________________
૫૩. સાધ્વી બંસાલા
અપાર સમૃદ્ધિ ધરાવતા પૃથ્વીપુરના રાજવી જયસિંહ અને મહારાણી જયસેના નિઃસંતાન હોવાથી સદૈવ અજંપો અને અકળામણ અનુભવતાં હતાં. નગરજનો પણ રાજવારસના થનારા અભાવને કારણે અતિ ચિંતિત હતા. આખરે લગ્નજીવનના પાંત્રીસ વર્ષ બાદ રાજદંપતીને સદ્ભાગ્ય સાંપડ્યું અને મહારાણી જયસેના ગર્ભવતી થયાં. રાણી જયસેનાને પુત્રજન્મ થતાં સમગ્ર રાજ્યમાં સર્વત્ર આનંદ-ઉત્સવ રચાઈ ગયો. રાજકુમારનું નામ મુક્તસિંહ રાખવામાં આવ્યું, કિંતુ પુત્રજન્મનો આનંદ હજી ગાઢ બને તે પહેલાં પુત્રવિરહની શંકાઓ ઘેરાઈ વળી. જ્યોતિષી પંડિત વિષ્ણુ ભટ્ટે નવજાત શિશુનું ભવિષ્ય ભાખતાં કહ્યું કે આ રાજકુમાર જીવશે તો પરાક્રમી અને યશસ્વી બનશે, કિંતુ એનું આયુષ્ય અતિ અલ્પ - માત્ર છ મહિનાનું જ - છે. કોઈ પર્વતના શિખર પરથી એકાએક ખીણમાં પડી જાય, તેવો આઘાત અનુભવતા રાજાએ મહાજ્યોતિષીને એનું ભાગ્ય પલટી નાખવા માટે આજીજી કરી. જ્યોતિષી પંડિત વિષ્ણુ ભટ્ટે કહ્યું કે જો કોઈ બાર વર્ષની સુલક્ષણા કન્યા આ નવજાત શિશુ સાથે લગ્નબંધન બાંધે, તો એ કન્યાની પવિત્રતા અને એના સતીત્વનું તેજ કવચરૂપ બનીને રાજકુમારને યમરાજના પાશમાંથી બચાવશે. સવાલ એ હતો કે આટલા નાના શિશુ સાથે કોણ પોતાની બાર વર્ષની કન્યાને પરણાવે ? પૃથ્વીપુરના આ રાજવીએ એવી ચાલાકીભરી યોજના કરી કે એને પરિણામે કનકવતી નગરીના રાજા મકરધ્વજની પુત્રી બંસાલા સાથે એનાં લગ્ન થયાં. લગ્નની પ્રથમ રાત્રીએ જ બંસાલાને આની જાણ થઈ. બંસાલાના સસરાએ શિશુના ગળા પર કપડાની ગાંઠ બાંધીને પત્ર રાખ્યો હતો અને એમાં ક્ષમા યાચવાની સાથે ભવિષ્યવેત્તાએ ભાખેલા ભાવિની વાત લખી હતી.
બંસાલાએ વિચાર કર્યો કે મારા પૂર્વભવનાં કર્મોને કારણે આ ઘટિત થયું છે. હું કોઈને દોષ આપી શકું તેમ નથી. પોતાના શિશુ પતિનું જતન કરીને એમને આયુષ્યમાન કરવાનો એણે નિરધાર કર્યો.
બંસાલાના પિતા રાજા મકરધ્વજને રાજા જયસિંહના પ્રપંચખેલની જાણ થતાં કોપાયમાન થયા. બંસાલાએ પિતાને સમજાવ્યા અને પોતાના પિયરથી રથમાં બેસીને કનકવતી નગરીને પારકી માનતી બંસાલા ભાગ્યને આશરે ચાલી નીકળી. રસ્તામાં ભૂખ્યો બાળક મુકનસિંહ રડવા લાગ્યો, પણ બંસાલા કરે શું ? બંસાલા નવકાર મંત્રનો જાપ જપવા લાગી. આકાશમાર્ગે વિમાનમાં બેસીને જતી એક દેવી આ જાપ સાંભળતાં નીચે આવી અને એણે બંસાલાને કહ્યું, “તને એક પ્રસૂતા હરિણી આપું છું. એ તારા શિશુસ્વામીને સ્તનપાન કરાવશે.”
