________________
૮૨. ત્રિશાલામાતા તેજસ્વી, તપસ્વી અને જગતારક મહાન પુત્ર વર્ધમાનને જન્મ આપવાનું અવર્ણનીય ગૌરવ ત્રિશલામાતા ધરાવે છે. એમના જીવનની મહત્તાને કારણે તેઓ સદૈવ પૂજનીય અને વંદનીય બની રહ્યા. ક્ષત્રિયકુંડના રાજા સિદ્ધાર્થનાં રાણી અને વૈશાલી ગણરાજ્યના રાજા ચેટકની બહેન ત્રિશલાના માતૃત્વનો મહિમા અપરંપાર છે અને કાવ્યસર્જકોએ એનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે.
દેવાનંદાના ૮૨ દિવસના ગર્ભને લઈને હરિબૈગમેષી દેવ એને રાજા સિદ્ધાર્થની પટરાણી ત્રિશલાદેવીના ઉદરમાં મૂકે છે. એક શુભ રાત્રિએ રાણી ત્રિશલા પોતાના શયનખંડમાં સૂતી હતી ત્યારે અંતિમ પ્રહરમાં એણે સુખદાયક ૧૪ સ્વપ્નો જોયાં. આ મહામંગલકારી ૧૪ સ્વપ્નોનું વર્ણન એણે પોતાના પતિ રાજા સિદ્ધાર્થને કર્યું. રાજાએ તત્કાળ સ્વપ્નપાઠકોને બોલાવીને રાણી ત્રિશલાએ જોયેલાં ૧૪ સ્વપ્નોનો ભાવિસંકેત પૂછયો. રાણી ત્રિશલાએ આ સ્વપ્નોમાં ઇન્દ્રના હાથી ઐરાવત જેવો શ્વેત હાથી જોયો. શુભ્ર દંતપંક્તિવાળો ઋષભ જોયો. વનના રાજા કેસરીસિંહને નીરખ્યા. મનોહર લક્ષ્મીજી, પ્રફુલ્લિત પુષ્પમાળા, પ્રકાશિત ચંદ્ર અને લાલિમાયુક્ત બાલસુર્યને જોયો. ફરફરતી ધજા અને રૂપાનો મંગળકળશ, સરોવરમાં શ્રેષ્ઠ એવું પાસરોવર અને સાગરમાં સર્વોત્તમ એવો ક્ષીરસાગર દીઠો. આકાશમાં શોભતું દેવવિમાન, શ્રેષ્ઠ રત્નોનો રાશિ અને ધુમાડા વિનાનો અગ્નિ જોયો. સ્વખપાઠકોએ આનો સંકેત પ્રગટ કરતાં કહ્યું, “હે રાજન ! આપને ત્યાં સિંહ સમાન નિર્ભય અને દિવ્ય શક્તિવાળો પુત્ર જન્મશે. એ કાં તો ધર્મચક્રવર્તી થશે અથવા તો રાજચક્રવર્તી બનશે.” માતા ત્રિશલાના ઉદરમાં રહેલા ગર્ભસ્થ વર્ધમાન વિચારે છે કે મારા વિકસતાં અંગોપાંગ અને મારું હલનચલન માતાને કેટલી બધી આકરી પીડા આપે છે ? મારે તો સર્વ જીવોનું શ્રેય સાધવાનું છે, ત્યારે અત્યંત ઉપકારી એવી માતાને મારા હલનચલનથી પીડા થાય તે કેમ ચાલે ? આથી ત્રિશલામાતાના ઉદરમાં રહેલો ગર્ભ શાંત થયો. ત્રિશલાના તનની અકળામણ ઓછી થઈ, પણ મનની અકળામણ એકાએક વધી ગઈ. ત્રિશલાને શંકા જાગી કે શું કોઈ દેવે મારો ગર્ભ હરી લીધો હશે કે પછી મારો ગર્ભ ગળી ગયો હશે ! આમ જુદી જુદી શંકા-કુશંકા કરતાં ત્રિશલામાતા આક્રંદ કરવા લાગ્યાં. રાજા સિદ્ધાર્થ ચિંતાતુર બન્યા. રાજમહેલમાં ચાલતાં નાટકો અને આનંદપ્રમોદ થંભી ગયાં અને વીણા તથા મૃદંગ વાગતાં બંધ થઈ ગયાં. ત્રિશલામાતા મૂછિત બની ગયાં. આ સમયે ગર્ભસ્થ વર્ધમાને અવધિજ્ઞાનથી માતા, પિતા અને પરિવારજનોને શોકવિહ્વળ જોયાં. એમણે વિચાર્યું કે મેં જે કામ માતાના સુખને માટે કર્યું, તેનાથી તો ઊલટું દુઃખ નિષ્પન્ન થયું. અમૃત ધાર્યું હતું, તે વિષ બન્યું !
