________________
૯૨. તિલકમંજરી
‘વિદ્વાન સર્વત્ર પૂજ્યતે' એ ઉક્તિ અનુસાર ધારા નગરીના મુંજરાજા અને ભોજરાજાએ કવીશ્વર ધનપાલની વિદ્વત્તા અને સર્જનકળાથી ખુશ થઈને એને સદૈવ આદર આપ્યો હતો. મુંજરાજા એને પુત્ર સમાન ગણતા હતા અને એની વિદ્વત્તા જોઈને એને ‘કૂચલ સરસ્વતી’(દાઢી-મૂંછવાળી વિદ્યાદેવી સરસ્વતી)નું બિરુદ આપ્યું હતું. ભોજરાજાએ પોતાના હિતેષી અને રાજ્યના પરમ વિદ્વાન એવા કવિ ધનપાલને ‘કવીશ્વર’ અને ‘સિદ્ધ સારસ્વત' એવાં બે બિરુદોથી અલંકૃત કર્યા હતા.
એક સમયે કવિ ધનપાલે જૈન ધર્મ પ્રત્યેના દ્વેષને કારણે માળવામાં જૈન સાધુઓના વિહાર પર રાજા દ્વારા પ્રતિબંધ ઘોષિત કરાવ્યો હતો. બીજી બાજુ એના નાનાભાઈ શોભન તો જૈન સાધુનું મહિમાવંતું જીવન પસંદ કરીને શોભનાચાર્ય બન્યા હતા. તેઓએ પોતાના મોટાભાઈને જૈનદર્શનની મહત્તા અને વ્યાપકતાનો ખ્યાલ આપ્યો એટલે કવીશ્વર ધનપાલ સાચા હૃદયથી વીતરાગ દેવની ભક્તિ કરવા લાગ્યા. કવિ ધનપાલે નવ રસથી ભરપૂર અને બાર હજાર પ્રમાણવાળી તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિપ્રધાન મનોરમ ગદ્યકથાની રચના કરી. આને માટે ગુજરાતમાં વિચરતા આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજીની ધારાનગરીમાં મહોત્સવપૂર્વક પધરામણી કરાવી હતી. આચાર્યશ્રી પાસે આ કથાનું સંશોધન કરાવ્યું. આચાર્યશ્રીએ ઘણા વાદીઓને જીત્યા હોવાથી તેમને ધારાનગરીના રાજા ભોજ દ્વારા ‘વાદિ વૈતાલ'નું માનવંતું બિરુદ મળ્યું.
એક વાર શિયાળાની રાત્રે કવિએ એમની ભાવભરી વાણીમાં રાજા ભોજને લાલિત્યથી ઓપતી આ કૃતિ સંભળાવી, ત્યારે રાજાએ કહ્યું કે, આમાં એ પરિવર્તન કરીને એમના ધર્મની અને એમની પ્રશંસાના શબ્દો મૂકે તો કવિ જે માગશે તે આપશે. કવિરાજ ધનપાલે રાજા ભોજને કહ્યું, “આવું પરિવર્તન કરવું તે તો મારા હૃદયની ભાવધારાનો દ્રોહ કરવા સમાન ગણાય, માટે મને ક્ષમા કરજો.”
કવિના સ્પષ્ટ વચને રાજા ભોજમાં ક્રોધનો દાવાનળ જગાડ્યો. એ ગદ્ય-કથાનું પુસ્તક રાજાએ બાજુમાં પડેલી સગડીમાં મૂકીને સળગાવી દીધું. એ પછી કવિ અને રાજા વચ્ચે ઘણી બોલાચાલી થઈ.
ભારે હૈયે કવિ ધનપાલ ઘેર આવ્યા. એમની આંખોમાં દુ:ખ હતું. ચહેરા પર વ્યથા હતી. હૃદયમાં અજંપો હતો. એમની પુત્રી તિલકમંજરી પિતાની ગમગીની પારખી ગઈ. એણે પિતાને આવી ઉદાસીનતાનું કારણ પૂછવું.
તિલકમંજરી કવિ ધનપાલની વહાલસોયી દીકરી હતી. પિતાએ એની વિદ્યાનો એને વારસો આપ્યો હતો. નાની વયની હોવા છતાં એ વિદુષી હતી. પિતા ધર્મભક્તિના ભાવમાં ડૂબીને અને વીતરાગપ્રીતિમાં એકરૂપ બનીને જે ભક્તિથી ગદ્યકથાનું સર્જન કરતા હતા, તેનું તિલકમંજરી રોજ વાચન કરતી હતી. આ પ્રભુકથામાં એને એટલો બધો રસ પડ્યો કે એના શબ્દેશબ્દને પોતાની સ્મૃતિમાં સાચવી રાખતી હતી. કવીશ્વર ધનપાલે વેદનાભર્યો નિસાસો નાખતાં એમ કહ્યું કે વર્ષોની એમની સાહિત્યસાધનાને રાજાએ એના ગુસ્સામાં પળવારમાં રાખ કરી દીધી.
તિલકમંજરીએ કહ્યું, “પિતાજી, આપ સહેજે વ્યગ્ર થશો નહીં. રાજાએ ભલે એ ગ્રંથનાં પૃષ્ઠો સળગાવી નાખ્યાં હોય, પરંતુ એ ગ્રંથનો સાહિત્યરસ તો મારા ચિત્તમાં સુરક્ષિત છે. આખો ગ્રંથ મને મોઢે છે.”
કવિના આનંદની સીમા ન રહી. પોતાની પુત્રી માટે તેમને ગૌરવ થયું. એની સ્મૃતિશક્તિ માટે માન થયું. પોતે આપેલા સાહિત્યના સંસ્કારો કપરે સમયે કેટલા બધા લાભદાયી બન્યા એનો વિચાર કવિ ધનપાલ કરવા લાગ્યા. તિલકમંજરીના મુખેથી ગદ્યકથા વહેવા લાગી અને કવિ ધનપાલ એને લખવા લાગ્યા. કોઈક ભાગ તિલકમંજરીએ સાંભળ્યો કે વાંચ્યો નહોતો એટલો જ ભાગ કૃતિમાં અધૂરો રહી ગયો. કવિ ધનપાલે એ ભાગની રચના કરીને કથાને અખંડ સ્વરૂપ આપ્યું.
વિ. સં. ૧૮૮૪માં આ ઘટના બની. નવ રસોથી ભરપૂર એવી ઉત્કૃષ્ટ ગદ્યકથા રચાઈ ગઈ. કવીશ્વર ધનપાલને જીવનસાર્થક્યનો અનુભવ થયો. આવી પુત્રી મળી ન હોત તો પોતાની ગદ્યકૃતિનું શું થાત ? આથી કવીશ્વર ધનપાલે આ કૃતિનું નામ ‘તિલકમંજરી’ રાખ્યું. ધન્ય છે તિલકમંજરીની એ સ્મરણશક્તિને, જેણે એક મહાન ગ્રંથને પુનઃ સર્જન-આકાર આપ્યો !
Jain Education International
ધર્મસ્નેહસૌજન્ય
પૂ. મુનિ શ્રી બલભદ્રવિજયજી મ., મુનિ શ્રી વિદ્યાધરવિજયજી મ.ના ઉપદેશથી શ્રી ચંપકલાલ હીરાલાલ છક્કડદાસ શાહ પરિવાર, અમદાવાદ
ભરતકુમાર એન્ડ કંપની, ભાવનગર કાંતિલાલ ફત્તેહચંદ, ભાવનગર
Personal Use Only
www.allellirary.org