________________
૬૧. શેઠ જાવડશા
પુરાણપ્રસિદ્ધ સૌરાષ્ટ્રની ઇતિહાસપ્રસિદ્ધ મધુમતી નગરી એટલે આજનું મહુવા બંદર. આ નગરીનો જાવડશા મહુવાનાં બાર ગામનો અધિપતિ હતો. શસ્ત્ર વિના વાઘનો સામનો કરીને પરાજિત કરવાનું એનામાં શૌર્ય હતું. આવા વીર જાવડશા અને એની પત્ની સુશીલાદેવીને છળકપટ કરીને યવન સૈનિકોએ પકડી લીધાં અને એમને ગુલામ બનાવીને યવન દેશમાં લઈ ગયા.
આ યવન દેશમાં જાવડશાને વેપાર ખેડવાની, ધન રળવાની અને આનંદ-પ્રમોદયુક્ત જીવન ગાળવાની સઘળી મોકળાશ હતી, પરંતુ એને માત્ર સ્વદેશ પાછા ફરવાની છૂટ નહોતી. વીર જાવડશા, એની ધર્મપત્ની સુશીલાદેવી અને પુત્ર જાગનાથ પરદેશી રાજ્યમાં નજરકેદ જેવી સ્થિતિ અનુભવતાં હતાં. આ પરાધીનતા એના હૃદયમાં શૂળની માફક ભોંકાતી હતી. અપાર ધનવૈભવ અને સુખસાહ્યબી હોવા છતાં જાવડશાને વતનની યાદ સતાવતી હતી. એના રોમેરોમમાં વતનપરસ્તીનો સાદ ગુંજી રહ્યો હતો, “ક્યારે મારી માતૃભૂમિમાં પહોંચું અને ક્યારે મધુમતી નગરીની પવિત્ર ધૂળ મારા માથે ચડાવું !”
આ યવન દેશ પર નજીકના બળવાન શત્રુએ આક્રમણ કર્યું અને યુદ્ધસંહારથી બચવા હાર-જીતના ફેંસલા માટે મલ્લયુદ્ધની શરત મૂકી. પોતાના શહેનશાહ વતી મલ્લયુદ્ધ કરીને વીર જાવડશાએ વિજય મેળવ્યો. જાવડશાને અડધું રાજ્ય અને શાહજાદી મળ્યાં, પરંતુ રાજકર્તા વૃદ્ધ ખલીફાની યુવાન સ્ત્રી જાવડશા પર મુગ્ધ બની. જાવડશાને મોહિત કરવા સામ, દામ, દંડ અને ભેદ બધું અજમાવી જોયું, પણ જાવડશા સહેજે વિચલિત થયા નહીં. એણે વૃદ્ધ ખલીફાની યુવાન રાણીને ધર્મબોધ આપ્યો અને કાદવમાં કમળ ઊગે તેમ મોહગ્રસ્ત મલિકા જાવડશાની ધર્મભગિની બની ગઈ. જાવડશાએ એની કુનેહથી મ્લેચ્છ રાજવીનું હૃદય જીતી લીધું. તેઓ સુખરૂપ મધુમતી નગરીમાં પાછા આવ્યા.
આ સમયે શ્રી શત્રુંજય તીર્થ પર કપર્દી અસુરે અત્યંત ઉપદ્રવ મચાવ્યો હતો. આ પરમ પાવન પર્વતની શિલાઓને મદિરા અને માંસથી અપવિત્ર બનાવી હતી. મહાપુણ્યના ધામને અધર્મીઓએ પાપભૂમિ બનાવી દીધી હતી. વીર જાવડશાએ પહેલો નિર્ધાર એ કર્યો કે ગમે તે ભોગે, પણ શ્રી શત્રુંજય તીર્થને દુષ્ટ પિશાચોના હાથમાંથી મુક્તિ અપાવીશ, એની થતી ધોર આશાતના દૂર કરીશ અને એનો જીર્ણોદ્ધાર કરીશ.
શરૂઆતમાં કપર્દી સહેજે પાછો પડ્યો નહીં. એણે જાવડશાને પજવવામાં કશું બાકી રાખ્યું નહીં, પરંતુ જાવડશાના નિશ્ચયમાં પ્રાણને ભોગે પણ સંકલ્પ સાધવાની અડગતા હતી. એની આગળ કપર્દી અને એના અસુર સાથીઓને ઝૂકવું પડ્યું. જાવડશાની વીરતાએ તીર્થાધિરાજ શત્રુંજય પર કબજો જમાવીને બેઠેલાં અનિષ્ટ અને અનાચારી તત્ત્વોને દૂર કર્યાં. એની વીરતાએ અસંખ્ય માનવીઓની શ્રી શત્રુંજય તીર્થ પ્રત્યેની ભક્તિને પ્રગટ કરવાની તક આપી.
આચાર્ય વજસ્વામી શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરવાનો ઘણાં વર્ષથી પ્રયાસ કરતા હતા, પરંતુ કપર્દી અસુર એમની ધર્મપ્રેરણા પર પાણી ફેરવી દેતો હતો. હવે એનો ભય દૂર થતાં આચાર્યદેવના હૃદયમાં આનંદ પ્રગટ્યો. શ્રીસંઘના આહ્લાદની કોઈ અવિધ ન રહી. તીર્થાધિરાજના ઉદ્ધારનું કામ વીજળીવેગે ચાલવા લાગ્યું. પ્રતિષ્ઠાનો પાવન અવસર આવી પહોંચ્યો. આચાર્ય વજસ્વામીની નિશ્રામાં જાવડશાએ શ્રી શત્રુંજય તીર્થનો તેરમો મહા જીર્ણોદ્ધાર કરાવ્યો. ગામેગામથી નાના-મોટા સંઘો આ ધર્મોત્સવમાં સામેલ થવા શત્રુંજયની તળેટીમાં આવી પહોંચ્યા. કેટલાંય વર્ષો પછી શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા શક્ય બની હતી. જાવડશા અને સુશીલાદેવીનું હૃદય તીર્થાધિરાજને જોતાં ગદ્ગદ બની જતું હતું. તેમણે સંઘોનાં દર્શન કર્યાં. શ્રીસંઘ સાથે જાવડશા અને સુશીલાદેવીએ જિનપ્રાસાદ પર ચડીને ધર્મધજાને ભાવપૂર્વક પ્રણામ કર્યા. સર્વત્ર મહાતીર્થનો જયજયકાર ગુંજી રહ્યો હતો. ધીમે ધીમે શ્રીસંઘ નીચે આવી ગયો, પણ જાવડશા અને સુશીલાદેવી સહેજે ખસ્સાં નહીં. જીવનની કૃતાર્થતામાં પ્રભુમગ્ન બની ગયાં. ઘણો સમય વીત્યો છતાં તેઓ તળેટીમાં પાછાં આવ્યાં નહીં, તેથી સંઘના મોવડીઓએ ઉપર જઈને તપાસ કરી. જોયું તો જાવડશા અને સુશીલાદેવી દેવદર્શનની મુદ્રામાં સ્થિર બની ગયાં હતાં. તીર્ણોદ્ધારની ભાવનાનું સાફલ્ય અને તીર્થયાત્રાની ધન્યતા પામીને બંનેનો આત્મા સદાને માટે મહાયાત્રાએ સંચરી ગયો હતો.
ધર્મસ્નેહસૌજન્ય
પૂ. મુનિ શ્રી સુધર્મચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી અમિતભાઈ ધીરજલાલ શાહ પરિવાર, અમદાવાદ
Jain Education Inter
www.jainelibrary.org