________________
૮૧. શેઠ મોતીશા
જૈન ધર્મની એક આગવી વિશેષતા તે ખોડાં બની ગયેલાં અબોલ પ્રાણીને માટે પાંજરાપોળ કરવાની છે. જીવદયાના આ ધર્મમાં અબોલ પ્રાણીની વેદના જાણવામાં, સમજવામાં અને તેને નિવારવામાં આવી છે. પાંજરાપોળ સંસ્થાને જોતાં આપોઆપ મોતીશા શેઠના જીવનની મહત્તાનું સ્મરણ જાગે છે.
ખંભાતના શેઠ અમીચંદના પુત્ર મોતીચંદનો જન્મ વિ. સં. ૧૮૭૮માં થયો. મોતીચંદ શેઠે એમની કુશાગ્ર બુદ્ધિ, વેપારી સાહસ અને ગણતરીભરી દીર્ઘદ્રષ્ટિથી બાહોશ વેપારી અને હોશિયાર દલાલ તરીકે ધંધાનો વિકાસ સાધ્યો. પિતાનું દેવું ચૂકવવાની કાયદાકીય જવાબદારી નહોતી છતાં પાઈએ પાઈનું દેવું ચૂકવ્યું. માત્ર પાંચ વર્ષના વેપારમાં તો તેઓ લખપતિ બની ગયા. દરિયાઈ સફરની સુગમતા માટે પાંચસોથી છસો ટનનાં ત્રણ વાહનો ખરીદી લીધાં. મોતીશા શેઠ જે કોઈ કાર્ય કરવાનું નક્કી કરે, તેને સિદ્ધ કરવા રાત-દિવસ પુરુષાર્થ કરતા. એક દાયકામાં તો તેમણે ચાલીસ વહાણોનો દેશદેશાવર ખેડતો મોટો કાફલો મહાસાગરમાં વહેતો મૂકી દીધો. બહેરીનથી ચીન સુધી એમનો વેપાર ચાલતો હતો. વહાણવટાના ક્ષેત્રનો અંગ્રેજોનો ઇજારો તોડનાર પહેલા હિન્દી મોતીશા શેઠ મહાસાગરના મહારથી બન્યા. ભારતનાં બંદરો ઉપરાંત અરબસ્તાન, જાવા, સુમાત્રા, ચીન, લંકા વગેરે દેશોમાં તેમનું નામ મશહૂર હતું. સંપત્તિપ્રાપ્તિની સાથોસાથ સખાવતોની દાનગંગા વહેવા લાગી. મુંબઈમાં કૂતરાઓની ક્રૂર રીતે હત્યા થતી હતી. અંગ્રેજોના બહેરા કાનને કૂતરાઓની દયામણી ચીસો સંભળાતી નહોતી. ઠેકઠેકાણે કૂતરાઓના શબના ઢગ ખડકાયા. આ સમયે મોતીશા શેઠે ગવર્નરને મળીને આ નિર્દયતા દૂર કરી. બીજી બાજુ એમણે વિચાર્યું કે આવા અપંગ અને રખડતા ઢોરોના યોગ્ય પાલન માટે પાંજરાપોળની જરૂર છે. સંઘમાં સર્વસામાન્ય એવા મોતીશા શેઠે પાંજરાપોળ સંસ્થાનો પાયો નાખ્યો. હિન્દુઓ, પારસીઓ અને વહોરા કોમે સાથ આપ્યો. કૂતરાઓની હત્યામાંથી પાંજરાપોળનો વિચાર જાગ્યો, પણ એમાં ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઉંદર, કબૂતર વગેરે જીવો માટે પણ વ્યવસ્થા થઈ.
