________________
૬૯. કુંડલિયો શ્રાવક
ઘીના કુંડલા (ગાડવા) વેચતા એ શ્રાવકને સહુ કુંડલિયો કહેતા હતા. ઘી વેચવાનો વ્યવસાય કરતો આ શ્રાવક ધર્મદર્શનનો ઊંડો જાણકાર હતો.
એક વાર નગરમાં ઘી વેચવા નીકળેલા કુંડલિયાએ જોયું તો રાજમાર્ગ પરથી પાલખીમાં બિરાજમાન થઈને આચાર્યશ્રી રત્નાકરસૂરિજી રાજમહેલ ભણી જતા હતા. પાલખીની સાથે અનેક વિદ્વાનો પગપાળા ચાલતા હતા. આગળ શસ્ત્રધારી સૈનિકો અને પાછળ નામાંકિત રાજસેવકો હતા. સહુ કોઈ ઊંચા અવાજે જોર-જોરથી આચાર્યશ્રીનો જય પોકારતા હતા. કેટલાક આચાર્યશ્રીની દૃષ્ટિ પડે અને તેને પરિણામે રાજકૃપા સાંપડે તે માટે ધક્કામુક્કી કરી એમની પાલખીની પાસે આવતા હતા.
કુંડલિયો શ્રાવક આ જોઈને વિચારમાં પડ્યો. એ જાણતો હતો કે આચાર્ય રત્નાકરસૂરિજી ધર્મસિદ્ધાંત, દર્શનશાસ્ત્ર, ન્યાય-વ્યાકરણ, સાહિત્ય, છંદ વગેરે અનેક વિદ્યાઓમાં પારંગત હતા. સકલ શાસ્ત્રમાં નિપુણ અને સ્વ-પર શાસ્ત્રના રહસ્યના પારગામી હતા. રાજા અને પ્રજા સર્વેએ એમના પ્રત્યે માન-સન્માન દાખવવા માટે રાજસભામાં પગે ચાલીને વિહાર કરવાને બદલે પાલખીમાં બિરાજીને આવવાની આગ્રહભરી વિનંતી કરી. એ પછી ક્રમશઃ આચાર્યશ્રી રત્નાકરસૂરિજીના ચારિત્ર્યગુણમાં શિથિલતા આવતાં ઓટ આવવા માંડી. એક ભૂલ એકસો ભૂલ સર્જે. સમય જતાં રાજા અને સામંત જેવો સ્વાદિષ્ટ, મિષ્ટ આહાર અને ઉત્તમ કીમતી વસ્ત્રો વાપરવા લાગ્યા. વખત જતાં મોતી-માણેકની ભેટ પણ સ્વીકારવા લાગ્યા.
કુંડલિયા શ્રાવકે આચાર્યશ્રીને વિધિપૂર્વક વંદન કર્યાં. રત્નાકરસૂરિજીના વ્યાખ્યાનમાં ગયો. વ્યાખ્યાન બાદ ‘ઉપદેશમાલા’ ગ્રંથની ગાથા કહીને અર્થ પૂછ્યો. એણે પૂછ્યું,
दोससयमूलजालं, पुव्वरिसिविवज्जियं जइवंतं ।
अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ।।
[ સેંકડો દોષોને ઉત્પન્ન કરવામાં મૂળ જાળ સમાન, પૂર્વઋષિઓએ ત્યાગેલા, યતિ-મુનિઓએ જેનું વમન કર્યું છે તેવા અને અનર્થ કરનારા એવાં અર્થ(ધન)ને જો વહન કરે અર્થાત્ પાસે રાખે, તો પછી શા માટે નિરર્થક તપ કરે છે ? અર્થાત્ ધનાદિ પરિગ્રહને ગ્રહણ કરનારના તપ-સંયમાદિ નિરર્થક છે.]
અનેકાર્થવાદી આચાર્યશ્રીએ પોતાની પ્રજ્ઞા-પ્રતિભાથી સર્વ પંડિતો માન્ય કરે એવા આ શ્લોકના મૂળ અર્થને બદલે એના અનેક જુદા જુદા અર્થ કરી બતાવ્યા. કુંડલિયા શ્રાવકે નમ્રતાથી કહ્યું, “આચાર્યશ્રી ! આપની પાસે અદ્ભુત અર્થ સાંભળ્યો, પરંતુ આવતી કાલે એનો મૂળ અર્થ વિશેષ પ્રકાશિત કરીને મારા આત્માને કૃતાર્થ કરશો તેવી વિનંતીપૂર્વકની મારી પ્રાર્થના સ્વીકારશો.”
આમ કહી વંદન કરી કુંડલિયો ઘી વેચવા નીકળી ગયો. ફરી બીજે દિવસે આવ્યો. આચાર્યશ્રીએ શબ્દપર્યાયના આધારે શ્લોકની નવીન વ્યાખ્યા કરી. ત્રીજે દિવસે આવ્યો ત્યારે કદી ન સાંભળ્યો હોય તેવો સાવ નવીન અર્થ કર્યો. આમ ગાથાના અર્થની વ્યાખ્યામાં છ મહિના વીતી ગયા.
છ મહિના બાદ કુંડલિયાએ આવીને કહ્યું, “આચાર્યશ્રી ! ઘી વેચીને ઉપાર્જન કરેલું સઘળું નાણું આજે ખલાસ થઈ ગયું છે. એક જરૂરી કામથી મારે મારા ગામ પાછા જવું પડશે. માત્ર એક વાતનો વસવસો રહેશે કે આપના જેવા મહાન અને સમર્થ ગુરુ મહારાજ પાસેથી ગાથાનો મૂળ અર્થ હું સમજી શક્યો નહીં.”
આચાર્યશ્રીએ એને આવતી કાલે ફરી આવવા કહ્યું. તેઓ ખુદ ચિંતનમાં પડ્યા. પછીને દિવસે ગાથાનો યથાર્થ અર્થ કુંડલિયાને સંભળાવ્યો. શ્રાવક કુંડલિયો આનંદિત થતો ઘેર ગયો. શ્રી રત્નાકરસૂરિજી મહારાજનો આત્મા જાગી ગયો. પોતાના પ્રમાદ માટે પારાવાર પશ્ચાત્તાપ થયો. તેની આલોચના કરવા શ્રી શત્રુંજય મહાતીર્થ પર જઈને શ્રી આદીશ્વર ભગવાન સમક્ષ વૈરાગ્ય રસથી ભરપૂર સ્તુતિ કરી, જે સ્તુતિ ‘રત્નાકર પચ્ચીશી' તરીકે ભાવિકોના કંઠે વસી ગઈ.
ધર્મસ્નેહસૌજન્ય
Jain Education International
સ્વ. ચીનુભાઈ ચંદુલાલ શાહ(અગરબત્તીવાળા)ના આત્મશ્રેયાર્થે મંજુલાબહેન ચીનુભાઈ શાહ પરિવાર, અમદાવાદ
www.jainelibrary.org