________________
૭૦. સવા-સોમા સૌરાષ્ટ્રના સવચંદ શેઠનો વેપાર ધમધોકાર ચાલતો હતો. જમીન પર હજારોની પોઠો ચાલે અને દરિયા પર માલ ભરેલાં વહાણો ચાલે, દિલ્હી, આગ્રા અને અમદાવાદના બજારમાં એમની પ્રતિષ્ઠા એટલી ઊંચી કે સવચંદ શેઠની હૂંડી ક્યાંયથી પાછી ફરે નહીં.
દરિયામાં ભરતી-ઓટ આવે એમ માણસની જિંદગીમાં પણ ચડતી-પડતી આવે. એક વાર દરિયાઈ માર્ગે ગયેલાં સવચંદ શેઠનાં બારે વહાણ દરિયામાં ગુમ થયાં, એક-એક વહાણમાં લાખોના હિસાબે માલ ભર્યો હતો. દિવસો પર દિવસો વીતતા જતા હતા, પણ વહાણના કાફલાની કોઈ ભાળ મળતી નહોતી. નક્કી રત્નાકર સાગર એને ગળી ગયો હશે !
સવચંદ શેઠ જોતજોતામાં ખાલીખમ થઈ ગયા. ઘરમાંથી વાલની વાળી સુધ્ધાં આપી દીધી, પણ આભ ફાટયું હતું ત્યાં થીંગડું દીધું ચાલે એમ નહોતું. | નજીકના ગામના ઠાકોરની રકમ શેઠને ત્યાં હતી. એણે આવીને ઉઘરાણી કરવા માંડી. સવચંદ શેઠે થોડીઘણી રકમ મેળવવા મહેનત કરી પણ ફાવ્યા નહીં. દુનિયામાં પડતાંને પાડનાર લાખ માનવી છે, પડતાંને ઊભા કરનાર કોઈ વિરલા જ હોય છે. શેઠે ઉઘરાણી મેળવવા કે ઉછીનું મેળવવા પ્રયાસ કર્યો, પણ ખાલી હાથે પાછા ફર્યા ! છેવટે નરસિંહ મહેતાએ શામળશા શેઠ ઉપર લખી હતી એવી હૂંડી વણથલીના શેઠ સવચંદ જેરાજે અમદાવાદના શેઠ સોમચંદ અમીચંદ પર લખી અને લખ્યું કે આ ચિઠ્ઠી લઈને આવનાર ઠાકોર સૂરજમલજી સતાવતને હૂંડી દેખાડે એટલે એક લાખ રોકડા રૂપિયા આપશો.
સવચંદ શેઠને સોમચંદ શેઠની કોઈ પહેચાન નહોતી કે પૈસાની કોઈ લેવડદેવડ ક્યારેય કરી નહોતી. આ લાખની હૂંડી કેમ સ્વીકારાશે એ વિચારમાં શેઠની આંખમાંથી બે આંસુ ટપકીને કાગળ પર પડ્યાં. ખેર ! બીજું કરે પણ શું ? પ્રભુનું નામ લઈ હૂંડી ઠાકોરના હાથમાં મૂકી. અમદાવાદના ઝવેરીવાડમાં ધનાઢ્ય સોમચંદ શેઠ રહેતા હતા. સોમચંદ શેઠે હૂંડી વાંચી. એમણે હૈયાપાટી પર સવચંદ શેઠનું ખાતું યાદ કર્યું, પણ કશું યાદ ન આવ્યું. મુનીમને તપાસ કરવા કહ્યું. મુનીમે ચોપડા ઉખેળ્યા, પણ
ક્યાંય આ નામઠામ ન મળે. સોમચંદ શેઠે ઠાકોરને કહ્યું કે અમારે ત્યાં મોટી રકમની હૂંડી ત્રણ દિવસે સ્વીકારાય છે, માટે ત્રણ દિવસ તમે અમારા મહેમાન બનીને રહો. સોમચંદ શેઠનો વૈભવ જોઈને અંજાઈ ગયેલા ઠાકોર ત્રણ દિવસ રોકાયા. શેઠે ફરી નિરાંતે ચોપડા જોયા. એમાંય સવચંદ શેઠનું કોઈ ખાતું નીકળ્યું નહી', ફરી હૂંડી મંગાવીને ધ્યાનથી જોયું તો એમની નજર હૂંડી પર પડેલાં બે બિંદુ પર ગઈ. નક્કી, કોઈ લાખેણા પુરુષનાં આ આંસુ લાગે છે ! એણે મારે ભરોસે હૂંડી લખી લાગે છે. લક્ષ્મીનો પોતાનો સાધર્મિક માટે ઉપયોગ કરવાની સોનેરી તક સામે ચાલીને મળી છે ! માણસ માણસના કામમાં ન આવે તો માનવદેહ મળ્યો ન મળ્યો સરખો ગણાય. શેઠે મુનીમને કહ્યું કે ઠાકોરને લાખ રૂપિયા ચૂકવી આપો. મુનીમે કહ્યું કે સવચંદ શેઠનું ખાતું નથી તો લાખ રૂપિયા કયા ખાતે લખીને આપું ? શેઠે કહ્યું કે ખર્ચ ખાતે લખીને આપો.
અંધકારમાંથી સોનાનો સૂરજ ઊગે એમ સવચંદ શેઠનાં બારે વહાણ પાછાં આવ્યાં. ઠાકોરને લઈને વણથલીના સવચંદ શેઠ અમદાવાદમાં સોમચંદ શેઠને ત્યાં આવ્યા. શેઠ પેઢી પર બેઠા હતા. સવચંદ શેઠે દોડીને પોતાની પાઘડી એમના ખોળામાં મૂકતાં કહ્યું, “શેઠ, મને મરેલાને તમે જિવાડ્યો. તમે મારી આંટ રાખી. આ ચામડીથી તમારા જોડા સિવડાવું તોય ઓછા છે. તમારું નાણું લઈ લો.”
સવચંદ શેઠે થેલીઓ પર થેલીઓ ઉતારવા માંડી. ત્રણ લાખ રૂપિયા મૂક્યા. સોમચંદ શેઠે કહે, “અમે તો લાખ આપ્યા હતા. વ્યાજ મેળવીએ તોય બહુ બહુ તો સવા લાખ થાય.” વાત વિવાદે ચડી. સોમચંદ શેઠ કે સવચંદ શેઠ એકે માને નહીં. ગામનું મહાજન એકઠું થયું. નક્કી થયું કે આ સંપત્તિમાંથી સંઘ કાઢવો. ભાવથી તીર્થયાત્રા કરવી. રસ્તે દાન દેવું. દુ:ખિયાનાં દુઃખ દૂર કરવાં. આખો સંઘ નીકળ્યો અને શ્રી શત્રુંજય તીર્થ પર પહોચ્યો. ત્યાં જઈ બાકીના દ્રવ્યથી દેરાસરો બાંધ્યાં. આજે સવા-સોમાની ટૂંકના જિનાલયો જોઈને અંતર બોલી ઊઠે છે : “રંગ છે સવા-સોમાને ! દુનિયામાં રાખ-રખાપત હજો તો આવી હજો, માણસાઈ મળો તો આવી મળજો. લક્ષ્મી મળો તો આવાને મળજો.”
ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સમક્તિચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી અશોકભાઈ લાલભાઈ વકીલ પરિવાર, અમદાવાદ
Jain Education e
www.jainelibrary.org