________________
૭૫. કાભઈ બારોટ ગુજરાતની ધરતી પર સુલતાન મહમ્મદ બેગડાનું શાસન ચાલતું હતું. માત્ર તેર વર્ષની વયે ગાદી પર બેઠેલા મહમ્મદ બેગડાએ એક પછી એક રાજ્યો જીતવા માંડ્યાં અને પરાજિત રાજા અને પ્રજાને ઇસ્લામ ધર્મ સ્વીકારવા ફરજ પાડવા માંડી. ઇસ્લામ ધર્મનો અંગીકાર કરવાનો ઇન્કાર કરનારાઓનો એણે ક્રૂર રીતે વધ કર્યો. મહમ્મદ બેગડાએ ઈ.સ. ૧૪૬૭ થી ૧૪૬૯ સુધી જૂનાગઢ પર ત્રણ વાર હુમલાઓ કર્યા અને ઈ.સ. ૧૪૭૦માં જૂનાગઢના રાજા રા'માંડલિકને પરાજિત કર્યો અને એને ઇસ્લામ ધર્મ સ્વીકારવાની ફરજ પાડી. ઈ.સ. ૧૪૮૩-૮૪માં પાવાગઢના રાજવી જયસિંહ રાવળ પર એણે આક્રમણ કર્યું અને રાજાના મક્કમ મુકાબલા છતાં અંતે મહમ્મદ બેગડાએ પાવાગઢનો કિલ્લો જીતી લીધો. એ પછી મહમ્મદ બેગડાની નજર શ્રી તીર્થાધિરાજ શત્રુંજય પર પડી. એક પછી એક વિજયો મેળવનારા વિજેતા બેગડાનું ગુમાન આસમાને પહોંચ્યું હતું.
સુલતાન મહમ્મદ બેગડાની વર્ષોની મુરાદ હતી કે એને હાથે શ્રી શત્રુંજય મહાતીર્થનો વિધ્વંસ થાય. વિશાળ લશ્કર સાથે મહમ્મદ બેગડો ચડી આવ્યો. પર્વતની આસપાસ “મારો”, “કાપો”ના અવાજો ગાજવા લાગ્યા. સુલતાન મહમ્મદે માન્યું હતું કે પળવારમાં એ શ્રી શત્રુંજય તીર્થ પર વિજય મેળવશે અને આ તીર્થનાં ભવ્ય મંદિરોને ખંડિત કરી નાખશે. આજ સુધી મહમ્મદ બેગડાની આગેકૂચને કોઈ થંભાવી શક્યું નહોતું. એમાં પણ શ્રી શત્રુંજય તીર્થ પર હલ્લો થાય તો કોઈ પ્રતિકાર કરનાર નહોતું. આવે સમયે શત્રુંજય તીર્થની રક્ષા માટે એકસો બારોટો મોતને મુઠ્ઠીમાં લઈને નીકળ્યા. વિરાટ અને શસ્ત્રોથી સુસજ્જ સૈન્ય સામે આ સો બારોટો શું કરી શકે ? આ બારોટોએ તીર્થરક્ષા કાજે આત્મસમર્પણ કરવાનો નિર્ધાર કર્યો હતો. | મહમ્મદ બેગડાએ પોતાના સૈન્યને શ્રી શત્રુંજય મહાતીર્થ પર આગેકૂચ કરવાનો હુકમ આપ્યો ત્યારે એકસો બારોટ એના વિજયમાર્ગની વચ્ચે અડીખમ ઊભા રહ્યા. આવા પવિત્ર ધામની રક્ષા માટે નીકળેલા બારોટો વિરોધીઓની વિશાળ સંખ્યાનો વિચાર નહોતા કરતા. માત્ર પાવન તીર્થાધિરાજ માટેની ભાવના જ એમના અંતરમાં ગુંજતી હતી. આગેકૂચ કરતાં સુલતાન બેગડાના લકરને અટકાવતાં વૃદ્ધ અને અનુભવી કાભઈ બારોટે ગર્જના કરી,
અરે સુલતાન ! જ્યાં ઊભો છે ત્યાં જ ઊભો રહેજે ! અમારા શરીરમાં લોહીનું આખરી બુંદ હશે ત્યાં સુધી અમે તને ફાવવા દઈશું નહિ. જગપ્રસિદ્ધ શત્રુંજયની દેવનગરી તારી તલવારોથી નષ્ટ થવા માટે જેનોએ બનાવી નથી. આ તો જૈન ધર્મની શ્રદ્ધા, ત્યાગ અને મૂલ્યોની ગંગોત્રી છે. માટે પાછો હટી જા !”
સુલતાન મહમ્મદ બેગડાએ ખડખડાટ હાસ્ય કરતાં કહ્યું, “અરે ! તમે એકસો બારોટો અમને પીછેકુચ કરવાનું કહો છો ? કીડીની અને હાથીની તાકાતનો કોઈ ભેદ તો સમજો. ક્યાં દરિયા જેવી મારી વિશાળ શસ્ત્રસજ્જ સેના અને ક્યાં તમે શસ્ત્રવિહોણા બારોટો ? માખીને મસળી નાખું એ રીતે તમને પળવારમાં મસળી નાખીશ.”
વૃદ્ધ કાભઈ બારોટનો જુસ્સાભર્યો અવાજ શ્રી શત્રુંજય મહાતીર્થના ગિરિરાજ પર પડઘા પાડતો હતો. એણે કહ્યું, સુલતાન ! પાછો હટી જા ! જો યુદ્ધ કરીશ તો અમારા લોહીથી આ ધરતી રક્તવર્ણી બની જશે. તારી કુચ આગે ચલાવવા માટે તારે સો-સો મૃતદેહો પરથી આગળ વધવું પડશે.” | ગુમાની સુલતાને લશ્કરને આગળ વધવાનો હુકમ આપ્યો. આ સમયે કાભઈ બારોટે ભેટમાં ખોસેલી કટાર કાઢીને છાતીમાં ખૂપાવી દીધી. આવું આત્મબલિદાન જોઈને સહુના મુખમાંથી વેદનાભરી આહ નીકળી ગઈ. - આ જોઈને બારોટોએ ‘જય આદિનાથ'ના પોકારો કર્યા. એક પછી એક બારોટોએ આ આત્મસમર્પણની વેદી પર સામે ચાલીને હસતે મુખે પ્રાણ આપ્યા. કોઈએ શરીર પર ઊકળતું તેલ રેડીને અગ્નિસમર્પણ કર્યું. આ દ્રશ્યો જોઈને ક્રુર મહમ્મદ બેગડાની આંખોમાં આંસુ આવી ગયાં. એનું આખું લશ્કર કંપારી અનુભવવા લાગ્યું.
| એણે એક હાથ ઉઠાવીને કહ્યું, “અરે બારોટો, તમારી સામે મહમ્મદ બેગડો પરાજિત થયો છે. એનું વિશાળ લશ્કર નિષ્ફળ ગયું છે. આ મહમ્મદે યુદ્ધના મેદાન પર ઘણી વીરતા બતાવી છે, પણ આત્મસમર્પણના સમરાંગણમાં આવું શૌર્ય કદી જોયું નથી.” લજ્જા પામેલો સુલતાન મહમ્મદ બેગડો પાછો વળી ગયો.
- ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. મુનિ શ્રી શ્રમણચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી
કનકબહેન રમણલાલ પરિવાર, અમદાવાદ
Jain Education
www.jainelibrary.org