________________
૯૦. કોશા
પાટલીપુત્ર નગરની રાજનર્તકી કોશા અનુપમ રૂપ, આકર્ષક લાવણ્ય અને કલાચાતુર્યમાં નિપુણ હતી. આ કોશા ગણિકાને ત્યાં મહામાત્ય શકટાલના મોટા પુત્ર સ્થૂલભદ્ર રહેતા હતા. રાજનર્તકી કોશાને સ્થૂલભદ્ર પર અગાધ પ્રેમ હતો, પરંતુ રાજ્યના ષડ્યંત્રમાં પિતાનું મૃત્યુ થતાં સ્થૂલભદ્રે મહામાત્યની પદવી તો ફગાવી દીધી, પણ એથીય વિશેષ સંસાર-વ્યવહારથી વિરક્ત થઈને એમણે આચાર્ય સંભૂતવિજયજી પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ આચાર્યશ્રીએ મુનિ સ્થૂલભદ્ર સહિત ચાર મુનિરાજોને સંયમની અગ્નિપરીક્ષા કરે તેવા કઠિન સ્થળે ચાતુર્માસ કરવા કહ્યું. ત્રણ મુનિરાજોએ સિંહની બોડમાં, વિષધર સર્પના રાફડામાં અને પનિહારીઓથી ભરેલા કૂવાકાંઠે ધ્યાનમગ્ન રહીને ચાતુર્માસ કરવા માટે અનુમતિ માગી, જ્યારે આર્ય સ્થૂલભદ્ર મુનિએ કોશા નર્તકીના ભવનમાં કામોદ્દીપક આકર્ષક ચિત્રોથી શોભતી ચિત્રશાળામાં ષડ્રસ ભોજનનો આહાર કરીને ચાર મહિના સુધી સમસ્ત વિકારોથી દૂર રહીને સાધના કરવાની આચાર્ય સંભૂતવિજયજી પાસે આજ્ઞા માગી.
આચાર્ય મહારાજે એની અનુમતિ આપી. રાજનર્તકી કોશાના વૈભવી આવાસમાં ચાતુર્માસ માટે સ્થૂલભદ્ર આવતાં કોશાના હૈયામાં આનંદની ભરતી ઊછળવા લાગી. પોતાને ત્યજી ગયેલા પ્રાણપ્યારા પ્રિયતમ જાણે પુનઃ આવતા ન હોય ! કોશાએ કલા અને રૂપના પ્રાગટ્યમાં કશી મણા રાખી નહીં, પરંતુ મુનિ સ્થૂલભદ્રની આત્મકળાની સ્થિર દ્યુતિ જોઈને કોશાને એની કામવાસના બાલચેષ્ટાઓ જેવી લાગતાં એ ક્ષમા યાચવા લાગી. મુનિ સ્થૂલભદ્રે એને આંતરવૈભવની ભવ્યતા અને દિવ્યતાનો પ્રતિબોધ આપ્યો અને કોશા વ્રતધારી શ્રાવિકા બની. ચાતુર્માસ પૂર્ણ કરીને પાછા આવેલા મુનિ સ્થૂલભદ્રને કપરું કાર્ય કરવા માટે આચાર્ય સંભૂતવિજયજીએ “દુષ્કર, દુષ્કર, દુષ્કર” એમ ત્રણ વાર બોલીને ધન્યવાદ આપ્યા.
