________________
૬૪. મહામંત્રી શાંતુ ગુજરાતના ઇતિહાસના સુવર્ણકાળ સમા સોલંકી યુગમાં વીર, ધર્મપરાયણ અને માતૃભૂમિ પર અગાધ પ્રેમ રાખનાર મહામાત્ય શાંતુનું તેજસ્વી ચરિત્ર મળે છે. ગુજરાતના રાજવી ભીમદેવના સમયમાં તેઓ પાંચ હજાર ઘોડેસવારો ધરાવતા અશ્વદળના સેનાપતિ થયા. એ પછી રાજ્યના મંત્રી, દંડનાયક અને અંતે મહામાત્યની પદવી મેળવી. વિ. સં. ૧૧૫૦માં રાજા સિદ્ધરાજ પાટણની ગાદીએ બેસતાં એમને આંતરિક અને બાહ્ય બંને પ્રકારના દુશ્મનોનો સામનો કરવાનો આવ્યો. આ સમયે મહામાત્ય શાંતુએ સૈન્ય એકઠું કરીને રાજા સામેનો બળવો ઠારી દીધો. સમય જતાં શાંતુ ભરૂચના દંડનાયક બન્યા.
આ શાંતુએ પાટણમાં ચૈત્ય, થરાદમાં દેરાસર અને આબુ પર્વત પરનાં જિનાલયોમાં જિનપ્રતિમા ભરાવી તેમજ આશાવલમાં શાંતુવસહી બંધાવી. વાંકા અને નિહાણા ગામમાં બે વિશાળ જિનાલયો બંધાવ્યાં અને બંને ગામની વચ્ચે એક ગાઉની સુરંગ બનાવી. શ્રાવકોને એક ગામના દેરાસરમાંથી પૂજા કરીને બીજા ગામના દેરાસરમાં પૂજા કરવાની અનુકૂળતા કરી આપી.
ગુજરાતના તેજસ્વી મહામંત્રી એક વાર શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાએ ગયા હતા. અહીં એમણે એકાંતમાં ધ્યાનલીન તપસ્વીને જોયા, પણ ઓળખી શક્યા નહીં. મંત્રીએ એમને પ્રણામ કર્યા અને પછી વિશેષ પરિચય પૂછતાં એમના ગુરુનું નામ પૂછયું.
તપસ્વીએ કહ્યું, “મારા સાચા ગુરુ તો મહામાત્ય શાંતૂ છે.” આ સાંભળતાં જ મહામાત્યે પોતાના કાને હાથ દાબી દીધા અને કહ્યું, “ગુરુદેવ ! આપ આવું કેમ બોલો છો ?”
તપસ્વીએ રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, “એક વાર મંત્રી શાંતુ હાથણી પર બેસીને શાંત્વસહીમાં પ્રભુદર્શને આવ્યા હતા. આ સમયે એક ચૈત્યવાસી યતિ વેશ્યાના ખભે હાથ રાખીને ઊભા હતા. મંત્રીએ તો હાથણી ઊભી રખાવી નીચે ઊતરીને ચૈત્યવાસી યતિને વિધિપૂર્વક વંદન કર્યા. થોડી વાર પછી પુનઃ નમન કર્યું. આ જોઈને કામાસક્ત યતિને એટલી બધી શરમ આવી કે એને થયું કે જમીન માર્ગ આપે તો એમાં સમાઈ જાઉં. - “આવો પ્રતાપી મંત્રીશ્વર આ વેશને આટલા ભાવથી નમન કરે છે અને પોતે કેવા અધમ માર્ગે જીવી રહ્યા છે ? મંત્રીશ્વરના ગયા બાદ હૃદયમાં પશ્ચાત્તાપ અને પછી વૈરાગ્ય જાગવાથી બધું છોડી દીધું અને મલધારી આચાર્ય હેમચંદ્રસૂરિ પાસે દીક્ષા લઈને મેં શત્રુંજય તીર્થમાં ઘોર તપ શરૂ કર્યું. આજે એ વાતને પૂરાં બાર વર્ષ વીતી ગયાં, પરંતુ મને સન્માર્ગ બતાવનાર ગુરુ શાંતૂને કઈ રીતે ભૂલી શકું ?”
આ ઘટનાએ મહાઅમાત્ય શાંતુને ધર્મમાં વધુ સ્થિર અને દૃઢ બનાવ્યા. એક વખત રાજા સિદ્ધરાજ મહાઅમાત્ય શાંતૂ પર વિના કારણે નાખુશ થયા. મંત્રીએ પળવારમાં સત્તાનો ત્યાગ કર્યો અને ગુજરાત છોડીને માળવામાં વસવા લાગ્યા. સિદ્ધરાજે ગુપ્તચરો મોકલીને શાંતુ પર ચાંપતી નજર રાખી કે એ પરરાજ્યમાં ગુજરાતવિરોધી કોઈ પ્રવૃત્તિ તો કરતા નથી ને ? બીજી બાજુ માલવપતિએ શાંત્વના દિલદ્રોહને દેશદ્રોહમાં ફેરવવા માટે પુષ્કળ પ્રલોભનો આપ્યાં.
મહામાત્ય શાંતુએ માલવપતિને કહ્યું, “મેં ધર્મ તરીકે જૈન ધર્મ, ગુરુ તરીકે આચાર્ય દેવસૂરિજી અને સ્વામી તરીકે રાજા સિદ્ધરાજને મારા મનમાં સ્થાપ્યા છે. વળી ગુજરાત એ તો મારી પ્યારી માતૃભૂમિ. એને દગો કઈ રીતે દઈ શકાય ? જે માતાનું દૂધ પીધું છે એ માતાનું લોહી વહેવડાવીને હું દેશદ્રોહ કરું એનાથી તો વધુ સારું એ છે કે મારું મસ્તક ઉતારીને આપનાં ચરણોમાં મૂકી દઉં. આ જ મારો સાચો ધર્મ છે.” - શાંતુના દેશપ્રેમની આ વાત સિદ્ધરાજે જાણી ત્યારે એના પસ્તાવાનો પાર ન રહ્યો. આંખોમાં આંસુ સાથે એણે શાંતુને ગુજરાતમાં પાછા આવવા કહ્યું. ભવ્ય આદર-સન્માન સાથે દેઢ ધર્મનિષ્ઠા અને અડગ દેશનિષ્ઠા ધરાવતા મહામાત્ય શાંતુ પોતાની માતૃભૂમિ ગુજરાતમાં પાછા આવ્યા. સોલંકીયુગના ઇતિહાસમાં મહામંત્રી શાંતનું ચરિત્ર વીરપુરૂષ અને ધર્મપુરુષ તરીકે સદાય ચમકતું રહેશે.
ધર્મનેહસૌજન્ય સ્વ. છોટાલાલ મંગળદાસ શાહના આત્મશ્રેયાર્થે સુનિલકુમાર છોટાલાલ શાહ પરિવાર, અમદાવાદ
Jain Education Internet,
www.jainelibrary.org