________________
૮૫. જ્યેષ્ઠ
ભગવાન મહાવીરના વત્સલ ભાઈ નંદીવર્ધનની પત્ની અને વૈશાલી ગણરાજ્યના અધિપતિ ચેડા રાજાની પુત્રી જ્યેષ્ઠા અત્યંત સૌંદર્યવતી હતી. જીવનના પ્રારંભના પાઠ એ રાજપરિવારમાં પામી હતી અને તેથી એનામાં આગવું કલાચાતુર્ય હતું. ભગવાન મહાવીરના વંશનો કુળધર્મ શ્રી પાર્શ્વનાથ પરંપરાનો હતો. એને પરિણામે નંદીવર્ધન અને જ્યેષ્ઠા એમાં દૃઢ શ્રદ્ધા ધરાવતાં હતાં.
નંદીવર્ધનની પત્ની જ્યેષ્ઠાનાં રૂપ-ગુણની સર્વત્ર પ્રશંસા થતી હતી. એના શીલનો પ્રભાવ પણ એવો હતો કે સહુ કોઈ એની મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા. વળી ભગવાન મહાવીરના ઉપદેશ-શ્રવણથી એનામાં એક-એકથી ચડિયાતી પ્રબળ ધર્મભાવના જાગ્રત થઈ હતી. આને કારણે એણે સમકિતના મૂળ રૂપ સમાન બાર વ્રત અંગીકાર કર્યાં હતાં.
જ્યેષ્ઠા એના વ્રતપાલનમાં દૃઢ હતી. કોઈ પ્રલોભન કે કોઈ યુક્તિ-પ્રયુક્તિ એની વ્રતપાલનની દૃઢ નિષ્ઠાને લેશ માત્ર ડગાવી શકે તેમ નહોતાં. એક વાર ઇન્દ્રસભામાં દેવરાજ ઇન્દ્રે જ્યેષ્ઠાના શીલની પ્રશંસા કરી. એમણે કહ્યું કે ગમે તેવા દેવદેવેન્દ્રથી પણ જ્યેષ્ઠા ચલિત થાય તેમ નથી. આ સાંભળીને એક દેવતાથી રહી શકાયું નહીં. એણે કહ્યું, “માટીના માનવીની શી તાકાત ! એને ભય બતાવો એટલે શરણાગતિએ આવે. એને વૈભવ બતાવો એટલે વશ થઈ જાય. એને સુખ બતાવો એટલે મોહ પામે. એના વ્રતને તોડવું એ તો મારે માટે ચપટી વગાડવા જેવો ખેલ છે.”
ગર્વિષ્ઠ દેવે એના ઘમંડમાં જ્યેષ્ઠાનું અપહરણ કર્યું અને ઘનઘોર જંગલની વચ્ચે એને એકલી છોડી દીધી. એ પછી પેલા દેવે હાથી, અશ્વ, પાયદળ વગેરે સૈન્ય ઉતાર્યું. અત્યંત શક્તિશાળી અને વૈભવશાળી રાજાનો વેશ લઈને દેવ જ્યેષ્ઠા પાસે આવ્યો અને બોલ્યો,
“આ ઘનઘોર જંગલમાં અથડાતી-કુટાતી હે સ્ત્રી ! તારા રૂપ પર હું મુગ્ધ બન્યો છું. તને મારી પટરાણી બનાવીને આ
વિશાળ ભોગવૈભવની સહભાગી બનાવવી છે.”
જ્યેષ્ઠા આવાં કામી વચનો સાંભળી શકી નહીં. એણે એના બંને કાનમાં આંગળી નાખી દીધી અને બોલી, “સ્વર્ગમાંથી કોઈ દેવ ઊતરી આવે તો પણ મારા પતિવ્રતમાંથી હું ચલિત થાઉં તેવી નથી.”
ម
દેવે કહ્યું, “તું એમ સીધેસીધી નહીં માને. આ સિંહ, વાઘ અને પિશાચ જો. એ તને જીવતી ફાડી ખાશે. મારા શરણમાં આવીશ તો તને આ બધાંથી રક્ષણ મળશે.”
જ્યેષ્ઠાએ દેવની આ માગણી ઠુકરાવી દીધી ત્યારે દેવે કહ્યું, “જો તું સીધેસીધી અમારી સાથે નહીં આવે તો અમે તને બળજબરીથી ઉપાડીને અમારી સાથે લઈ જઈશું.”
જ્યેષ્ઠાએ મક્કમ અવાજે કહ્યું, “જો તમે એવો પ્રયત્ન કરશો તો હું આત્મહત્યા કરીશ.”
જ્યેષ્ઠાના આ દૃઢ વ્રતપાલનથી પ્રસન્ન થયેલા દેવ એના મૂળ રૂપમાં પ્રગટ થયા અને બોલ્યા, “હે પુણ્યવતી સતી સ્ત્રી ! અમે તારા સતીત્વની પરીક્ષા કરવા આવ્યા અને તેમાં તમે પાર ઊતર્યાં છો. અમારી આ કુંડળની ભેટ સ્વીકારો.”
આમ કહીને દેવોએ જ્યેષ્ઠાને નંદીવર્ધનને ત્યાં પાછી મૂકી દીધી અને એમણે કરેલી જ્યેષ્ઠાના સતીત્વની પરીક્ષાની ઘટના કહીને એને મહાસતીનું બિરુદ આપ્યું. નંદીવર્ધન અને જ્યેષ્ઠાએ ગૃહસ્થ આશ્રમમાં રહીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - એ ચારે પુરુષાર્થ કર્યા અને શ્રાવકનાં બાર વ્રતો ગ્રહણ કરીને પોતાનું જીવન સાર્થક કર્યું. એક એવી પણ અનુશ્રુતિ મળે છે કે ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળીને જ્યેષ્ઠાને વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. પતિ નંદીવર્ધનની અનુમતિ મેળવીને ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. આર્યા ચંદનાના સાધ્વી સંઘમાં સંમિલિત થઈ હતી. આ રીતે જ્યેષ્ઠાનું જીવન એટલે સાત્ત્વિક સંયમની શોભા અને શીલધર્મની મહેકતી સુવાસ !
Jain Education International
ધર્મસ્નેહસૌજન્ય
પ. પૂ. આચાર્ય શ્રી વિજય અજિતચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી સુશીલાબહેન રસિકલાલ મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ
Ale & Personal Use Only
www.jainullbrary.org