________________
૨. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ
એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા, ત્યારે એમની સાથે રાજર્ષિ પ્રસન્નચંદ્ર પણ હતા. મુનિ પ્રસન્નચંદ્ર એક પગે ઊભા રહી, બે હાથ ઊંચા કરી, આગ વરસાવતા સૂર્યની સામે દૃષ્ટિ રાખીને ઉગ્ર સાધના કરતા હતા. એમની આવી આકરી તપશ્ચર્યા જોઈને મગધ સમ્રાટ શ્રેણિક પ્રભાવિત થયા અને એમણે સમવસરણમાં પ્રભુ મહાવીરને પૂછ્યું, પ્રભુ, બહાર એક પગે ઊભા રહીને અતિ ઉગ્ર તપ કરનારા મુનિ જો આ ક્ષણે મૃત્યુ પામે તો એમની કઈ ગતિ થાય?”
પ્રભુએ કહ્યું, “આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે. જો એમનું આ જ ક્ષણે મૃત્યુ થાય તો સાતમી નરકમાં ગતિ પામે.”
આ સાંભળતાં સભામાં સન્નાટો વ્યાપી ગયો. મહારાજ શ્રેણિક મનોમન વિમાસણમાં પડ્યા. સાધુને નરકગમન હોય નહીં, તો પછી મુનિ પ્રસન્નચંદ્રની નરક ગતિ કેમ ભાખી ? કદાચ પ્રભુ મહાવીરનાં વચનો પોતાને બરાબર સંભળાયાં ન હોય એમ માનીને મગધરાજ શ્રેણિકે પુન: પ્રશ્ન કર્યો,
હે ભગવાન ! તપસ્વી પ્રસન્નચંદ્ર મુનિ આ સમયે કાળ કરે તો ક્યાં જાય?” ભગવાન મહાવીરે કહ્યું, “સર્વાર્થ સિદ્ધ વિમાને જાય. મોક્ષગતિ થાય.”
ભગવાન મહાવીરનાં આ વચનો સાંભળીને આશ્ચર્ય પામેલા મગધરાજ શ્રેણિકે કહ્યું, “પ્રભુ, આપે પહેલીવાર નરક ગતિ પામશે એવી વાત કરી અને થોડીક ક્ષણો બાદ મોક્ષગતિ મેળવશે એમ કહ્યું, આમ આપે બે તદ્દન જુદી વાત કેમ કહી ?”
ભગવાને કહ્યું, “પ્રથમવાર તમે પૂછ્યું ત્યારે તે મુનિએ દુર્મુખની વાણી સાંભળી હતી અને દુર્મુખે એમ કહ્યું હતું કે ચંપાનગરીના દધિવાહન રાજાએ પ્રસન્નચંદ્ર રાજાની નગરીને ઘેરો ઘાલ્યો છે અને પ્રસન્નચંદ્ર રાજાના મંત્રીઓ ફૂટી જવાથી બાળરાજાને મારી નાખીને રાજ્ય લેવા ઇચ્છે છે. આ સાંભળીને મુનિ પ્રસન્નચંદ્રના મનમાં રાજ્ય અને બાળક પરના મોહને કારણે હિંસક વિચારોનું સમરાંગણ રચાઈ ગયું ! પરિણામે એમણે સાતમી નરકને યોગ્ય ગતિ-જાતિ આદિ નામકર્મ બાંધ્યાં. આવા રૌદ્રધ્યાનમાં તેઓ કાળ પામ્યા હોત તો અવશ્ય નર કે જ જાત. ચિત્તમાં લડાઈ ખેલતા મુનિ પ્રસન્નચંદ્રએ શત્રુ રાજા પર મરણિયો પ્રહાર કરવા પોતાનું શિરસાણ લેવા મસ્તક પર હાથ લગાડ્યો.
એ સમયે પોતાના મુંડિત મસ્તકનો સ્પર્શ થતાં તરત જ જાગૃત બની ગયા. વિચાર કરવા લાગ્યા કે “સાધુની તપશ્ચર્યામાં રહીને મેં કેવા હિંસક વિચારો કર્યા, કેવા ક્રૂર પાપનું આચરણ કર્યું !” આમ મુનિ પ્રસન્નચંદ્રને પારાવાર પશ્ચાત્તાપ થયો. પોતાની મહાન ભૂલની આલોચના, પ્રતિક્રમણ કરીને મુનિ પાછા પ્રશસ્ત પ્રસન્ન ધ્યાનમાં સ્થિર થયા. પરિણામે જ્યારે સમ્રાટ શ્રેણિકે પ્રભુને બીજી વાર પૂછ્યું ત્યારે તેઓ સર્વાર્થ સિદ્ધ ને યોગ્ય મોક્ષગતિને પાત્ર બની ગયા હતા. એવામાં પ્રસન્નચંદ્ર મુનિની સમીપે દેવ-દુંદુભિ વાગતાં પ્રભુ મહાવીરે કહ્યું, “એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે દેવતાઓ તેમના કેવળજ્ઞાનનો મહિમા ઊજવવા લાગ્યા.”
મુનિ પ્રસન્નચંદ્રનું ચરિત્ર એક આત્મજાગૃત મુનિની ઓળખ આપે છે. દુશ્મનને શિરસાણથી મારી નાંખવો એવા વિચારથી એમણે માથે હાથ મૂક્યો અને માથે લોચ કરેલો જાણી પોતાની સાધુતાનું સ્મરણ થયું. પોતાના હિંસક વિચારો માટે પશ્ચાત્તાપ થતાં તેઓ પશ્ચાત્તાપની પાવન ગંગામાં વિશુદ્ધ બન્યા. સાચા જાગૃત આત્માનો પશ્ચાત્તાપ હોવાથી તેઓ ક્ષપક શ્રેણીએ ચડીને કેવળજ્ઞાન પામ્યા.
હા પસ્તાવો, વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું છે.” – એ પંક્તિઓમાં પશ્ચાત્તાપની મહત્તાનું ગાન કર્યું છે. એવું ગાન મુનિ પ્રસન્નચંદ્રના જીવનની ઘટનામાંથી પ્રગટ થાય છે.
| ધર્મસ્નેહસૌજન્ય આ. શ્રી વિજયઅશોકચંદ્રસૂરિ મ.ના બીજા વર્ષીતપની તેમજ શ્રી સૂરિમંત્રના પાંચમા પ્રસ્થાનની ૧૨મી આરાધનાની સ્મૃતિમાં; ખ્યાતિ, નમિત, ઈશાન, દર્શિત ઝવેરી (સૂરતવાળા), મલાડ, મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org