________________
૯૪. લાછીદેવી કેવો અપાર મહિમા છે સાધર્મિક ભક્તિનો ! ત્રાજવાના એક પલ્લામાં જીવનના સઘળાં જપ-તપ અને ધર્મક્રિયાઓ : મૂકીએ અને બીજા પલ્લામાં ધર્મમય અંતઃકરણથી કરેલી એક જ સાધર્મિક ભક્તિ મૂકીએ તો એ બંને પલ્લાં સમાન રહેશે. પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્યમાં અને શ્રાવકનાં વાર્ષિક અગિયાર કર્તવ્યમાં પણ સાધર્મિક ભક્તિનું આગવું સ્થાન છે. આવી સાધર્મિક ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે લાછીદેવી.
કર્ણાવતીના શાલપતિ ત્રિભુવનસિંહની પત્ની લચ્છી છીપણ (લક્ષ્મી ભાવસાર) પોતાનાં દાસ-દાસી સાથે પ્રભુદર્શન માટે નીકળી હતી. આ સમયે સાબરમતી નદીના કિનારે આવેલા ઊંચા શિખર અને ઉત્કૃષ્ટ સ્થાપત્યવાળા જિનાલયમાં ભગવાનનાં દર્શન-ચૈત્યવંદન કરીને મારવાડનો ઉદો બહાર બેઠો હતો. દેરાસરનાં પગથિયાં ઊતરતી લાછીએ મેલાંઘેલાં કપડાંમાં બેઠેલા ઉદાને જોયો. પરદેશથી આવેલો કોઈ સાધર્મિક છે એમ જાણીને લાછીદેવીએ ભાવથી પૂછયું, “ભાઈ, આ કર્ણાવતીમાં તમે કોના મહેમાન છો ?” લાછીનાં મધુર વચનોમાં ઉદાને આત્મીય સ્વજનની મીઠી મધુરી વાણી સંભળાઈ. ઉદાએ કહ્યું, “બહેન, પહેલી જ વાર આ પ્રદેશમાં આવું છું. આ કર્ણાવતીમાં અમને પરદેશીને કોણ પહેચાને ? તમે મને બોલાવ્યો એટલે થોડાં-ઝાઝાં ગણો તો તમે મારાં પરિચિત ગણાવ. માટે અમે તો તમારા મહેમાન છીએ.”
લાછીદેવીએ આનંદભેર કહ્યું, “મારા ઘેર સાધર્મિક ભાઈ મહેમાન હોય એ તો મારું અહોભાગ્ય સમજું છું. ચાલો, તમે મારા મહેમાન. તમારા કુટુંબને લઈને મારું આંગણું પાવન કરો.”
મારવાડનો ઉદો મહેતા પોતાની પત્ની સુહાદેવી તેમ જ ચાહડ અને બાહડ એ બંને પુત્રોને લઈને લાછીને ત્યાં ગયો એણે ભારે હેતથી ઉદા અને એના પરિવારને ભોજન કરાવ્યું. ઉદાએ પૂછયું, “બહેન, મારા પર આટલા બધા હેતભાવનું કારણ ?”
લાછીએ કહ્યું, “તમે દુઃખી સાધર્મિક છો. સાધર્મિકની સેવા એ સાચા જૈનનું કર્તવ્ય છે.”
મારવાડના ઉદાને લાછીએ રહેવા માટે ઘર આપ્યું. ગરીબ ઉદાને તો જાણે મકાન નહીં, મહેલ મળ્યો ! નવ ખંડની નવાબી મળી હોય તેટલો આનંદ થયો. સમય જતાં ઉદાએ લાછીનું એ ઘર ખરીદી લીધું. કાચા મકાનને ઈંટોના પાકા મકાનમાં ફેરવી નાખવાનો વિચાર કર્યો. એણે જમીનમાં પાયો ખોદવાની શરૂ આત કરી, તો એમાંથી ધનનો ચરુ બહાર નીકળ્યા. એણે લાછીને બોલાવી અને બે હાથ જોડીને કહ્યું,
“બહેન, આ તમારું ધન લઈ જાઓ. તમારા મકાનમાંથી નીકળ્યું છે, માટે એ તમારું ધન છે.” લાછીએ કહ્યું, “એ ન બને. ઘર તમારું. જમીન તમારી એટલે આ ધન પણ તમારું.”
ઉદા શેઠે કહ્યું, “મારે માટે તો આ ધન અણહકનું ગણાય. મને ન ખપે. તમારે લેવું પડશે.” લાછીએ તો એને હાથ અડાડવાની પણ ના પાડી. અંતે વાત મહાજન પાસે પહોંચી. મહાજન તો શું કરે ? બેમાંથી એકે ધન લેવા તૈયાર ન થાય, તેથી ઉકેલ અઘરો હતો. આખરે વાત રાજ દરબાર સુધી પહોંચી. રાજા કર્ણદેવ પણ વિચારમાં પડી ગયા. રાણી મીનળદેવીએ બંનેને અડધો-અડધો ભાગ આપવાનો તોડ કાઢવ્યો, પણ લાછીદેવી અને ઉદા મહેતા એટલુંય અણહકનું લે કઈ રીતે ? એમણે તો કહ્યું, “જેનું કોઈ માલિક નહીં એનું માલિક રાજ. તમે તે સ્વીકારો.” રાજા કર્ણદેવ સોલંકીએ વિચાર કર્યો કે પ્રજા સ્વીકારે નહીં, તેવું અણહકનું ધન એ કઈ રીતે લઈ શકે !
અંતે ઉદા મહેતાએ કહ્યું, “જે ધન રાજને ન ખપે તે દેવને અર્પણ થાય.” આ ધનથી કર્ણાવતી નગરીમાં દેરાસર બંધાયું, જે ‘ઉદયન વિહાર' તરીકે જાણીતું થયું. ઉદા મહેતા કર્ણાવતીના નગરશેઠ, એ પછી રાજા સિદ્ધરાજના મંત્રી અને છેલ્લે ખંભાતના દંડનાયક બન્યા, પણ જીવનભર પોતાની બહેન લાછીની સાધર્મિક ભક્તિને સદાય હૃદયથી વંદન કરતા રહ્યા.
ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી મુક્તિચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી વિમળાબહેન હીરાલાલ છક્કડદાસ શાહ પરિવાર, અમદાવાદ
Jain Education International
Personal Use Only
www.jainelibrary.org