________________
૫૨સાધ્વી સુનંદા (રૂપસેન) જૈનદર્શને કર્મવાદનો અતિ ગહન વિચાર કર્યો છે. જગતમાં જે કંઈ બને છે તે સર્વે કર્માધીન છે. વળી કર્મને ભોગવ્યા , વિના ચાલવાનું નથી. આવી કર્મની ગતિ સુનંદા અને રૂપસેનના જીવનમાં પ્રગટ થાય છે. સાધ્વી બનેલી સુનંદા વૈરાગ્યના રંગે રંગાઈ હતી. તપને કારણે અવધિજ્ઞાન પામીને સંયમનું પાલન કરતી હતી. પોતાની પૂર્વાવસ્થાને જાણત ગુરુણીને કહ્યું, “મારે કારણે અત્યંત દુ:ખ ભોગવતા અને જન્મ-મરણના ચક્રમાં ફસાયેલા રૂપસેનના મોહ પામેલા જીવને બોધ આપવા માગું છું. આપ આજ્ઞા આપો તો હું વિદ્યાદ્વીપમાં જાઉં, જ્યાં હાથી રૂપે જન્મેલા રૂપસેનનો હું ઉદ્ધાર કરી શકું.”
પૂજ્ય ગુરુણીએ સાધ્વી સુનંદાના શબ્દો સાંભળીને કહ્યું, “તમે ખુશીથી જાઓ. જો કોઈ જીવનો ઉદ્ધાર થતો હોય તો હું એના માર્ગમાં અવરોધરૂપ કેમ બને ?”
આ રીતે પોતાના ગુરુણીની આજ્ઞા લઈને સુનંદા સાધ્વી બીજા ચારેક સાધ્વીઓની સાથે સુગ્રામમાં આવ્યાં અને ત્યાં ચાતુર્માસ રહ્યાં.
સાધ્વી સુનંદાએ જાણ્યું કે રૂપસેનનો જીવ હાથીરૂપે જન્મ્યો છે અને તે નગરના લોકો માટે ભયનો અવતાર બની ગયો છે. એની અડફેટે જે ચડતું તેને એ પગ નીચે ક્રૂર રીતે છૂંદી નાખતો હતો. એને જોતાં જ લોકો મુઠ્ઠીમાં જીવ લઈને નાસતા હતા. એના ત્રાસને કારણે ગામના પાદરમાં જતા ગ્રામજનો ડરથી ફફડતા હતો.
સાધ્વી સુનંદા હાથીને પ્રતિબોધ આપવા માટે નિર્ભયતાથી એની પાસે ગયાં. નગરજનોએ એમને અકાળે મૃત્યુને આમંત્રણ નહીં આપવા ઘણું-ઘણું સમજાવ્યાં, પરંતુ સાધ્વી સુનંદા નીડરતાથી આગળ વધ્યાં. એવામાં ચિંઘાડતો હાથી દોડતો આવ્યો, પરંતુ સાધ્વીજીની આંખો સાથે આંખ મળતાં પૂર્વની રાગદશાને કારણે હાથી શાંત થઈને સ્થિર બની ગયો.
સાધ્વી સુનંદાએ કહ્યું, “ક્યાં સુધી મોહવશ થઈ દુઃખી થવું છે ? મારા પરના મોહને કારણે કેટકેટલાં દુઃખો સહન કરે છે? મોહપાશથી બંધાયેલા તે અનુરાગ અને આસક્તિમાં છ-છ ભવ ગુમાવ્યા અને આ સાતમો ભવ વેડફી દેવા તૈયાર થયો છે. સમજ, જરા સમજ.”
સાધ્વી સુનંદાએ હાથીને એના પૂર્વભવોની વાત કરી. એણે કહ્યું, “રૂપસેન, જ્યારે તું માનવઅવતારમાં હતો ત્યારે મારા પ્રત્યેના મોહમાં ભાન ભૂલ્યો અને એ અવતારમાં મને પ્રાપ્ત કરી શક્યો નહીં, બલ્ક ભીત નીચે દટાઈને અકાળે મૃત્યુ પામ્યો. તારાં સોનેરી સ્વપ્નાં મનમાં જ રહ્યાં. પૂર્વભવના મોહને કારણે તું મારા ગર્ભમાં આવ્યો, ત્યારે હું કુંવારિકા હોવાથી યુક્તિપ્રયુક્તિથી એ ગર્ભનો નાશ કરવામાં આવ્યો. એ પછી તારો જીવ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા પૃથ્વીવલ્લભના ઉદ્યાનમાં રહેલી સાપણના પેટે જન્મ્યો. આ સમયે સાપણરૂપે રાજા પૃથ્વીવલ્લભની રાણી બનેલી મારી પાછળ પડ્યો. ત્યારે મારા પતિ પૃથ્વીવલ્લભે તને મારી નાખ્યો. ચોથા ભવમાં તારો જીવ કાગડો બનીને આવ્યો. એ સમયે રાજા પૃથ્વીવલ્લભ સાથે હું સંગીતની મહેફિલ માણતી હતી ત્યારે ‘કા' કા. અવાજથી વિક્ષેપ પાડતા તને રાજાએ ઉડાડવા પ્રયત્ન કર્યો, કિંતુ મારા પ્રત્યેના મોહપાશમાં બંધાયેલો તારો જીવ ત્યાંથી તસુભાર ખસતો નહોતો, તેથી રાજાએ તને મારી નખાવ્યો. એ પછી પાંચમા ભવમાં તારો જીવ હંસ બન્યો. રાજા પૃથ્વીવલ્લભ સાથે હું ઘટાદાર વૃક્ષની છાયામાં બેઠી હતી, ત્યારે મારી પાસે બેસીને આનંદ અનુભવતો તું હંસરૂ પે મધુર ગાન કરતો હતો. એવામાં એક કાગડો વિષ્ટા કરીને ઊડી ગયો. તું મોહવશ હંસ મને એકીટસે જોતો રહ્યો. રાજાના વસ્ત્ર પર કાગડાની વિષ્ટા પડતાં રાજા ગુસ્સે ભરાયો અને હંસને મારી નાખ્યો. એ પછી છઠ્ઠા અવતારમાં તું હરણ બન્યો. એ હરણને મારીને રાજા પૃથ્વીવલ્લભની સાથે ભોજન કરતી હતી, ત્યારે એક ચાર જ્ઞાનના ધારક મુનિએ મને મારા અને તમારા પૂર્વભવોની વાત કરી. કર્મની આવી ગતિ અને મોહદશાના પરિણામને જાણ્યા બાદ મારાં પોતાનાં પાપોની મુક્તિ માટે ચારિત્ર ગ્રહણ કર્યું.”
સુનંદા સાધ્વી પાસેથી પોતાના છ પૂર્વભવની વાત સાંભળીને એ હાથી શાંત બની ગયો. તિર્યંચ(પશુ) ભવમાં પણ એણે ઉત્તમ ધર્મ સ્વીકાર્યો. એ તપ કરતો સમાધિયુક્ત મૃત્યુ પામ્યો અને આઠમા દેવલોકનો દેવ બન્યો. સમય જતાં અંતે એ સિદ્ધિપદ પામ્યો. એ જ રીતે સુનંદા સાધ્વી પણ કર્મો ખપાવી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અક્ષયપદ પામ્યાં.
ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી નિરાશચંદ્ર વિજયજી મ.ના ઉપદેશથી અ. સ. કોક્લિાબહેન કીર્તિકાંત શેઠ, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ.
Jan Education Interational
For Private & Personal use only
www.jalnelibrary.org