________________
પ૪. સાધ્વી પદ્માવતી (ચિત્રસેન) રાજ કુમાર ચિત્રસેનને સમજાવતાં એના મિત્ર રત્નસારે કહ્યું, “હે રાજ કુમાર ! તું આ સુંદર અને લાવણ્યવતી નારીની પ્રતિમા પર મોહિત થઈને રાતદિવસ એના વિચારમાં ડૂબેલો રહે છે અને તારા તરફ મોહ પામતી દુનિયાની અનેક સુંદરીઓનો લેશ વિચાર પણ કરતો નથી. તારી આ વિચિત્ર ઘેલછાનો ત્યાગ કરે તે તારા હિતમાં છે.” - રાજકુમાર ચિત્રસેને પોતાની અસમર્થતા પ્રગટ કરતાં કહ્યું, “મારે ગમે તે ભોગે પણ આ પ્રતિમાવાળી રાજકુમારીની શોધ કરવી છે.” મંત્રીપુત્ર રત્નસારે કેવળી મુનિને વિનંતી કરતાં મુનિએ કહ્યું, “આ પથ્થરની પ્રતિમા એ રાજકુમારી પદ્માવતીની પ્રતિકૃતિ છે. પદ્મપુર નગરના પઘરથ રાજાની પદ્મશ્રી રાણીએ પદ્માવતીને જન્મ આપ્યો છે. સાગર નામના શિલ્પીએ એના રૂ૫-લાવણ્યને પથ્થરમાં કંડાર્યું છે, પરંતુ પદ્માવતીને પુરુષ જાતિ પ્રત્યે અપાર દ્વેષ હોવાથી અત્યાર સુધી અપરિણીત રહી છે.” રાજ કુમાર ચિત્રસેનને આશા-નિરાશા બંને એકસાથે મળ્યા.
મુનિરાજે આ પ્રશ્નનું સમાધાન આપતાં કહ્યું, “પૂર્વભવના સંબંધને કારણે ચિત્રસેનના લગ્ન તો પદ્માવતી સાથે જ થશે, પરંતુ એ જ પૂર્વભવની એક દારુણ ઘટનાને કારણે પદ્માવતી પુરુષદ્વેષી બની છે. પૂર્વભવમાં એક વનમાં હંસ-હંસી એમનાં બચ્ચાં સાથે આનંદપૂર્વક રહેતાં હતાં. એક વાર વનમાં દાવાનળ લાગતાં હંસ આગ બુઝાવવા સરોવરમાં પાણી લેવા ગયો. સરોવર દૂર હોવાથી હંસને પાછા ફરતાં વાર લાગી. પોતાનાં બચ્ચાંઓને લઈને એકલી હંસી ઊડી શકે તેમ નહોતી. દાવાનળમાંથી બચાવવા માટે હંસ આવ્યો નહીં તેથી હંસી વિચારવા લાગી કે પુરુષો કેવા અહંકારી હોય છે અને સદાય નારીની ઉપેક્ષા કરનારા છે. જો પુરુષો આટલા બધા સ્વાર્થી હોય છે એવી જાણ હોત, તો એ જીવનભર એકલી જ રહેત. આમ પુરુષદ્વેષથી ઘેરાયેલી હંસી બચ્ચાંસહિત બળી મરી, હંસ પાછો ફર્યો ત્યારે પોતાની પત્ની અને બચ્ચાંઓને ખાખ થયેલાં જોઈને વિલાપ કરતો કરતો ખુદ દાવાનળમાં ઝંપલાવીને સળગી ગયો.”
મુનિરાજે આ પૂર્વભવની કથા કહ્યા બાદ ઉપાય બતાવતાં કહ્યું કે જો તમે પદ્માવતીને તેના પૂર્વભવનાં ચિત્રો બતાવશો તો તાપથી બરફ ઓગળે એમ એનો પુરુ ષદ્વેષ ઓગળી જશે અને લગ્ન કરવા ઉત્સુક બનશે. બન્યું પણ એવું જ. રાજા પઘરથની પુત્રી પદ્માવતીનાં લગ્ન ચિત્રસેન સાથે થયાં. ઘણો સમય વીતી ગયો હોવાથી ચિત્રસેનને વસંતપુરનું સ્મરણ થવા લાગ્યું. વસંતપુરની નદીઓ, મકાનો, ગલીઓ અને નગરજનોની યાદ સતાવવા લાગી. ચારે પ્રકારની સેના, ધનસંપત્તિ અને અંગરક્ષકો સહિત પત્ની પદ્માવતી અને મિત્ર રત્નસારને લઈને એણે વસંતપુરમાં પ્રયાણ કર્યું. અહીં વસંતપુરના રાજા વીરસેન અને ચિત્રસેનની સાવકી માતાએ એને મારી નાખવાના ત્રણ ઉપાયો કર્યા, પણ ત્રણેય નિષ્ફળ ગયા.
એક રાત્રે એક કાળો નાગ રાજકુમારને કરડશે અને જો એમાંથી રાજ કુમાર ઊગરી જશે તો એ કલિંગની પ્રજા પર વર્ષો સુધી શાસન કરશે, આવી વાત યક્ષ પાસેથી રત્નસારે સાંભળી. એ રાત્રે રત્નસારે ચિત્રસેનના શયનખંડમાં આવેલા સર્પના તલવારથી ટુકડા કર્યા અને સર્પના લોહીનાં ટીપાં રાણી પદ્માવતીની જાંઘ પર પડ્યાં. ઝેરી સાપના લોહીનાં ટીપાં રાણીને ઘાતક નીવડશે એમ વિચારીને પોતાના ઉત્તરીય વડે રત્નસાર લોહીનાં ટીપાં લૂછવા જતો હતો, ત્યાં એકાએક જાગી ઊઠેલા રાજાએ આ દૃશ્ય જોયું અને તે શંકાથી ઘેરાઈ ગયો. રત્નસાર બધું જણાવે તો યક્ષના કહેવા પ્રમાણે એ કાળો પથ્થર બની જાય અને ન જણાવે તો ચિત્રસેનને શંકા જાય, આખરે રત્નસારે સત્ય હકીકત કહી અને તે પથ્થરનો બની ગયો. રત્નસાર પર કરેલી શંકા અને એણે કરેલું સમર્પણ વિચારતા ચિત્રસેને ગુણવાન મિત્રની સાથે જ ચિતાશયન કરવાનો વિચાર કર્યો, પરંતુ એ સમયે પ્રસન્ન થયેલા યક્ષે કહ્યું, “વિશુદ્ધ શીલવતી કોઈ સ્ત્રી પોતાના નવજાત શિશુને લઈને પથ્થરના રત્નસારને સ્પર્શ કરશે તો તે ફરી નરદેહી બનશે.”
રાણી પદ્માવતીને ત્યાં પુત્રજન્મ થયો અને એણે સ્પર્શ કરતાં શીલવતીના તેજથી રત્નસાર જીવતો થયો. આ ત્રણેએ પાવન અષ્ટાપદ તીર્થની યાત્રા કરી અને જ્ઞાની મુનિના ઉપદેશથી વૈરાગ્ય અપનાવીને મોક્ષ પ્રાપ્ત કર્યો.
ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સુયશચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી કુ. દીપા કીર્તિકાંત શેઠ, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ.
in Education Intemala
For Private & Personal use on
www.minelibrary.org