________________
૬૩. લક્ષ્મીપતિ માળવાની ધારા નગરીમાં લક્ષ્મીપતિ નામનો ધનાઢય શ્રાવક વસતો હતો. આ શ્રાવક અત્યંત ધર્મનિષ્ઠ હતો. વ્યાપારમાં એટલો જ બાહોશ હતો. એને ત્યાં ભિક્ષાર્થે આવનાર ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નહીં. - બનારસના પંડિત કૃષ્ણગુપ્તના શ્રીધર અને શ્રીપતિ નામના પુત્રો એક વાર આ ધારાનગરીમાં આવ્યા. શ્રીધર અને શ્રીપતિની બંધુબેલડી અત્યંત બુદ્ધિમાન અને વિદ્યાવાન હતી. બંનેની સ્મરણશક્તિ અત્યંત તીવ્ર હતી. વેદ અને વેદાંતની પારગામી આવી વિદ્યાનિષ્ઠ બંધુબેલડી તીર્થયાત્રાએ નીકળી હતી. ભક્તિભાવથી તીર્થયાત્રા કરતા જાય અને જે કંઈ ભિક્ષા મળે તેનાથી ઉદરનિર્વાહ કરતા જાય. શ્રાવક લક્ષ્મીપતિ સાધુ-સંતોની સાચા અંત:કરણથી સેવા કરતો અને વિદ્યાવાનોને આદર આપતો હતો. આથી શ્રીધર અને શ્રીપતિ બંને ભિક્ષા માટે હંમેશાં એમની હવેલીએ આવતા હતા અને લક્ષ્મીપતિ એમને ભાવથી ભિક્ષા આપતો હતો.
લક્ષ્મીપતિનો વેપાર ઘણો બહોળો હતો. એ મોટા-મોટા ચોપડાને બદલે હવેલીની ભીંત પર હિસાબ લખતો હતો. વીસ લાખ ટકાનો લેણદેણનો હિસાબ એની ભીંત પર લખેલો હતો. સઘળી લેવડ-દેવડની નોંધ ભીંત પર થઈ જતી. જાણે ઘરની ભીંતો એનો વિશાળ ચોપડો ન હોય ! ચોપડો તો ખોલવો પડે ! વિગત શોધવી પડે ! આ તો ભીંત પર બધું હાજરાહજૂર ! શ્રીધર અને શ્રીપતિ અહીં રોજ ભિક્ષા લેવા આવતા હતા, તેથી આ હિસાબ રોજ જોતા. તીવ્ર યાદશક્તિને કારણે બંનેને તે સ્મરણમાં રહી ગયો હતો.
| એક વાર લક્ષ્મીપતિની હવેલીમાં ભીષણ આગ લાગી. આ આગમાં એનું સઘળું રાચરચીલું બળીને ખાખ થઈ ગયું. આગને કારણે બધી ભીતો કાળી પડી ગઈ. લક્ષ્મીપતિનો ભીંત પર લખેલો વીસ લાખ ટકાનો હિસાબ નાશ પામ્યો. શેઠ લક્ષ્મીપતિને બેવડી આફત આવી પડી. એક તો આગમાં આખી હવેલી બળી ગઈ. વળી વધારામાં લેવડદેવડના સઘળા હિસાબો પણ બળીને ખાખ થઈ ગયા !
શેઠ લક્ષ્મીપતિનું મન ગમગીનીથી ઘેરાઈ ગયું. હવે કરવું શું? મોટી ઉઘરાણીનું શું થશે ? રોજના નિયમ પ્રમાણે શ્રીધર અને શ્રીપતિ લક્ષ્મીપતિની હવેલીએ ભિક્ષા માટે આવ્યા. કપાળે હાથ મૂકીને નિરાશ થઈને બેઠેલા શેઠને જોયા. આગની જ્વાળામાં લપેટાઈને બિસ્માર બનેલી એમની હવેલી જોઈ બંને ભાઈઓ તત્ક્ષણ પરિસ્થિતિ પારખી ગયા. શેઠે કહ્યું કે એમનાં તો બારે વહાણ ડૂબી ગયાં ! બધું જતું રહ્યું. આ બે બંધુઓએ એમને સધિયારો આપતાં કહ્યું કે તેઓ રોજ એમને ત્યાં ભિક્ષા માટે આવતા હતા અને રકમનાં લેખાં-જોખાં જોતા હતા. આથી એમને બધો હિસાબ અકબંધ યાદ છે ! શેઠ આનંદવિભોર બની ગયા. બંને ભાઈઓએ સ્મરણશક્તિના બળે એ હિસાબ લખાવવા માંડ્યો. નાનામાં નાની વિગત અને રકમ થોડી વારમાં લખાઈ ગઈ. શેઠ લક્ષ્મીપતિના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. | ધર્મનિષ્ઠ લક્ષ્મીપતિએ વિચાર્યું કે આવી તીવ્ર સ્મરણશક્તિવાળા સાધુઓ જો જિનશાસન પાસે હોય તો શાસનને કેટલો બધો લાભ થાય ? જો આવા જ્ઞાની પુરુષ જૈન સાધુ બને તો સાચે જ પ્રભાવક થાય અને શાસનની પ્રવૃત્તિમાં સહાયક બને. - લક્ષ્મીપતિએ જોયું કે આ બંનેને પરિચયના અભાવે જૈનશાસનની લગની લાગી નહોતી. પહેલાં જૈન ધર્મનો પરિચય કેળવાય તે જરૂરી છે. લક્ષ્મીપતિએ બંનેનો આચાર્ય વર્ધમાનસૂરિજી સાથે મેળાપ કરાવ્યો. આચાર્યની વિદ્વત્તા અને ત્યાગીપણું એમને સ્પર્શી ગયાં. બંધુબેલડીને આચાર્ય વર્ધમાનસૂરિ સ્વજીવનના પરમ તારક લાગ્યા. સમય જતાં બંને ભાઈઓએ આચાર્યશ્રી પાસે દીક્ષા લીધી. જૈન શાસ્ત્રોના અભ્યાસમાં બંને ખૂંપી ગયા. સમય જતાં તેઓએ આચાર્યપદ મેળવ્યું અને આચાર્ય જિનેશ્વરસૂરિજી અને આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી તરીકે જિનશાસનમાં જાણીતા બન્યા. લક્ષ્મીપતિના જીવનમાં જિનશાસન માટેની ભક્તિ જોવા મળે છે. એ ભક્તિને કારણે જ એમના જીવનમાં સતત શાસનસેવાની ભાવના પ્રગટતી રહી. એના ઉમદા પરિણામરૂપે જિનશાસનને મહાન આચાર્યો આપવામાં તેઓ નિમિત્તરૂપ બન્યા.
- ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી જિનેશચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી કાંતાબહેન મનુભાઈ પ્રેમચંદ શાહ પરિવાર, અમદાવાદ
ઉંદર
Jain Education in
www.jainelibrary.org