________________
૪૭. સાધ્વી તરંગવતી
આચાર્ય પાદલિપ્તસૂરિએ રચે ી તરંગવતીની કથામાં પ્રેમ અને પૂર્વજન્મની રોમાંચક ઘટનાની ગૂંથણી મળે છે, તો બીજી બાજુ એમાંથી સૌંદર્ય અને સાધુતાની રોમાંચ કથા સાંપડે છે.
રાજા કૃણિકના રાજ્યમાં સાધ્વી તરંગવતી ગોચરી લેવા ગઈ હતી. ધનાઢ્ય શ્રેષ્ઠીની પત્નીએ સાધ્વીનું અનુપમ સૌંદર્ય જોતાં એને સાહજિક જિજ્ઞાસા જાગી, કે શા માટે આ અતિ સૌંદર્યવાન નારીએ સંસારત્યાગ કર્યો હશે ? એવો તે કર્યો એને હૃદયવિદારક અનુભવ થયો હશે કે જેથી આવું અનુપમ સૌંદર્ય હોવા છતાં વૈરાગ્યનો માર્ગ ગ્રહણ કર્યો ? ધનાઢ શેઠની પત્નીએ આનું રહસ્ય જાણવા વારંવાર પ્રશ્નરૂપે વિનંતી કરતાં અંતે સાધ્વી તરંગવતીએ પોતાના ભૂતકાળના જીવનવૃત્તાંતનું રહસ્ય પ્રગટ કર્યું.
તરંગવતી એક વખત યુવાવસ્થામાં પોતાની સહેલીઓ સાથે વનવિહાર કરતી હતી. આ સમયે એક ચક્રવાક પક્ષીને જોયું. આ ચક્રવાકને નિરખતાં જ તરંગવતીને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. આ જાતિસ્મરણે એના અગાઉના વૃત્તાંતને માનસપ્રત્યક્ષ કરી દીધો.
પૂર્વજન્મમાં તરંગવતી ચક્રવાકની સાથે ચક્રવાકી તરીકે ગંગા નદીના કિનારે સુખપૂર્વક રહેતી હતી. અહીં બંને આનંદભેર પ્રેમીડા કરતાં હતાં, પરંતુ એક વખત અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના સર્જાઈ. ગંગાના કિનારે ગેલથી ખેલતો ચક્રવાક શિકારીના હાથે વીંધાઈ ગયો. ચક્રવાકને મૃત્યુ પામેલો જોઈને ચક્રવાકી વિરહની વેદનાથી તડપવા લાગી. ચક્રવાક પર એને અગાધ પ્રેમ હતો. આ પ્રેમી યુગલ ખંડિત થયું, પરંતુ ચક્રવાકના વિરહમાં ડૂબેલી ચક્રવાકીથી આ વિરહ અસહ્ય બનતાં એણે પ્રાણત્યાગ કર્યો.
તરંગવતીને પોતાના આ પૂર્વજન્મનું સ્મરણ થયું એની સાથે એક સવાલ જાગ્યો કે પોતાનો ગત જન્મનો આવો પ્રેમી ક્યાં હશે ? એની ભાળ મેળવવા તરંગવતી અતિ આતુર બની. એણે વિચાર્યું કે જો એની પેઠે એના પ્રિયતમને પૂર્વજન્મની ઘટનાનો સંકેત મળે તો કદાચ પુનઃ મેળાપ થાય. તરંગવતીએ પોતાના પૂર્વજન્મના સમગ્ર વૃત્તાંતનું ચિત્ર બનાવીને કૌમુદી મહોત્સવ સમયે કૌશાંબી નગરીના ચાર રસ્તા પર મૂક્યું.
