________________
૮૩. રેવતી
એક વાર ભગવાન મહાવીર શ્રાવસ્તી નગરીમાં મેઢિયા ગામની બહાર સાલકોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા હતા. ભગવાન મહાવીરનો એક સમયનો શિષ્ય ગોશાલક એમનો પ્રબળ હરીફ બન્યો હતો. ક્રોધથી ઘેરાયેલા ગોશાલકે ભગવાન મહાવીરને ભસ્મ કરવા માટે તેજોલેશ્યા છોડી, પરંતુ તેજોલેશ્યાનું મહાવર્તુળ ભગવાન મહાવીરની પ્રદક્ષિણા કરીને ગોશાલકના મુખમાં પાછું ફર્યું. આથી બિહામણો બનેલો ગોશાલક સાત દિવસમાં મૃત્યુ પામ્યો. પ્રભુ મહાવીરને તેજોલેશ્યાની અસર થઈ અને તેને પરિણામે છ મહિના સુધી અતિસારના રોગની પીડા થઈ. ભગવાન મહાવીરનું શરીર અત્યંત દૃશ થવા લાગ્યું.
એમની આવી પીડા અને સ્થિતિ જોઈને એમનો શિષ્યગણ ચિંતિત બનીને સંતાપ કરવા લાગ્યો. ભગવાન તો શરીરની સ્થિતિ અને વેદનાથી પર હતા, પરંતુ એમની આસપાસના એમના શિષ્યગણને પારાવાર વ્યથા થતી હતી. ભગવાનની શારીરિક વ્યાધિની વાત સર્વત્ર ફેલાઈ ગઈ. માલુકાકચ્છમાં આકરી તપશ્ચર્યા કરતા ભગવાનના શિષ્ય ‘સિંહ’ અનગાર છઠ્ઠ(બે દિવસના ઉપવાસ)ના તપની સાથે ઉનાળાના ભીષણ તાપમાં આતાપના લેતા હતા, ત્યારે એમણે ભગવાનની શારીરિક હાલતની વાત સાંભળી ને એમનું હૈયું વલોવાઈ ગયું. ધર્માચાર્યના અનિષ્ટની કલ્પનાથી ઊભા ઊભા જ મોટેથી આક્રંદ કરવા લાગ્યા.
સર્વજ્ઞ અંતર્યામી મહાવીરે પોતાના શિષ્યને બોલાવીને કહ્યું કે ભદ્ર અને સરળ પ્રકૃતિનો મારો અંતેવાસી સિંહ અનગાર પારાવાર રુદન કરી રહ્યો છે તો એને જલદી અહીં બોલાવી લાવો. સિંહ અનગાર આવ્યા અને ભગવાને કહ્યું, “તું કોઈ પણ પ્રકારના અનિષ્ટની કલ્પના કરીશ નહીં. હું હજી સાડા પંદર વર્ષ સુધી આ પૃથ્વી પર વિહાર કરવાનો છું.”
સિંહ અનગારે નમ્રતાથી પૂછ્યું, “આપનું શરીર રોજેરોજ ક્ષીણ થતું જાય છે. આ રોગમુક્તિનો કોઈ ઉપાય ખરો ?” ભગવાને કહ્યું, “મેઢિયંગેવ નામના ગામમાં ઔષધનિર્માણમાં નિપુણ રેવતીએ કોળાપાક અને બિજોરાપાક નામની બે ઔષધિ બનાવી છે. આ કોળાપાકની ઔષધિ મારે માટે બનાવી છે, જેની મારે જરૂર નથી. એણે બનાવેલી બિજોરાપાકની ઔષધિ મારા રોગનિવારણ માટે યોગ્ય છે. ”
રેવતી અનેક પ્રકારની ઔષધિઓ અથવા પાક તૈયાર રાખતી હતી. આસપાસનાં નગરજનો અને ગ્રામજનોને ઔષધિ દ્વારા વ્યાધિમુક્ત કરતી હતી. ઘણા સાધુ અને પરિવ્રાજક પણ એણે બનાવેલી ઔષધિનું સેવન કરીને પોતાની શારીરિક પીડાથી મુક્તિ મેળવતા હતા.
આલાદિત સિંહ અનગાર ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને રેવતીને ઘેર ગયા. દૂરથી મુનિરાજને જોઈને રેવતીએ સાતેક ડગલાં આગળ જઈને પ્રણામ કર્યા અને ભગવાન મહાવીરના સમાચાર પૂછ્યા. સિંહ અનગારે અશ્રુભીની આંખે કહ્યું, “અર્હત્ પ્રભુ દાહજ્વરથી પીડિત છે. એમને માટે તમે બનાવેલા કોળાપાકની એમને જરૂર નથી, પરંતુ અન્યને માટે બનાવેલા બિજોરાપાકની આવશ્યકતા છે.”
રેવતીને પારાવાર આશ્ચર્ય થયું કે ઔષધિનિર્માણના ગુપ્ત રહસ્યનો કેવી રીતે ખ્યાલ આવી ગયો હશે ? ત્યારે સિંહ અનગારે પોતાના ગુરુના જ્ઞાનનો મહિમા વર્ણવ્યો.
શ્રાવિકા રેવતીએ અત્યંત શ્રદ્ધાભાવથી બિજોરાપાક વહોરાવ્યો. એના સેવનથી ભગવાન મહાવીર રોગમુક્ત થયા. એમનો ચહેરો પૂર્વવત્ ચમકવા લાગ્યો. ભગવાનને પૂર્ણ સ્વસ્થ જોઈને સર્વત્ર પ્રસન્નતા ફેલાઈ ગઈ. કેવું મહાન કામ ! કેવું ઉત્તમ દાન !
દાનની મહત્તા વર્ણવતાં ધર્મગ્રંથો કહે છે કે દાનથી યશ મળે, શત્રુ નાસી જાય અને પરજન સ્વજન બને.
આ બધાં દાન કરતાં રેવતીનું દાન અતિ વિરલ અને વિશિષ્ટ હતું. ભગવાનને બિજોરાપાક વહોરાવીને રેવતીએ ભવભ્રમણમાંથી મુક્તિ મેળવી અને તીર્થંકરપદ પ્રાપ્ત કરવાનું સર્વશ્રેષ્ઠ સદ્દભાગ્ય મેળવ્યું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ – એમ ચારેયની ઉત્તમતાથી રેવતી આવતી ચોવીસીમાં સમાધિ નામના સત્તરમા તીર્થંકર થશે.
ધર્મસ્નેહસૌજન્ય
Jain Education International
પ. પૂ. આચાર્ય શ્રી વિજય જયચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી શ્રી રસિકલાલ અમૃતલાલ મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ
ate & Personal Use Only
www.jainelibrary.org