________________
૪૩. સાધ્વી નર્મદાસુંદરી
સ્ત્રીઓની ચોસઠ કલાની અધિષ્ઠાત્રી નર્મદાસુંદરીનાં લગ્ન મહેશ્વરદત્ત સાથે થયાં. લગ્ન બાદ પોતાના સાસરામાં આવેલી નર્મદાસુંદરીના જૈન ધર્મના આચરણથી કુટુંબ પર સુંદર પ્રભાવ પડ્યો. એક વાર ગોખમાં ઊભેલી નર્મદાસુંદરીએ ચાવેલા પાનની પિચકારી લગાવી તો નીચે પસાર થતા મુનિરાજના મસ્તક પર પડી. મુનિએ ઊંચે જોયું અને એને કહ્યું કે મુનિની કરેલી આશાતનાથી તારે પતિનો વિયોગ સહેવો પડશે. પોતાની ભૂલ સમજાતાં નર્મદાસુંદરી નીચે આવી અને મુનિરાજના પગમાં પડીને કરગરવા લાગી કે, “આપ તો સાધુ છો, સમતાના સાગર અને ક્ષમાના ભંડાર છો. તમે શત્રુને મિત્ર બનાવવાનું સામર્થ્ય ધરાવો છો તો મારા જેવી અજાણતાં ભૂલ કરનારી અજાણી નારીને ક્ષમા નહીં કરો ? આપ સાધુ થઈને આવો શાપ ન આપો
તેવી મારી વિનંતી છે.”
જ્ઞાની મુનિએ કહ્યું, “અમે કંઈ તને શાપ આપ્યો નથી, પરંતુ તારા પૂર્વકર્મના ઉદયનો વિપાક જોઈને કહ્યું છે. જૈન મુનિ શાપ ન આપે, પરંતુ જે કર્મ ભોગવવાનાં છે તેની જ આ વાત છે.’’
વેપાર માટે પરદેશ જતાં મહેશ્વરદત્ત પોતાની પત્ની નર્મદાસુંદરીને લઈને સમુદ્ર ખેડવા નીકળ્યો. એક વાર રાત્રે દરિયાઈ દ્વીપમાંથી સંગીતના મધુર સૂરો સંભળાતાં મહેશ્વરદત્તે કહ્યું, “ગાનાર સંગીતકલામાં ખૂબ પ્રવીણ હોવો જોઈએ.” નર્મદાસુંદરી અનેક કલાઓની જાણકાર હતી. સંગીતશાસ્ત્રના અભ્યાસ સાથે સ્વરશાસ્ત્રનો ઊંડો અભ્યાસ હતો. માત્ર સ્વર સાંભળીને એ ગાનારનું હૂબહૂ વર્ણન કરી શકતી હતી. આથી નર્મદાસુંદરીએ કહ્યું,
“ગાનાર ગાયનમાં કુશળ છે, પરંતુ તે કાળો છે. તેના હાથ સ્થૂળ છે અને કેશ કરકરા છે. એ વિશાળ છાતી ધરાવતો બત્રીસ વર્ષનો યુવાન છે.”
નર્મદાસુંદરીએ ગાનારના કરેલા સૂક્ષ્મ વર્ણન ૫૨થી એના પતિના મનમાં અનેક વિકલ્પો થવા લાગ્યા. પરપુરુષ વિશે આટલી ઊંડી જાણકારી કઈ રીતે હોય ? આમ વિચારી એણે નર્મદાસુંદરીનો ત્યાગ કરવાનું નક્કી કર્યું. રાક્ષસદ્વીપમાં વહાણો થોડી વાર થોભ્યાં, ત્યારે વૃક્ષની છાયામાં સૂતેલી નર્મદાસુંદરીને ઊંઘતી મૂકીને મહેશ્વરદત્ત વહાણ પર પાછો આવ્યો અને કહ્યું કે એની સ્ત્રીને વાઘનું રૂપ ધારણ કરેલા રાક્ષસે ફાડી ખાધી છે. એ પછી યવનદ્વીપમાં મહેશ્વરદત્તે પુષ્કળ ધન મેળવ્યું. પાછા ફર્યા બાદ મહેશ્વરદત્તે માતા-પિતાને નર્મદાસુંદરીના મૃત્યુના સમાચાર આપ્યા અને એની પાછળ પ્રેતકાર્ય કર્યું.
રાક્ષસદ્વીપમાં જાગેલી નર્મદાસુંદરીને માથે આફતોનો પાર નહોતો. એ કારમું આક્રંદ કરવા લાગી અને ધર્મનું શરણ લઈને દિવસો વ્યતીત ક૨વા લાગી. એના કાકા વીરદાસ એને અહીંથી લઈ ગયા, પરંતુ નર્મદાસુંદરી વેશ્યાના હાથમાં ફસાઈ ગઈ. અહીં ધાકધમકી અને મારપીટ થવા છતાં એ લેશમાત્ર ચલિત થતી નથી. એ વેશ્યાનું મૃત્યુ થતાં રાજાએ એનું સ્થાન લેવા નર્મદાસુંદરીને રાજસભામાં બોલાવી. આ સમયે પોતાના શીલનું પાલન કરવા માટે નર્મદાસુંદરીએ એકાએક પાલખીમાંથી ખાળમાં પડતું મૂક્યું, ગમે તેમ અસભ્ય બોલવા લાગી. પાગલની માફક વર્તવા લાગી. પોતાનું વસ્ત્ર ફાડી નાખવા લાગી. આથી લોકોએ એને પાગલ કે પિશાચિની માનીને છોડી દીધી. રાજા પણ આ વાત ભૂલી ગયા. નર્મદાસુંદરી એનાં માતા-પિતાને ત્યાં પહોંચી અને સુખેથી રહેવા લાગી.
એક વાર આર્ય સુહસ્તિસૂરિજીને નર્મદાસુંદરીએ પોતાનો પૂર્વજન્મ પૂછ્યો ત્યારે જ્ઞાનના સાગર સમા આચાર્ય સુહસ્તિસૂરિજીએ કહ્યું, “પૂર્વજન્મમાં નર્મદા નદીની અધિષ્ઠાત્રી નર્મદાદેવી તરીકે તે કાંઠે રહેલા મુનિને ઘણા ઉપસર્ગો કર્યા હતા.” આમ જાતિસ્મરણજ્ઞાન થતાં નર્મદાસુંદરીએ દીક્ષા લીધી અને તેને ઉગ્ર તપશ્ચર્યા બાદ અવધિજ્ઞાન સાંપડ્યું. એક વાર વિહાર કરતાં સાધ્વી નર્મદાસુંદરીને વંદન કરવા માટે મહેશ્વરદત્ત આવ્યા. અહીં સઘળી વાતનો ખુલાસો થતાં મહેશ્વરદત્તને પ્રગાઢ પશ્ચાત્તાપ થયો ત્યારે સાધ્વીએ કહ્યું, “આમાં તમારો કોઈ વાંક નથી. દરેક આત્માને પોતે કરેલાં કર્મ ભોગવવાં પડે છે.”
મહેશ્વરદત્તે પણ દીક્ષા લીધી અને નર્મદાને કાંઠે બંને મોક્ષ પામ્યાં.
ધર્મસ્નેહસૌજન્ય
Jain Education International
પૂ. મુનિ શ્રી પ્રિયચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી ચિ. ભાવિક હીરેનકુમાર કોઠારી, માટુંગા - મુંબઈ
For Private & Personal Use Only
www.jalnelibrary.org