આ ચિત્રપટ જોઈને શ્રેષ્ઠીપુત્ર પદ્મદેવને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. પરિણામે એક ભવમાં વિખૂટા પડેલા બે પ્રિયજનો બીજા ભવમાં પુનઃ મિલન પામ્યા, પરંતુ વળી એમના જીવનમાં નવી આફત ઊતરી આવી. શ્રેષ્ઠીપુત્ર પદ્મદેવની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તરંગવતીના પિતાએ આ યુવક સાથે એના વિવાહ કરવાની વાતનો સ્પષ્ટ ઇન્કાર કર્યો, કિંતુ તરંગવતી અને પદ્મદેવના પ્રગાઢ પ્રેમને કોણ રોકી શકે ? એક રાત્રે નૌકામાં બેસીને બંને નાસી છૂટ્યાં. ઠેર ઠેર ઘૂમતાં રહ્યાં. આજે અહીં, તો કાલે ત્યાં - એમ રોજ સ્થળ બદલતાં રહ્યાં. એવામાં એક વાર ચોરોની ટોળકીએ આ બંનેને પકડી લીધાં અને એમણે કાત્યાયની દેવીને આ બંનેનો બિલ ચઢાવવાનું નક્કી કર્યું. આ સાંભળીને તરંગવતી ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી. એનું આવું આક્રંદ જોઈને ચોરોના સરદારનું હૃદય પીગળ્યું. એણે આ બંને બંદીવાનોને મુક્ત કર્યા. ફરી બંનેનો રઝળપાટ શરૂ થયો. વર્ષો પછી ફરી બંને કૌશાંબી નગરીમાં આવ્યાં. પુત્રીની વીતક કથા સાંભળીને અને એના સાચા પ્રેમને જાણીને તરંગવતીના પિતાએ ધામધૂમથી બંનેનાં લગ્ન કરાવ્યાં.
કર્મની ગતિ કેવી અકળ છે ! તરંગવતી અને પદ્મદેવનાં લગ્ન થતાં સંસારનો એક અધ્યાય પૂરો થયો. એમની પ્રીતિને પૂર્ણત્વ મળ્યું, પરંતુ જીવનનું પૂર્ણત્વ હજી પામવાનું હતું. એક સાંજે ગંગા કિનારે મુનિરાજનો સહયોગ થયો. મુનિરાજ એ પૂર્વજન્મમાં ચક્રવાકને વીંધનાર શિકારી હતા. એમણે ચક્રવાક પાછળ ચક્રવાકીનો પ્રાણત્યાગ જોયો. ચક્રવાકની ચિંતામાં ઝંપલાવતી ચક્રવાકીને જોઈને આ શિકારીને પોતાની ભૂલ સમજાઈ. પોતાના ક્રૂર કાર્યને માટે જાત પર ફિટકાર વરસાવવા લાગ્યા. એ શિકારી પણ પ્રાયશ્ચિત્ત કરે છે. વળી આ જન્મમાં ડાકુઓના સરદાર તરીકે તરંગવતી અને પદ્મદેવને મુક્ત કરીને પોતાના પૂર્વકર્મને સુધારી લીધું.
જીવનની આવી અપાર ચંચળતા જાણ્યા પછી તરંગવતીના હૃદયમાં શાશ્વત વૈરાગ્ય માટે ભાવ જાગ્યો. એણે સંયમનો સ્વીકાર કરીને જીવનમાં પૂર્ણત્વની પ્રાપ્તિ માટે પ્રયાસ શરૂ કર્યો. જન્મજન્માંતર સુધી ચાલેલી ઋણાનુબંધની ઘટના પર તરંગવતી સાધ્વી થતાં પડદો પડ્યો. તરંગવતી સાધ્વી ચંદનબાળાની શિષ્યા બની અને એમની સાથે વિહારમાં રહીને ધર્મઆરાધના કરવા લાગી.
Jain Education International
ધર્મસ્નેહસૌજન્ય
પૂ. મુનિ શ્રી શ્રેયચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી ભરતકુમાર છોટાલાલ, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ.
For Private & Personal Use Only
www.jalvalltiriy org