મોતીશા શેઠ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા વારંવાર જતા. વેપારની સફળતામાં આને કારણભૂત માનતા. મુંબઈના લોકોને શત્રુંજય તીર્થની યાત્રાનો લાભ મળે, તે માટે ભાયખલામાં વિશાળ જગા લઈને વિ. સં. ૧૮૮૫માં આદીશ્વર ભગવાનનું દેરાસર બંધાવ્યું અને રાયણપગલાં, સૂરજકુંડ વગેરે કરાવીને શત્રુંજયની આદીશ્વરની ટૂંક જેવી રચના કરાવી. મોતીશા શેઠનો લાખોનો માલ લઈને એક વહાણ ચીનની સફરે ગયું હતું. શેઠને એ ફિકર હતી કે જો વહાણના માલને કંઈ થશે તો મોટી આપત્તિ આવશે. પોતાની ચિંતા એમણે પરમાત્માને સોંપી દીધી. વહાણ પાછું આવે તો તેમાંથી મળનારા નફાની રકમથી શ્રી શત્રુંજય મહાતીર્થ પર દેવવિમાન જેવું ભવ્ય પ્રાસાદ રચવાનો મહાસંકલ્પ કર્યો. સદ્ભાગ્યે વહાણ પાછું આવ્યું અને મોતીશા શેઠે શ્રી શત્રુંજય તીર્થ પર જિનાલયો રચવા માટે મહુવાના કુશળ સ્થપતિ રામજી સૂત્રધારને બોલાવ્યો. એણે શત્રુંજય પર્વતની બે પાંખ વચ્ચેની ખીણનો બસો ફૂટ જેટલો ઊંડો ખાડો પસંદ કર્યો. એમાં કુંતાસર તળાવ પણ હતું. આવી જગાએ જિનાલયોનું નિર્માણ કરવું કઈ રીતે ? પરંતુ મોતીશા શેઠ મહાત થવામાં માનતા નહોતા. એમણે આ ભગીરથ કામ શરૂ કરાવ્યું. મકરાણાથી સફેદ આરસ મંગાવ્યા અને ત્રણ વર્ષમાં પાતાળપાયા પુરાઈને વિશાળ મેદાન તૈયાર થયું. વિ. સં. ૧૮૮૮માં સમૂળગો વરસાદ ન પડ્યો ત્યારે એક હાંડાના ચાર આના ઠરાવી શત્રુંજય નદીમાંથી પાણી મંગાવ્યું. ૧૧૦૦ કારીગર અને ૩૦૦૦ મજૂરો કામે લાગ્યા. એંસી હજાર રૂપિયાનાં દોરડાં વપરાયાં. વર્ષ ૫૨ વર્ષ વીતવા લાગ્યાં. મુંબઈના શાહસોદાગર મોતીશાહ ત્રણ શિખર, ત્રણ ગભારા અને ત્રણ મજલાના દેવિમાન જેવા મુખ્ય દેરાસરરૂપે પોતાની ભાવનાને કંડારાતી જોઈને પ્રસન્ન થતા હતા. મોતીશા શેઠની તબિયત લથડતી હતી. આથી એમણે એક પછી એક કામ આટોપવાનું શરૂ કર્યું. પ્રતિષ્ઠાનું મુહૂર્ત દૂર હતું. વિ. સં. ૧૮૯૨ના ભાદરવા સુદ એકમના રોજ ૫૪ વર્ષની ઉંમરે મોતીશા શેઠ દેહમુક્ત થયા. પર્યુષણ પર્વના એ પવિત્ર દિવસો હતા. મહાવીર જન્મવાચન ચાલતું હતું અને આ સાહસિક શેઠનું પ્રાણપંખેરું દેહનો માળો છોડી ગયું. શેઠનાં પત્ની દિવાળીબાઈએ મોતીશા શેઠની એ ભાવના પૂર્ણ કરી. પાલીતાણામાં ૮૬૦૦૦ના ખર્ચે વિશાળ ધર્મશાળા બંધાવી. એનું મહત્ત્વ એટલું કે શત્રુંજયની યાત્રાએ જે કોઈ સંઘ આવે તેના સંઘપતિને પ્રવેશતિલક શેઠ મોતીશાહના નામથી કરાય છે.
ધર્મસ્નેહસૌજન્ય
Jain Education International
પૂ. મુનિ શ્રી સંવેગચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી ચિ. સમીર ભરતભાઈ, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ.
www.jainellbrary.org