________________
૮૭. દુર્ગાતાનારી
જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે. શુદ્ધ ભાવથી થયેલું નાનકડું અનુષ્ઠાન પણ કર્મમેલને નષ્ટ કરનારું છે. આ ભાવરસાયણ આત્માને ઉન્નત બનાવે છે. કોઈ પણ ધર્મક્રિયાની પાછળ શુભ ભાવ હોય, સુંદર અધ્યવસાય કે ઉન્નત પરિણામ હોય તો તે સફળ બને છે.
ભગવાન મહાવીરના સમયમાં થયેલી દુર્ગતાનારીનું ચરિત્ર આનું જીવંત ઉદાહરણ છે. અત્યંત ગરીબ એવી દુર્ગતાનારી જંગલમાં જઈ લાકડીઓ એકઠી કરતી હતી. એનો ભારો બાંધી લાવીને એને નગરમાં વેચતી હતી. જંગલમાં જતી દુર્ગતાનારીએ એક કૌતુક જોયું.
એણે જોયું કે કાકંદીપુર નગરના ઉદ્યાનમાં ભગવાન મહાવીર પધાર્યા હતા. એમનાં દર્શન માટે આકાશમાં દેવવિમાનમાં કે બેસીને દેવો એ તરફ જતા હતા. વિદ્યાધરો અને કિન્નરો પણ જતા હતા. રથમાં બેસીને રાજા-મહારાજાઓ જતા હતા. અસંખ્ય નરનારીઓ પગપાળા કાકંદીપુરના ઉદ્યાનમાં બિરાજમાન પ્રભુ મહાવીરનો ઉપદેશ સાંભળવા જઈ રહ્યા હતા.
ભગવાન મહાવીરની ધર્મદેશના માટે દેવોએ સમવસરણની રચના કરી હતી. આ સમવસરણ એટલે એક અનોખો અવસર! સુર, અસુર કે માનવ સહુ કોઈ એ અવસરની પ્રતીક્ષા કરતા હોય. ઇંદ્ર પોતાના પરિવાર સહિત એ સ્થળે આવીને સમવસરણની રચના કરતા હોય છે.
વાયુકુમાર દેવતાઓ એ ભૂમિ પરથી કચરો અને કંટકો દૂર કરી જાય. મેઘકુમાર દેવો સુગંધી જળનો છંટકાવ કરીને એ સ્થળને સુવાસિત કરે. એ સમયે છ ઋતુના અધિષ્ઠાયક દેવો પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરે અને વ્યંતર દેવતાઓ જમીનથી સવા કોશ ઊંચી સુવર્ણ અને રત્નોથી શોભતી ઊંચી પીઠ બનાવી આપે. દસ હજાર પગથિયાં ઊંચો ચાંદીનો ગઢ ભુવનપતિ દેવતાઓ ૨ચે છે. એ ગઢ પર સમતલ ભૂમિ બનાવે છે. જ્યોતિષી દેવતાઓ પાંચ હજાર પગથિયાંવાળા સુવર્ણ ગઢની રચના કરે છે.
આ સમવસરણમાં ત્રણ ગઢ હોય. એ ગઢને ચાર દરવાજા હોય. વળી એમાં સુંદર ઉપવન, પવિત્ર ચૈત્યપ્રાસાદો, ઊંચે ફરકતી ધજાઓ, પુષ્પવાટિકાઓ, અષ્ટમંગળ અને કળશ આદિની સુશોભિત રચના હોય.
દુર્ગતાનારીને શુભ પુણ્યકર્મના યોગથી સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરનાં દર્શનની અને એમની દેશના સાંભળવાની ઇચ્છા જાગી. ધનની સમૃદ્ધિ સાથે ધર્મની ભાવનાને કોઈ સંબંધ નથી. ધર્મને તો હૃદયના સાચા ભાવ સાથે સંબંધ છે. દુર્ગતાનારી વિચારવા લાગી કે પ્રભુચરણમાં ધરી શકાય એવું કશુંય એની પાસે નથી. ધન તો ક્યાંથી હોય ? કિંતુ કોઈ પુષ્પ પણ નથી. ભગવાનની પૂજા પુષ્પ વિના કઈ રીતે કરું ? કિંતુ દુર્ગતાનારીનો ભગવાનની પૂજાનો ભાવ પ્રબળ બનવા લાગ્યો. બીજાં ફૂલો ખરીદી શકે એવી શક્તિ નહોતી.
એણે ઉજ્જડ ભૂમિ પર ઊગતા આંકડાનું ફૂલ લીધું. મનમાં પ્રભુપૂજાનો ભાવ ધારણ કરીને ભગવાનના સમવસરણ તરફ ચાલવા લાગી. આ અત્યંત વૃદ્ધ નારી અડધે રસ્તે પહોંચી ત્યાં જ એના શરીરે એનો સાથ છોડી દીધો. લોકોએ માન્યું કે આ વૃદ્ધા થાકને કારણે બેભાન બનીને ધરતી પર ઢળી ગઈ છે. આથી એનાં મોં પર પુષ્કળ પાણી છાંટ્યું, પરંતુ વૃદ્ધ દુર્ગતાનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
સમવસરણમાં પ્રભુએ એ દરિદ્ર નારીની સમૃદ્ધ ભાવનાની વાત કરી. એમણે કહ્યું કે એ વૃદ્ધાના હૃદયમાં પૂજાના પ્રબળ ભાવો હતા. એની પૂજા કરવાની ભાવના સફળ ન થઈ, પરંતુ એની ભાવતલ્લીનતાને કારણે આ દરદ્ર વૃદ્ધાએ દેવલોકમાં જન્મ લીધો. એ દેવે અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વજન્મ જાણ્યો અને તે દેવવંદન માટે અહીં આવ્યા છે.
આમ કહીને ભગવાન મહાવીરસ્વામીએ એક દેવ તરફ અંગુલિનિર્દેશ કર્યો અને કહ્યું કે આ દેવ એમના આઠમા જન્મમાં શ્રમણ ધર્મનું પાલન કરીને શિવ પદ પ્રાપ્ત કરશે.
આમ એક રિદ્ર નારીની શુદ્ધ ભાવતલ્લીનતાએ એને માટે મોક્ષનાં દ્વાર ખોલી આપ્યાં.
ધર્મસ્નેહસૌજન્ય
Jain Education International
પૂ. મુનિ શ્રી કુલચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી
વિજયભાઈ નવીનચંદ્ર મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ
Lise Only
WWW.jaEIIbrary.org