ભર્યા જળાશયમાં મત્સ્ય જેમ હાલે તેમ ગર્ભ ફરક્યો અને માતા હસી પડી અને તેની આસપાસની સમગ્ર સૃષ્ટિ હર્ષથી નાચી ઊઠી. આ ઘટનાએ વર્ધમાનના મહાન આત્માના મન પર પ્રગાઢ અસર કરી. એમણે વિચાર્યું કે માતાને પુત્ર પર કેવો અજોડ પ્રેમ હોય છે ! હજી તો હું ગર્ભમાં છું, માતાએ મારું સુખ પણ જોયું નથી, છતાં કેટલો બધો અસીમ પ્રેમ ! આવાં વહાલસોયાં માતાપિતા હોય અને હું સંયમ ધારણ કરું તો એમને ઘણું દુઃખ થાય, આથી અભિગ્રહ કરું છું કે માતા-પિતાની જીવિત અવસ્થામાં હું સંસારનો ત્યાગ કરીને દીક્ષા નહીં લઉં. જન્મ પૂર્વે ભગવાને પહેલો ઉપદેશ આપ્યો માતૃભક્તિનો.
વિ. સં. પૂર્વે ૫૪૩ની ચૈત્ર સુદ ૧૩ની મધ્યરાત્રિએ રાજ કુમાર વર્ધમાનનો જન્મ થયો. પૃથ્વી અને પાતાળમાં લોકોત્તર દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો. છપ્પન દિકકુમારિકાઓ ભગવાનના જન્મ પ્રસંગે પોતાનું કર્તવ્ય બજાવવા જન્મની રાત્રે જ આવી પહોંચી. આ કુમારિકાઓએ નાટ્ય, નૃત્ય અને ગીત આદર્યા. નજરની સામે જાણે સ્વર્ગ સાકાર કર્યું. રાજકુમાર વર્ધમાન યુવાન થતાં રાણી ત્રિશલાએ એમનો યશોદા સાથે વિવાહ કરાવ્યો અને માતાની ઇચ્છાને માન્ય રાખતા વર્ધમાને વિવાહ કર્યો. ત્રિશલાદેવીએ પોતાનો અંત સમય નિકટ જાણીને પાપોની આલોચના કરી, ચતુર્વિધ આહારનો ત્યાગ કરી અનશન કર્યું અને મરણાંતિક સંલેખનાથી દેહત્યાગ કરી બારમા સ્વર્ગમાં સિધાવ્યા. ત્રિશલામાતા એ કોઈ સામાન્ય પુત્રની જનની નહીં, બલકે ત્રિકાળદર્શી, દીર્ઘ તપસ્વી, અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરને જન્મ આપનારી જનની છે, જે પ્રભુ મહાવીરની સેવા કરવા માટે ખુદ ઇન્દ્રરાજ સદૈવ આતુર રહેતા હતા. આથી એમના મહિમાનો કોઈ પાર નથી.
ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી શ્રી અમૃતલાલ પોપટલાલ મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ
Jain Education International
FOR
& Personal use only
www.jainelibrary.org