બંસાલાની મૂંઝવણ ટળી ગઈ. પંદર દિવસ બાદ એક વાર કંચનપુરના રાજા મણિચૂડની નાની રાણીએ વનમાં વસતો આ બાળક જોયો. રાજા મણિચૂડને બે રાણી હોવા છતાં તે અપુત્ર હતો. નાની રાણીએ બંસાલાને સુતેલી જોઈને શિશુને ઉઠાવી લીધું અને નગરમાં લાવી. કંચનપુરમાં નાની રાણીને કૂખે પુત્રજન્મની વાત ફેલાવવામાં આવી અને ભવ્ય જન્મોત્સવ ઊજવવામાં આવ્યો. આ બાળકનું નામ રણજિતસિંહ રાખવામાં આવ્યું. બંસાલાએ દેવીની સહાયથી જાણ્યું કે એનો સ્વામી મુકનસિંહ હવે રણજિતસિંહનું નામ ધારણ કરીને કંચનપુરના રાજાને ત્યાં ઊછરી રહ્યો છે. એવામાં કંચનપુરના રાજાની મોટી રાણીએ નાની રાણીનો ભેદ ખુલ્લો પાડી દીધો, આથી રાજા મણિચૂડે લાકડાની એક પેટીમાં મૂકીને આ બાળકને ગંગા નદીમાં પધરાવી દીધું. આ બાળક નંદ નામના હજારો ગાયો રાખતા ધનવાન પણ અપુત્ર ગોવાળને મળ્યો. ગોવાળે ગંગામાંથી મળ્યો હોવાથી એનું નામ ગંગાસિંહ રાખ્યું. ગંગાસિંહ નંદ ગોવાળને ત્યાં ઊછરવા લાગ્યો. સતી બંસાલા દેવીની સહાયથી દૂર રહ્યે રહ્યે એની ખબર રાખતી હતી. આ ગંગાસિંહ યુવાન થયો અને જુદા જુદા સમયે જુદી જુદી નવ નારીઓ સાથે એનાં લગ્ન થયાં. એની દસમી અને પહેલી પત્ની તો બંસાલા હતી, પણ એની એને જાણ નહોતી. બંસાલાએ જ્યારે ગંગાસિંહ સમક્ષ રહસ્ય પ્રગટ કર્યું ત્યારે નંદસિંહ ગોવાળ, લક્ષ્મી ગોવાળણ અને ગંગાસિંહે કહ્યું, “આવી ધડ-માથા વગરની વાતો શું કરે છે ?”
બંસાલાએ નિર્ભયતાથી દેવીની સહાયથી એના જીવનની તમામ ઘટનાઓ વર્ણવી. દેવીએ પ્રગટ થઈને આશ્ચર્યજનક ઘટનાઓની સાક્ષી આપી. ગંગાસિંહને બંસાલાના સતીત્વ માટે આદર થયો. એ પછી રાજ્યમાં પાછા ફરેલા મુકત્તસિંહે લાંબા સમય સુધી રાજ્ય કર્યું. એક વાર બંસાલાએ એની સમક્ષ દીક્ષાની ભાવના પ્રગટ કરી ત્યારે મુકનસિંહ અને બંસાલા બંને સાધુતાને પંથે ચાલ્યાં. એમની પાછળ નવ રાણીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી.
ધર્મસ્નેહસૌજન્ય
dain Education International
પૂ. મુનિ શ્રી કૈરવચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી કુ. તેજલ કીર્તિકાંત શેઠ, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ.
For Private & Personal Use Only
www.jainelibrary.org