________________
૭૪. મહાસિંહ
વ્રતપાલનની દૃઢતા અને પ્રતિક્રમણની પાવન શક્તિ દર્શાવતું મહણસિંહનું ચરિત્ર ધર્મ દ્વારા આ ભવ અને પરભવમાં થતા કલ્યાણની ઓળખ આપે છે. દિલ્હીના ધર્મપરાયણ મહણસિંહની સત્યવાદી તરીકે સર્વત્ર ખ્યાતિ વ્યાપેલી હતી. એ આચાર્ય દેવસુંદરસૂરિ અને આચાર્ય સોમસુંદરસૂરિનો ભક્ત શ્રાવક હતો. એક વખત એણે છ દર્શનો અને ચોર્યાસી ગચ્છોના સર્વ સાધુસંન્યાસીઓને નિમંત્રિત કર્યા હતા. ચોર્યાસી હજાર ટકા ખર્ચીને સહુનું અભિવાદન કર્યું હતું. આ મંગલ પ્રસંગે પંન્યાસ દેવમંગલગણિ મહોત્સવના બીજા દિવસે દિલ્હી પહોંચી શક્યા, ત્યારે એ દિવસે પણ મહણસિંહે નગરપ્રવેશ મહોત્સવ અને લઘુ સંઘપૂજા કરી. આ ધર્મકાર્યમાં એણે છપ્પન હજાર ટકા ખર્ચ્યા.
છ દર્શનોના પોષક મહણસિંહની દાનગંગા ધર્મને માર્ગે અવિરત વહેતી હતી. આ જોઈને કોઈ દ્વેષીએ દિલ્હીના બાદશાહ ફિરોજશાહ તુઘલકના કાન ભંભેર્યા કે મહણસિંહ પાસે તો લાખો રૂપિયાની વિપુલ ધનરાશિ છે. કોઈ ને કોઈ રીતે એને દંડ કરીને આટલું ધન પડાવી લો !
બાદશાહ ફિરોજશાહે મહણસિંહને હાજર થવા હુકમ કર્યો. એમણે મહણસિંહને પૂછ્યું, “તમારી પાસે કેટલું ધન છે?” શ્રાવક મહણસિંહે નમ્રતાથી ઉત્તર આપ્યો, “જહાંપનાહ, મારે ગણતરી કરવી પડશે. આવતી કાલે સઘળું ધન ગણીને આપને જણાવીશ.”
પોતાની સંપત્તિની ગણતરી કરીને બાદશાહ ફિરોજશાહ પાસે આવેલા મહણસિંહે કહ્યું, “મારી પાસે ચોર્યાસી લાખનું જૂનું નાણું છે.”
બાદશાહ મહણસિંહની આવી સચ્ચાઈથી ખુશખુશાલ થઈ ગયા. એણે એક પાઈ પણ છુપાવી નહોતી ! બાદશાહે મહણસિંહને સોળ લાખ નાણાં રાજભંડારમાંથી આપીને એને કરોડપતિ બનાવ્યો. મહણસિંહ તરફ દ્વેષ અનુભવતા બાદશાહના મનમાં આદરનો સાગર ઊમટ્યો. પોતાના રાજમાં કરોડપતિ વસે છે, એનું ગૌરવ બાદશાહને લેવું હતું ! બાદશાહે પોતાના હાથે એની હવેલી પર ‘કોટિધ્વજ' ફરકતો કર્યો. પૂજ્ય મુનિવરોનું અને તેના પરિવારનું સન્માન કર્યું.
એક વાર બાદશાહને બહારગામ જવાનું થયું ત્યારે પોતાના રસાલામાં શ્રાવક મહણસિંહને સાથે લીધા. રસ્તામાં સૂર્યાસ્ત થવામાં થોડો સમય બાકી હતો તેથી મહણસિંહ પોતાના ઘોડાને એક બાજુ તારવી લઈને પ્રતિક્રમણ કરવા લાગ્યા.
બીજી બાજુ બાદશાહ બીજા ગામ પહોંચ્યા, ત્યારે મહણસિંહને જોયા નહીં. એમની શોધ કરવા ચારેબાજુ સૈનિકોને મોકલ્યા. મહણસિંહને શું થયું હશે, એની પારાવાર ચિંતા થવા લાગી. એટલામાં મહણસિંહ પોતાના ઘોડા પર આવી પહોંચ્યા. બાદશાહે હકીકત જાણી, ત્યારે કહ્યું, “આવી રીતે જંગલમાં તમે એકલા બેસો, તેનાથી જાનનું કેટલું જોખમ થાય તેનો તમને અંદાજ નથી. આપણા શત્રુઓનો પાર નથી અને તે વેર લેવા ચારે બાજુ ભમે છે. તમને પકડીને મારી નાખે તો શું થાય ? તમારે ભવિષ્યમાં આવું સાહસ કરવું નહીં.”
મહણસિંહે કહ્યું, “જીવન ધર્મ માટે છે. ધર્મ કરતાં મૃત્યુ આવે તો તેય આવકાર્ય છે. જંગલ હોય કે સ્મશાન, મકાન હોય કે મેદાન - સૂર્યાસ્ત સમયે હું અવશ્ય પ્રતિક્રમણ કરું છું.”
મહણસિંહની ધર્મનિષ્ઠાથી ખુશ થયેલા બાદશાહે હુકમ કર્યો કે મહણસિંહ પ્રતિક્રમણ ક૨વા બેસે ત્યારે એકસો સૈનિકોએ એમનું રક્ષણ કરવું. એક વાર બાદશાહે મહણસિંહના નિયમની દૃઢતાની કસોટી કરવા માટે એને હાથે-પગે બેડીઓ પહેરાવીને અંધારિયા કેદખાનામાં પૂરી દીધા. બાદશાહને જોવું હતું કે હવે મહણસિંહ કરે છે શું ? કઈ રીતે પાળે છે એનો નિયમ ? મહણસિંહે કેદખાનાના રક્ષકને કહ્યું કે પ્રતિક્રમણના સમય પૂરતું જો એ બેડી કાઢી નાખે તો એને રોજ બે સોનામહોર આપશે. આમ મહણસિંહનું પ્રતિક્રમણ પ્રતિકૂળતા વિના થવા લાગ્યું. બાદશાહને આની જાણ થઈ, ત્યારે તેઓ મહણસિંહની નિષ્ઠા અને શ્રદ્ધાથી પ્રભાવિત થયા અને મહણસિંહને રાજ્યના કોષાધ્યક્ષ બનાવ્યા.
Jain Education Internat
ધર્મસ્નેહસૌજન્ય
પ. પૂ. મુનિ શ્રી રાજચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી શ્રી મિશ્રીમલજી દુધાજી સંઘવી પરિવાર, અમદાવાદ
wwwalkhellbrary.org