આચાર્યશ્રીએ મુનિ સ્થૂલભદ્રને ત્રણ વાર “દુષ્કર, દુષ્કર, દુષ્કર” કહ્યું અને બાકીના ત્રણ શિષ્યો કે જેમણે સિંહ, દૃષ્ટિવિષ સર્પ કે કૂવાકાંઠે ઉપવાસપૂર્વક ચાતુર્માસ ગાળ્યો હતો તેમને માત્ર એક જ વાર ‘દુષ્કર’ કહ્યું, આથી શિષ્યોએ પોતાના ગુરુ આચાર્ય સંભૂતવિજયજીને કહ્યું, “મુનિ સ્થૂલભદ્રનું કાર્ય દુષ્કર-દુષ્કર નહીં, પણ અત્યંત સહજ અને સુગમ છે.” આમ કહી એક મુનિ ગુરુઆજ્ઞાની અવહેલના કરીને કોશા નર્તકીને ત્યાં પહોંચ્યા. કોશાએ ષડ્સ ભોજન કરાવતાં અને આકર્ષક વેશભૂષા ધારણ કરતાં જ મુનિ મોહિત બની ગયા. કોશાએ એમને નેપાળમાંથી અમૂલ્ય રત્નકંબલ લાવવાનું કહ્યું. મુનિ અથાગ મહેનત અને તપત્યાગનો ભંગ કરીને નેપાળના મહારાજા પાસેથી એક રત્નકંબલ માગીને લાવ્યા અને કોશાને આપ્યું ત્યારે કોશાએ પોતાના પગ લૂછીને કીચડવાળા ગંદા પાણીમાં એ રત્નકંબલ ફેંકી દીધું અને કહ્યું, “હે મુનિ ! તમને આ રત્નકંબલની ચિંતા થાય છે, પરંતુ એ બાબતનો સહેજે ક્ષોભ થતો નથી કે તમે અત્યંત મૂલ્યવાન એવા ચારિત્ર્યરત્નને મલિન કાદવકીચડમાં ફેંકી દીધું ! ” કોશાના પ્રતિબોધથી મુનિનો કામસંમોહ દૂર થયો. તેઓ આચાર્યશ્રી પાસે પાછા ગયા અને મુનિ સ્થૂલભદ્રના કામવિજયની પ્રશંસા કરવા લાગ્યા.
ચોથા વ્રતનો નિયમ ધરાવતી રાજનર્તકી કોશા પાસે રાજા કોઈ પુરુષને આનંદપ્રમોદ કાજે મોકલતા, તો કોશા એને આર્ય સ્થૂલભદ્રના ગુણોની ગરિમા સંભળાવતી હતી. કોશાને રીઝવવા આવેલા પાટલિપુત્રના રથકાર પાસે હસ્તલાઘવની એવી કલા હતી કે એક પછી એક બાણ મારીને સરસંધાનની શ્રેણી રચી દીધી અને પછી તે ખેંચતાં ઝૂમખા સહિત કેરીઓ એની પાસે આવી ગઈ. અત્યંત કપરું કામ સિદ્ધ કર્યું હોય તેવો રથકારને અહંકાર થયો, ત્યારે કોશાએ સરસવનો ઢગલો કરી તેમાં સોય ખોસીને તેના પર કમળનું ફૂલ ગોઠવ્યું. એના પર ચડીને કોશા નૃત્ય કરવા લાગી. રથકાર એના આવા અપ્રતિમ કૌશલને જોઈને સ્તબ્ધ બની ગયો. પરંતુ કોશાએ કહ્યું, “આંબાનું ઝૂમખું તોડવું કે સરસવના ઢગલા પર નાચવું દુષ્કર નથી. ખરું દુષ્કર કાર્ય કરનાર તો મુનિ સ્થૂલભદ્ર છે, જે પ્રમદા(સ્ત્રી)ના વનમાં હોવા છતાં પ્રમાદ પામ્યા નહીં.’ રથકારનો ઉન્માદ અને અહંકાર બંને ઓગળી ગયા અને કોશાના ઉપદેશને પરિણામે એણે વૈરાગ્ય લીધો.
પોતાના સંસ્કારોથી જીવનને ધન્ય બનાવનારી કોશા અને રાગ વચ્ચે વિરાગી જીવન જીવનારા સ્થૂલભદ્ર વિશે જૈન સાહિત્યમાં કેટલીય કથા, રાસ, ફાગુ, સજ્ઝાય, નવલકથા આદિની રચના થઈ છે.
ધર્મસ્નેહસૌજન્ય
Jain Education International
પૂ. મુનિ શ્રી સુધર્મચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રીમતી રેખાબહેન મહેન્દ્રભાઈ શાહ પરિવાર, વડોદરા
a harsurial Use Only
www.jainelibrary.org