________________
૭૨. ભીમજી સંપતિ ભીમજી સંઘપતિનું જીવન એટલે સત્યપાલનની આકરી અગ્નિપરીક્ષામાં પસાર થનારા સાધકનું જીવન. રાજા હરિશ્ચંદ્ર જેવી સત્યપાલનની અને સત્યને માટે આત્મસમર્પણ કરનારની આ એક મહાકથા છે. ખંભાતના કુશળ વેપારી એવા ભીમજી સંઘપતિ ધનાઢ્ય શ્રેષ્ઠી હતા. તપાગચ્છના આચાર્ય દેવેન્દ્રસૂરિ માળવાથી વિહાર કરીને ગુજરાતમાં પધાર્યા, ત્યારે એક દિવસ ભીમજીએ આચાર્ય મહારાજને વિનંતી કરી કે કંઈક એવી પ્રતિજ્ઞા આપો કે જેથી મારો જલદી ભવનિસ્તાર થાય.
' આ સાંભળીને આચાર્ય દેવેન્દ્રસૂરિએ કહ્યું, “જુઓ, સદાય સત્ય બોલવું એવી પ્રતિજ્ઞા લઈને તેનું યોગ્ય પાલન કરશો, તો તમારું જલદી કલ્યાણ થઈ જશે.”
સંઘપતિ ભીમજીએ નતમસ્તકે વંદના કરી ગુરુની આજ્ઞા માથે ચડાવી અને પ્રતિજ્ઞા કરી કે હવે હું ક્યારેય અસત્ય બોલીશ નહીં. ગમે તેવી કપરી પરિસ્થિતિ હશે તો પણ સત્યપાલન કરીશ.
- થોડા જ સમયમાં આ પ્રતિજ્ઞાની આકરી કસોટી થઈ. મહી નદીના કાંઠે વસતા અને લૂંટ કરતા એક પલ્લીપતિ ભીલે ભીમજીને આંતરીને પકડી લીધા અને પછી પૂછયું, “બોલ, તારા ઘરમાં કેટલું ધન છે ?”
સત્યવક્તા ભીમજીએ કહ્યું, “ઘરમાં ઘરખર્ચ માટે ચાર હજાર રૂપિયા રાખેલા છે.”
પલ્લીપતિ ભીલે ભીમજીને ગુપ્ત સ્થાનમાં સંતાડી દીધા અને એમના પુત્રને સંદેશો મોકલ્યો કે તમારા પિતાને અમે કેદ કર્યા છે. છોડાવવા હોય તો ચાર હજાર રૂપિયા આપી જાવ.
ભીમજીના પુત્રએ બનાવટી સિક્કા લાવીને ભીલને આપ્યા, આ સિક્કા જોઈને ભીલને શંકા ગઈ, એ સાચા છે કે ખોટા તેનું પારખું કરવાનો વિચાર કર્યો. ભીલ જાણતો હતો કે ભીમજી સોની હંમેશાં સાચું બોલે છે, તો એની પાસે જ ખાતરી કરાવું. ભીમજી સોનીએ પુત્રએ આપેલા સિક્કા જોતાં જ કહ્યું, “આ સિક્કા તો તદ્દન બનાવટી અને નકલી છે. સાવ ખોટા છે.”
| ભીમજીની આ વાત સાંભળીને ભીલ વિચારમાં પડી ગયો. એને થયું કે આ તે કેવો સત્યવક્તા ! પોતે બાનમાં છે અને એમનો પુત્ર રૂપિયા આપે તો જ જીવતો પાછો જઈ શકે તેમ છે, તેમ છતાં સચ્ચાઈ એટલી કે પોતાના દીકરાને જૂઠો કહ્યો ! રૂપિયાને નકલી કહ્યા ! લૂંટારા ભીલને થયું કે ભીમજી ખરો સત્યવાદી છે. એના ક્રૂર હૃદયને ભીમજીના સત્યની આંચ અડી. આવા ધર્મનિષ્ઠ સત્યપ્રિય માનવીને સતાવવાથી તો પ્રભુ ખૂબ નારાજ થાય.
આમ વિચારી ભીલે ભીમજીને છોડી મૂક્યા, એટલું જ નહીં પણ તેને પોતાના ગામમાં કામદાર બનાવ્યા.
વિ. સં. ૧૩૨૭માં આચાર્ય દેવેન્દ્રસૂરિનો માળવામાં સ્વર્ગવાસ થયો. એ પછી છ મહિના બાદ એમના પટ્ટધર વિદ્યાનંદસૂરિનો વિજાપુરમાં સ્વર્ગવાસ થયો. ભીમજી આચાર્ય દેવેન્દ્રસૂરિના અનન્ય ભક્ત હતા. આ ગુરુદેવોના સ્વર્ગગમનના શોકથી એણે બાર વર્ષ સુધી મોંમાં અન્નનો એક દાણો લીધો નહીં. | જિનશાસનની એક મહત્તા એ એની બ્રહ્મચર્યની ભાવના છે. પ્રભુ મહાવીર પૂર્વે અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ ચતુર્વિધ વ્રત હતા એમાં ભગવાન મહાવીરે પાંચમું બ્રહ્મચર્ય વ્રત ઉમેર્યું અને એ વ્રતથી નારીને સ્વતંત્ર સ્થાન મળ્યું અને જીવનમાં સંયમનો પ્રભાવ વધ્યો. આથી સંઘપતિ ભીમજીએ ભારતમાં જે ચતુર્ઘતધારી સ્ત્રી-પુરુષો હોય તેને એક રેશમી સાડી અને પાંચ હીરાગત વસ્ત્રોની લહાણી કરી. ભીમજી શેઠના મહેતાજી ગામેગામ ફરીને આની લહાણી કરતા હતા. એમની આજ્ઞાથી મહેતાજીએ માંડવગઢના મંત્રી પેથડશાહ અને એમની પત્ની પદ્મિનીને આ લહાણી આપી. આ લહાણીનો મૂળ ઉદ્દેશ જાણીને બત્રીસ વર્ષના પેથડશા અને એમનાં પત્નીએ સજોડે બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું અને આ વસ્ત્રો પહેરીને ભાવથી જિનપૂજા કરી. અડગ સત્યનિષ્ઠા, ઉત્કૃષ્ટ ગુરુભક્તિ અને ચતુર્થવ્રતના અનુમોદનની પ્રબળ ભાવનાને કારણે આજે પણ ભીમજી સંઘપતિનું સ્મરણ કરાય છે.
ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. પંન્યાસ શ્રી સ્થૂલભદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી સ્વ. પદ્માબહેન ચંદ્રકાંતભાઈ શાહના આત્મશ્રેયાર્થે; ચંદ્રકાંતભાઈ કાંતિલાલ શાહ પરિવાર, અમદાવાદ
Jain Education Internet
www.jainelibrary.org