________________
૮૯. પ્રભાવતી
સિંધુ-સૌવીર દેશના વીતભય નગરના ચોકમાં સમુદ્રમાર્ગે આવેલી એક પેટીએ આખા નગરમાં ઉત્સુકતા જગાવી હતી. આ પેટી લાવનાર નાવિકે કહ્યું, “આ પેટીમાં ભગવાનની અત્યંત પ્રભાવક પ્રતિમા છે. ભગવાન જ્યારે વિચરતા હતા ત્યારે જ આ પ્રતિમા કંડારવામાં આવી છે. આ પ્રભુપ્રતિમા ધરાવતી પેટી જે ખોલી શકશે, તે મહાભાગ્યશાળી વ્યક્તિ હશે. એને તમામ સુખ સાંપડશે અને એ જીવનમાં પરમ કલ્યાણને પામશે.”
નગરના ચોકમાં મુકાયેલી પેટી ખોલવા ઘણા સંતો, શ્રેષ્ઠીઓ અને કારીગરોએ પ્રયાસ કર્યો, પરંતુ સહુને નિષ્ફળતા જ હાથ લાગી. કેમેય કરીને પેટી ખૂલતી ન હતી. રાજા ઉદયનને માટે પણ આ પેટી ચિંતાનો વિષય બની. ભોજન સમયે રાજા ઉદયનના ચહેરા પરની ચિંતા જોઈને રાણી પ્રભાવતીએ પૂછ્યું,
“આજે આપ ચિંતાના સાગરમાં ડૂબી ગયા હો તેવું લાગે છે. ભોજન કરો છો પરંતુ આપને ભોજનમાં રસ નથી. વારંવાર હાથમાં કોળિયો રહી જાય છે અને વિચારમાં ડૂબી જાઓ છો. શું થયું છે આપને ?”
રાજા ઉદયને મૂંઝવણના ભારથી દબાયેલા અવાજે કહ્યું, “આટલા મોટા નગરમાંથી એક પણ કલ્યાણગામી વ્યક્તિ મળતી નથી. પ્રભુપ્રતિમા ધરાવતી પેટી ખોલવા જે કોઈ આવ્યા તે નિષ્ફળ ગયા. પ્રભુનાં પાવનકારી દર્શન ક્યારે થશે, તેની મોટી ચિંતા છે.’
રાણી પ્રભાવતીએ પેટી ખોલવાનો પ્રયાસ કરવાનું નક્કી કર્યું. પેટી પાસે જઈને એના પર જળ-દૂધથી અભિષેક કર્યો. ધૂપ, દીપ, અક્ષત વગેરેથી એની પૂજા કરી. એના હૃદયમાં પ્રભુભક્તિનો આનંદ ઊભરાતો હતો. એ અરિહંતનું સ્મરણ કરતાં બોલી,
“હે દેવાધિદેવ અરિહંત ભગવાન ! આપનાં દર્શન માટે આતુર એવી મને દર્શન આપો.”
પ્રભાવતીના પવિત્ર અંતઃકરણથી બોલાયેલા શબ્દોને પરિણામે પેટી ખૂલી ગઈ. લોકોમાં જૈન ધર્મનું મહિમાગાન થવા લાગ્યું. રાજાએ જિનમંદિર બનાવીને એમાં પ્રભુપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. નગરજનો ભાવથી એની પૂજા કરવા લાગ્યા. પ્રભાવતીની પ્રભુભક્તિનો મહિમા થઈ રહ્યો.
રાણી પ્રભાવતીએ પોતાની દાસી પાસે એક વખત પૂજા માટે શુદ્ધ શ્વેત વસ્ત્ર મંગાવ્યું. આ વસ્ત્ર પર લોહીના ડાઘ જોઈ આક્રોશથી તેનો દાસી પર પ્રહાર કર્યો. આને કારણે આઘાત પામેલી દાસીનું દુર્ભાગ્યે મૃત્યુ થયું. રાણીએ જમીન પર પડેલું એ વસ્ત્ર પુનઃ જોતાં એને શ્વેત લાગ્યું. રાણી પ્રભાવતીને પારાવાર પશ્ચાત્તાપ થયો. એમાં પણ પંચેન્દ્રિય જીવની હત્યાની ઘટનાએ એનું હૈયું વલોવી નાખ્યું.
એક વાર પ્રભાવતી પ્રભુભક્તિ કરતી હતી ત્યારે રાજાને એની મસ્તકહીન છાયા નજરે પડી. રાજા વ્યાકુળ બની ગયો. રાજાએ કહ્યું કે પૂર્વવૃત્તાંત પ્રમાણે આ રાણી પ્રભાવતીના મૃત્યુનો સંકેત છે. મૃત્યુની આવી આશંકાથી રાણી પ્રભાવતી સહેજે ચિંતિત થઈ નહીં. એનો ધર્મ પ્રત્યેનો સ્નેહ અખંડરૂપે વહેતો રહ્યો.
રાણી પ્રભાવતી એના અલ્પ આયુષ્યને જાણતી હતી. એણે રાજા ઉદયનને કહ્યું કે એની ઇચ્છા દીક્ષા અંગીકાર કરવાની છે. રાજાએ પ્રભાવતીને દીક્ષાની સંમતિ આપી. પ્રભાવતીએ ઉત્કૃષ્ટ તપ કરીને સંયમની અપૂર્વ આરાધના કરી. પ્રભાવતીનું જીવન ધીરે ધીરે કલ્યાણનાં એક પછી એક સોપાનો ચડવા લાગ્યું. સંસારના ઘણા રંગ એણે જોયા હતા. હવે સાધુતાનો સંગ એને છોડવો નહોતો. અંતે અનશન કરીને પ્રભાવતીએ સંયમની અપૂર્વ આરાધના કરી. સતીઓના ચરિત્રમાં પ્રભાવતીનું વિશિષ્ટ સ્થાન છે. અરિહંત પરમાત્માની અવિચળ ભક્તિ એના જીવનમાં જોવા મળે છે. એની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને જોઈને રાજા ઉદયન અને વીતભય નગરના નગરજનો અભયના માર્ગે ચાલવા માટે જૈન ધર્મના અનુયાયી બન્યા. આમ ઉત્કૃષ્ટ ધર્મઆરાધના કરીને સુંદર ધર્મપ્રભાવના કરનાર પ્રભાવતી આજેય પ્રાતઃસ્મરણીય સતી તરીકે સહુની વંદના પામે છે.
ધર્મસ્નેહસૌજન્ય
Jain Education International
પૂ. મુનિ શ્રી પ્રકાશચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી મહેન્દ્રભાઈ મંગલદાસ શાહ પરિવાર, વડોદરા
if Tie & Parsorial Use Only
www.jalelkarary.org