________________
૫૦. સાધ્વી પctહણી માતા મહાન પુત્રને જન્મ આપનારી મહાન માતા એટલે સાધ્વી પાહિણી. ધંધુકાના મોઢ જ્ઞાતિના શેઠ સાચો(સાચિગ)ની પત્ની પાહિણી પ્રસિદ્ધ શ્રેષ્ઠી નેમિનાગની બહેન હતી. એક વખત રાત્રે પાહિણીએ સ્વપ્નમાં ચિંતામણિ રત્ન જોયું. બે હાથમાં રહેલું એ દિવ્ય રત્ન પાહિણીને ગ્રહણ કરવાનું કોઈ કહેતું હતું. સ્વપ્નમાં પાહિણીએ એ રત્ન ગ્રહણ કર્યું અને એ રત્ન પાહિણીએ ગુરુને અર્પણ કર્યું. સ્વપ્નમાં આંખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં અને એ સમયે એની આંખ ઊઘડી ગઈ.
પાહિણીએ વિચાર્યું કે ગુરુદેવ દેવચંદ્રસૂરિજી આ નગરમાં જ છે, તો સ્વપ્નના ફળ વિશે એમને પૂછી આવું. આચાર્ય દેવચંદ્રસૂરિએ કહ્યું, “તું એક નરમણિને જન્મ આપીશ, જે મોટો થતાં ગુરુમણિ બનશે. મહાન આચાર્ય બનીને જિનશાસનને શોભાવશે.” આ ગુરુવચનોથી પાહિણીના આનંદનો પાર ન રહ્યો. પાહિણીને ગુરુ તરફ અપાર શ્રદ્ધા હતી. પોતાનો પુત્ર જીવનની પરમોચ્ચ સિદ્ધિ પામે તેવી ઝંખના માતાને હોય જ. સાધુતાને જીવનનું સર્વોચ્ચ શિખર માનતી પાહિણી આનંદવિભોર બની ગઈ. પોતાનો પુત્ર મહાન આચાર્ય બનશે એ ભવિષ્યકથને એના હૃદયને આનંદ-તરબોળ કરી દીધું. | વિ. સં. ૧૧૪પના કારતક સુદ પૂનમની રાત્રે એણે એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. માતા-પિતાએ એનું નામ ચંગદેવ (ચંગ એટલે ઉત્તમ) રાખ્યું. નાનકડો ચંગદેવ એકવાર આચાર્યશ્રીની પાટ પર બેસી જાય છે. અંતે ચંગદેવને માતાપિતા દીક્ષા માટે અનુમતિ આપે છે. એનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું અને સમય જતાં વિદ્વાન એવા એ મુનિને વિ. સં. ૧૧૬૯ના વૈશાખ વદ ત્રીજના દિવસે મધ્યાહ્ન સમયે આચાર્યપદવી આપીને એમનું નામ હેમચંદ્રસૂરિ રાખ્યું. આ પ્રસંગે એમનાં માતા પાહિણીદેવી ઉપસ્થિત હતાં. એમના હૃદયમાં એવો ઉલ્લાસ જાગ્યો કે પુત્રની આચાર્યપદવી સાથે માતાએ પણ સંયમમાર્ગ ગ્રહણ કર્યો. માતા પાહિણી સાધ્વી પાહિણી બન્યાં અને એમને પ્રવર્તિનીનું પદ અર્પણ કરવામાં આવ્યું.
સાધ્વી પાહિણી તપ અને ત્યાગમાં લીન બની ગયાં. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય વિહાર કરતાં-કરતાં પાટણમાં પધાર્યા હતા. અહીં પૂજ્ય પ્રવર્તિની પાહિણીએ અનશન આદર્યું હતું. અનેક ભાવિકો એમનાં દર્શન માટે આવતા હતા. એમની ભાવનાને અભિનંદતા હતા. પોતાના નાની વયના પુત્રને જિનશાસનને સમર્પિત કરનાર સાધ્વી પાહિણીને અંત:કરણથી પ્રણામ કરતા હતા. - જ્ઞાનના ભંડાર સમા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે અનેકવિધ વિષયો પર ગ્રંથો લખ્યા. ગુર્જરનરેશ જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળ જેવા શાસકોને ઉચિત માર્ગદર્શન આપ્યું. જિનશાસનની કીર્તિગાથાને સુવર્ણશિખર પર પહોંચાડી. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યનો પ્રભાવ સામાન્યમાં સામાન્ય માનવીથી માંડીને રાજાધિરાજ સુધી પથરાયેલો હતો. એમના જીવનમાં સ્વધર્મવત્સલતા અને પરમત-સહિષ્ણુતા જોવા મળે છે. પાંચ વરતોને જીવનમાં ધારણ કરનાર આ આચાર્યની જીતેન્દ્રિયતા દૃષ્ટાંતરૂપ હતી. એમના હૃદયમાં કરુણા અને અનુકંપાનો સ્રોત સતત વહેતો હતો. આવી મહાન વિભૂતિને જન્મ આપનારી માતા પણ પુત્રના પંથે ચાલી હતી. સાધ્વી પાહિણી પોતાના જ્ઞાનધ્યાનમાં સદૈવ લીન રહેતાં હતાં. એમના અંતરમાં પોતાના પુત્ર હેમચંદ્રસૂરિનું અપૂર્વ જ્ઞાન જોઈને આનંદ પ્રવર્તતો હતો. એમની વિશિષ્ટ યોગસિદ્ધિ અને મહાન શાસનપ્રભાવના જોઈને સાધ્વી પાહિણી અતિ પ્રસન્ન હતાં. શ્રી હેમચંદ્રાચાર્ય પણ માતા સાધ્વીની પૂરી કાળજી રાખતાં હતાં. માતા પ્રત્યે એમના અંતરમાં અગાધ ભક્તિભાવ હતો. સાધ્વીજી પાહિણી બીમાર પડ્યાં હતાં. આસપાસનું સાધ્વીછંદ એમને અંતિમ આરાધના કરાવતું હતું. બીમાર સાધ્વી માતા પાસે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એમના શિષ્યો સાથે દર્શને આવ્યા. પ્રવર્તિની પાહિણી કાળધર્મ પામ્યાં ત્યારે શ્રાવકોએ પુણ્યમાં ત્રણ કરોડ વાપર્યા. વીતરાગ ધર્મના આચાર્ય પોતાની તેજસ્વી અને ધર્મનિષ્ઠ માતાને શું આપી શકે ? એમણે ત્રણ લાખ શ્લોકનું પુણ્ય માતાને આપ્યું. ઇતિહાસમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રકાંડ વિદ્વત્તા અને ધર્મપ્રભાવકતાને યાદ કરવામાં આવે છે, તો એની સાથોસાથ એમની માતા પ્રવર્તિની પાહિણીની ઉચ્ચ ભાવનાને અને ઉત્કટ ધર્મપરાયણતાને પણ યાદ કરવામાં આવે છે.
ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સંઘચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી નવીનચંદ્ર ઉમેદચંદ્ર શાહ પરિવાર, સુરેન્દ્રનગર, હાલ - મુંબઈ
Jan Education Intematon
For Private & Personal use on
www.ja nelibrary.org