને વિદુષી પણ હતી. જિનશાસનનો ઇતિહાસ આવી શ્રાવિકાથી ઉજ્વળ છે. ચાંપલદે પણ ઉચ્ચ ધર્મ-આરાધના કરીને સ્વર્ગે સિધાવ્યાં.
- ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી શશીચંદ્રવિજયજી, મુનિ શ્રી સિદ્ધચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી રૂ પાબહેન સંદીપકુમાર હીરાલાલ છક્કડદાસ શાહ પરિવાર, અમદાવાદ
Jain Education International
Personal use only
www.albaty.org