________________
૪૫. સાધ્વી ઈશ્વરી
એક-બે વર્ષ નહીં, પણ સતત બાર વર્ષ કારમો દુષ્કાળ પડ્યો. ગરીબ માનવીઓ તો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. અમીરોનું અઢળક ધન પણ એક મુઠ્ઠી ચોખા લાવી શકે તેમ નહોતું. ધરતી ઉજ્જડ હતી અને એના પર મોતના ઓથાર હેઠળ હાડપિંજર જેવાં માનવી હરતાં-ફરતાં હતાં.
દુષ્કાળની આવી પરિસ્થિતિથી સોપારક નગરના જિનદત્ત શેઠનું કુટુંબ પણ ઘેરાયું હતું. એક કોળિયો અન્ન મેળવવાનાં ફાંફાં હતાં. આખરે વિચાર કર્યો કે જિનદત્ત, એમની પત્ની ઈશ્વરી તથા સમગ્ર પરિવાર વિષયુક્ત ભોજન કરીને મોતની ચાદર ઓઢી લે. રોજના પળે પળે થતાં મૃત્યુ કરતાં એક વાર મોતની વેદના સહન કરવી વધુ સારી લાગી. ભોજનમાં વિષ મેળવવા માટે અનાજની જરૂર તો પડે. આખરે એક લાખ સોનામહોર આપીને શેઠ જિનદત્ત પોતાના પરિવાર માટે બે મુઠ્ઠી ચોખા મેળવી શક્યા. ઈશ્વરીએ ભોજન તૈયાર કર્યું. એ પછી તત્કાળ પ્રાણ હરી લે તેવું કાળફૂટ વિષ કાઢયું અને ઈશ્વરી તે ભોજનમાં ભેળવવા જતી હતી ત્યાં જ યુગપ્રધાન આચાર્ય વજ્રસેનસૂરિનો ‘ધર્મલાભ' એવો મંગલ મધુર અવાજ સંભળાયો. ઈશ્વરીએ માન્યું કે જીવન ભલે ઝેર જેવું બન્યું હોય, પણ ઝેર લેવાની વેળાએ કેવા મહાન આચાર્યના દર્શનનો લાભ પ્રાપ્ત થયો ! મૃત્યુની વિકટ ક્ષણોમાં સાધુદર્શનને પોતાનો ચરમ અને પરમ પુણ્યોદય માનવા લાગી. ઈશ્વરીએ ગદ્ગદ બનીને મુનિને ભક્તિસહિત ભાવપૂર્વક ત્રિધા વંદન કર્યાં.
શ્રેષ્ઠી પત્ની ઈશ્વરીના હાથમાં વિષ જોઈને આચાર્યશ્રીએ એનું રહસ્ય પૂછ્યું. ઈશ્વરીએ આચાર્યશ્રીને યથાર્થ હકીકત કહી સંભળાવી. આ સાંભળતાં જ આચાર્ય વજ્રસેનને પોતાના ગુરુએ કરેલી ભવિષ્યવાણીનું સ્મરણ થયું. ગુરુએ એમ કહ્યું હતું કે જ્યારે લક્ષપાક (એક લાખ સોનામહોર) આપીને મેળવેલા ભોજનમાં ઘરની શ્રાવિકાને વિષ ભેળવતી જુઓ, ત્યારે સમજી લેજો કે બીજા જ દિવસથી દુષ્કાળને કારણે ઊભી થયેલી અન્નની અછત દૂર થઈ જશે.
આચાર્ય વજસેને ઈશ્વરીને કહ્યું, “ભૂખના દુઃખથી વિષ ઘોળવાની જરૂર નથી. આવતી કાલે સૌને જરૂરી અન્ન મળી રહેશે.” ઈશ્વરી જાણતી હતી કે સત્યવક્તા આચાર્યોનાં વચન કદી મિથ્યા થતાં નથી. એ રાત્રે સોપારકનગરના બંદર પર અનાજથી ભરેલાં જહાજો આવ્યાં અને પ્રભાતનો સૂર્ય એનાં કિરણો પાથરતો હતો, ત્યારે સહુને જરૂરી અનાજ મળી ગયું. ભયાનક આફતના ઓળા ઊતરી ગયા. શેઠ જિનદત્તના ઘેર અન્ન પહોંચ્યું અને આખા કુટુંબે ભૂખ્યા પેટની ભભૂકતી આગને ઠારી. જિનદત્તની પત્ની ઈશ્વરી આ ઘટનાના મર્મ પર ઊંડું ચિંતન કરવા લાગી. જો આચાર્યદેવ થોડી ક્ષણો મોડા આવ્યા હોત તો કેવી હાલત થઈ હોત ? આર્તધ્યાનમાં અને અવ્રતવાળી અવસ્થામાં અકાળ મૃત્યુ મળતાં અધોગતિ સાંપડી હોત. જીવન અને મૃત્યુના સંધિકાળની અંતિમ ક્ષણોમાં જાણે મુક્તિના દેવતા રૂપે આચાર્યમહારાજ આવ્યા અને આખાય પરિવારને દુઃખદ પાપપૂર્ણ મૃત્યુમાંથી ઉગારી લીધું. ઈશ્વરીએ પોતાના પતિ અને ચારે પુત્રને કહ્યું, “મુનિરાજે આપણને જીવનદાન આપ્યું છે. હવે ભવોભવનાં દુઃખ વિદારવા માટે આપણે એમની પાસેથી સંયમદાન મેળવીએ.”
ઈશ્વરીની આ વાત સહુને સાચી લાગી. જિનદત્ત શ્રેષ્ઠી, ઈશ્વરી અને એમના નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચારે પુત્રોએ પણ દીક્ષા ગ્રહણ કરી. અપાર વૈભવ અને સમસ્ત સાંસારિક ભોગોને ઠુકરાવી દઈને બધા આચાર્ય વજ્રસેન પાસે દીક્ષિત થયા. ઈશ્વરીએ જીવનમાં આવેલી ઉપાધિને આનંદ સમાધિમાં ફેરવી દીધી. અભિશાપને આશીર્વાદમાં પલટી નાખ્યો. વિષમુક્ત આહારની ઘટનાને વરદાનના રૂપમાં બદલી નાખી. વિષપાનની હત્યા દ્વારા ભવોભ્રમણની દારુણ વેદના મળી હોત, એને બદલે શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ.
સાધ્વી ઈશ્વરીના ચાર પુત્રો આજે મહાન પ્રભાવક સાધુઓ ગણાય છે. એ ચારેય દ્વારા શ્વેતાંબર પરંપરામાં પ્રસિદ્ધ ચંદ્રગચ્છ, નાગેન્દ્રકુલ, નિવૃત્તિકુલ અને વિદ્યાધરકુલ - એમ ચાર ગચ્છ અથવા કુળ પ્રસિદ્ધ થયાં. સાધ્વી ઈશ્વરીનું જીવન સાધનાના માર્ગે ચાલનારાં સહુ કોઈને માટે પ્રેરણાદાયક બની રહ્યું.
ધર્મસ્નેહસૌજન્ય
Jain Education International
પૂ. મુનિ શ્રી સંઘચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી અ. સૌ. કુમુદબહેન ચંદ્રકાંત શાહ, બોરીવલી - મુંબઈ
For Private & Personal Use Drily
www.jainlibrary.org