________________
૫૫. મહામંત્રી અભયકુમાર
ભગવાન મહાવીરના પાવન ઉપદેશોનો પ્રભાવ આમજનતાથી માંડીને એમના સમયના રાજા-મહારાજાઓ સુધી પડ્યો હતો. ભગવાન મહાવીરના પરમ ઉપાસકોમાં એક મગધરાજ શ્રેણિક બિંબિસાર પણ હતા. શ્રેણિક બિંબિસારના પુત્ર અભયકુમાર વિશે ઐતિહાસિક પ્રમાણો મળે છે. જેનોની દિગમ્બર અને શ્વેતામ્બર એવી બંને પંરપરામાં મંત્રીશ્વર અભયકુમારના પ્રમાણભૂત ઉલ્લેખો મળે છે પણ એથીય વિશેષ પ્રાચીન બૌદ્ધ આગમ “મઝિમનિકાય'માં પણ અભયકુમારનો ભગવાન મહાવીરના પરમભક્ત તરીકે ઉલ્લેખ છે. એવી પણ નોંધ મળે છે કે અભયકુમારે એક વખત ગૌતમ બુદ્ધનો પણ આદર-સત્કાર કર્યો હતો. આમાં અભયકુમારની અન્ય ધર્મ પ્રત્યેની ઉદાર અને વ્યાપક ભાવના પ્રગટ થાય છે. જૈન ધર્મની એક વિશેષતા અન્ય ધર્મો પ્રત્યેના આદરની છે અને તેનો જીવંત પુરાવો છેક મહાવીરસ્વામીના સમયમાં થઈ ગયેલા મંત્રીશ્વર અભયકુમારના જીવનમાં પ્રગટ થાય છે.
ભગવાન મહાવીરના સમયમાં થયેલા રાજા શ્રેણિકના મહામંત્રી અભયકુમારમાં અપ્રતિમ બુદ્ધિ, ઉન્નત ધર્મભાવના અને આદર્શરૂપ નિ:સ્પૃહવૃત્તિ હતી. પોતાની કુશાગ્ર બુદ્ધિથી મંત્રીશ્વર અભયકુમારે અત્યંત મુશ્કેલ અને કઠિન લાગતી સમસ્યાઓનો સરળતાથી ઉકેલ શોધી આપ્યો હતો. આથી દીપાવલી પર્વ સમયે પૂજન કરતી વખતે ચોપડામાં ‘અભયકુમારની બુદ્ધિ હોજો” એવી પ્રાર્થના લખાય છે.
અભયકુમારના પિતા શ્રેણિક બિંબિસારે તેમને પાણી વિનાના કૂવામાં નાખેલી વીંટી કૂવામાં ઊતર્યા વિના બહાર કાઢવાનો પડકાર ફેંક્યો. બુદ્ધિશાળી અભયકુમારે વીંટી પર ગોબર નાખીને એને સૂકવવા દીધું. એ પછી એ કૂવાને પાણીથી ભરીને સુકાયેલા ગોબર સાથે વીંટી બહાર કાઢી આપી. આવી જ રીતે પોતાની બુદ્ધિશક્તિથી અભયકુમારે રાજાના બાગમાં થતી કેરીની ચોરી પકડી પાડી હતી. એક સમયે રાજા શ્રેણિક ચાંડાલ પાસેથી આકર્ષિણી વિદ્યા શીખવા માગતા હતા. અનેક પ્રયાસ કરવા છતાં રાજા શ્રેણિકને વિદ્યા ચડતી નહોતી. અભયકુમારે એમની વિફળતાનું કારણ શોધી કાઢ્યું. એમણે કહ્યું કે, સિંહાસન પર બેસીને કોઈ વિદ્યા પ્રાપ્ત થાય નહીં. ચાંડાલને સિંહાસન પર બેસાડી ગુરુવિનય દાખવો તો જ વિદ્યાદેવી રીઝે.” આમ કહીને અભયકુમારે વિદ્યાગુરુનું ગૌરવ કર્યું.
અત્યંત મેધાવી, ન્યાયપ્રિય, પ્રજાવત્સલ અને આદર્શ મહામંત્રીના રૂપમાં અભયકુમારની ખ્યાતિ હતી. વેશપલટો કરીને પ્રજાની યાતના અને મનોભાવનાનો પ્રત્યક્ષ પરિચય મેળવતા હતા. રાજ્યની સામે થતાં પયંત્રોને એ નિષ્ફળ કરી દેતા. મહામંત્રી અભયકુમારના આવા અનેક પ્રસંગો અને કથાઓ જનસમૂહમાં પ્રચલિત હતા. એ દર્શાવે છે કે એમનો બુદ્ધિપ્રભાવ કેવો વ્યાપક હતો. પ્રાચીન જૈન સાહિત્યમાં પણ મંત્રીશ્વર અભયકુમાર વિશે અનેક ઘટનાઓ મળે છે. રાજકુમાર અભયમાં ઉદારતા, સૌજન્ય અને નિ:સ્પૃહીપણું હતું. રાજા શ્રેણિકે એમને પોતાના ઉત્તરાધિકારી તરીકે નીમવાનો વિચાર કર્યો ત્યારે અભયકુમારે સહુની સંમતિ લઈને પ્રભુ મહાવીરના શરણમાં જઈને દીક્ષા લીધી.
મુનિ અભયકુમારે દેશ-વિદેશ વિહાર કરીને ભગવાન મહાવીરનો ઉપદેશ ફેલાવ્યો. એ સમયે પારસ્ય તરીકે ઓળખાતા (આજના ઈરાન) દેશનો રાજકુમાર આદ્રક અભયકુમારનો મિત્ર હતો. મુનિપણું ધારણ કરનાર અભયકુમાર પારસ્ય દેશમાં ગયા ત્યારે એમને કારણે પારસ્ય દેશના રાજ કુમાર આદ્રક ભગવાન મહાવીરની ભાવનાઓ પામ્યા અને સમય જતાં એ પ્રભુ મહાવીરના શિષ્ય બન્યા. એક મત એવો પણ છે કે આર્દકની વિનંતીથી અભયકુમારે સુવર્ણની જિનપ્રતિમા મોકલી હતી અને એ જિનપ્રતિમાના દર્શનથી જ આદ્રક વૈરાગ્યશીલ બનીને ભારત આવવા નીકળી પડ્યા. એમના કુટુંબીજનોએ આદ્રને અટકાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. અંતે આદ્રક પ્રભુ મહાવીરના શરણમાં પહોંચ્યા હતા. આમ બુદ્ધિનિધાન મંત્રીશ્વર અભયકુમારે મુનિરાજ અભયકુમાર તરીકે પણ જિનશાસનની કીર્તિગાથામાં મહત્ત્વનું પ્રદાન કર્યું.
- ધર્મસ્નેહસૌજન્ય નરેશચંદ્ર મોહનલાલ શાહ પરિવાર, હ, ધર્મપત્ની ચંદ્રાબહેન, પુત્ર નિખિલભાઈ,
એ, સૌ. નિકિતાબહેન, પૌત્ર વિરલ, પૌત્રી હીરલ, અમદાવાદ
sek
Jain Education
www.jainelibrary.org