________________
૪૯. સાધ્વી મનોરમ
રાજકુમારી મનોરમાએ યુવાનીના ઉંબરે પગ મૂક્યો અને એના મનનો મોરલો નાચી ઊઠ્યો. રાજવૈભવમાં ઊછરેલી આ રાજકુમારીને જીવનના સર્વ ભૌતિક આનંદપ્રમોદ સાંપડ્યા હતા. રાજકુમારી તરીકે એનો લાડકોડથી ઉછેર થયો હતો. અત્યંત રૂપવાન મનોરમાએ મનોમન વિચાર કર્યો કે આખી નગરીમાં મારા સમાન સમૃદ્ધ, સુખી અને સ્વરૂપવાન બીજી કોઈ યુવતી નથી. શ્રેષ્ઠનો શ્રેષ્ઠ સાથે જ મેળાપ શોભે. પરિણામે એણે નિશ્ચય કર્યો કે આ જગતમાં સૌથી વધુ રસિક પુરુષ હોય, તેની સાથે હું વિવાહ કરીશ.
આવી મદમસ્ત યુવાનીમાં રસિકતા ન હોય તો યુવાનીનો અર્થ શો ? કેટલાય રાજકુમારો મનોરમા સાથે લગ્ન કરવા આતુર હતા, પરંતુ મનોરમાને આ રાજકુમારોમાં રાજવૈભવની ઝાકમઝોળ દેખાતી હતી, પણ છાંટોય રસિકતા નજરે પડતી નહોતી, આથી રાજકુમારોના લગ્નના પ્રસ્તાવને એ સ્વીકારતી નહોતી.
એક વાર પાલખીમાં બેસીને રાજકુમારી મનોરમા રાજમાર્ગ પરથી પસાર થતી હતી. આ સમયે એણે કોઈ પુરુષનો મસ્ત-મધુર અવાજ સાંભળ્યો. એ સાંભળતાં જ મનોરમાના મનનો મોરલો ડોલવા લાગ્યો. આ વર્ણનમાં પુરુષના મુખેથી શૃંગારભાવની એક એકથી ચડિયાતી છોળો ઊછળતી હતી. એમાં છલોછલ છલકાતી પ્રણય-વસંતનું મનોરમ વર્ણન હતું. સમગ્ર સૃષ્ટિ જાણે શૃંગારરસમાં સ્નાન કરતી હોય એવો મનોરમાને અનુભવ થયો. રસિક પુરુષની ગુલાલરંગી કલ્પનાઓએ મનોરમાના ચિત્તમાં મોહનો આવેગ જગાડ્યો.
એનું મન એ અવાજના ઉગમસ્થાન તરફ દોડી રહ્યું. હૃદયમાં રોમાંચ, અંતરમાં આતુરતા અને આંખમાં દર્શનની તડપન હતી. શૃંગારરસથી એકએકથી ચડિયાતી છોળો ઉછાળનાર આવા રસિક પુરુષને ક્યારે મળું અને એની જીવનસંગિની બની જાઉં ! આવો રસિક પુરુષ મળે તો સુભાગ્યના સઘળા દરવાજા ખૂલી જાય. પાલખીની સાથે ચાલતા સૈનિકોને મનોરમાએ કહ્યું, “જાવ, જલદી જાવ. મારા પિતાને કહો કે મારો માનેલો કંથ મને મળી ગયો છે. એની રસિકતા તો એટલી બધી છે કે હવે જીવન મોજમસ્તીથી તરબતર થઈ જશે.”
મધુર સ્વરના મૂળ સ્થાનને શોધતી મનોરમા ઉપાશ્રયમાં આવી પહોંચી. આ સમયે ઉપાશ્રયમાં તેજસ્વી આચાર્ય અભયદેવસૂરિજી પાટ પર બેસીને પોતાના શિષ્યોને પાઠ આપતા હતા. બીજા શિષ્યો મંત્રમુગ્ધ બનીને ગુરુવાણી સાંભળતા હતા. શૃંગારના વાતાવરણને અનુભવતા હતા. રાજકુમારી મનોરમા તો કવિતાના રસમાં ઘેલી બની હતી. ઉત્સાહથેલી રાજકુમારી મનોરમાએ કશુંય જોયા વિના પોતાની ધૂનમાં ને ધૂનમાં આચાર્ય મહારાજને કહ્યું, “હે રાજકુમાર ! મારો સ્વીકાર કરો. આપનો રસ અને મારો રાગ બંનેનું મિલન થતાં સંસાર પર સ્વર્ગ ઊતરી આવશે.”
આચાર્યશ્રી અભયદેવસૂરીશ્વરજીએ મનોરમાની પ્રણયવ્યાકુળ ઉન્મત્ત દશાને પારખી લીધી. એમણે વાત્સલ્યસભર અવાજે મનોરમાને કહ્યું, “હે રાજકુમારી ! જે ગીતના આકર્ષણથી ખેંચાઈને તું છેક અહીં સુધી આવી છે, તે ગીત હજી અપૂર્ણ છે. પૂર્ણ ગીત સાંભળીશ તો જ તને તેના પૂર્ણ ભાવનો અનુભવ થશે. ત્યારબાદ તને યોગ્ય લાગે તેમ કરજે.”
આચાર્યશ્રીએ અગાઉ જેમ શૃંગારનો ધોધ વહેવરાવ્યો હતો તેમ વહેવડાવવા લાગ્યા અને શૃંગારરસમાં પરિવર્તન કરીને ધીરે ધીરે શાંત રસ પ્રગટાવવા લાગ્યા. સ્નેહ-રાગના વાતાવરણમાંથી સમતાનું ભાવવિશ્વ ખડું થયું.
ગીતમાંથી રાગમાંથી વિરાગનો ભાવ જાગવા માંડ્યો. બહુમૂલ્ય આભૂષણો અને કીમતી વસ્ત્રો ધારણ કરનારી દેવીઓ દિવ્યવંદન કરવા માટે વીતરાગ પ્રભુ પાસે જઈ રહી હતી, એનું આચાર્યશ્રીએ તાદશ વર્ણન કર્યું. એ પછી આચાર્યશ્રીએ વીતરાગ પ્રભુના વૈરાગ્યનું વર્ણન કર્યું. આસક્તિ કરતાં આરાધનાની મહત્તા ગાઈ. દેહશૃંગારની ક્ષણિકતા સામે આત્મશૃંગારની અમરતા દર્શાવી. ભૌતિક સંપત્તિને બદલે ત્યાગનો મહિમા પ્રગટ કર્યો. આ સાંભળીને મનોરમાના મનોભાવોનું પરિવર્તન થયું. અનુરાગમાંથી વૈરાગ્ય જાગ્યો અને એણે સાધ્વી ધર્મ સ્વીકાર્યો.
Dain Education Internationa
ધર્મસ્નેહસૌજન્ય
પૂ. મુનિ શ્રી સુજ્ઞાતચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી કુ. સીમા ભરતકુમાર, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ.
For Private & Persorial Uad Only
www.jainelibrary.org