________________
ઈતિહાસમાં જોડ મળવી મુશ્કેલ છે.
જ્ઞાનોદ્વાર જેનું જીવનકાર્ય બની ગયું હતું, તેવા મુનિ શ્રી પુણ્યવિજયજી, તેમના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજની ત્રિપુટીએ છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષ દરમિયાન જ્ઞાનોદ્ધારની જે એક એકથી ચડિયાતી પ્રવૃત્તિ કરી છે તે બદલ કેવળ જૈન સંઘ જ નહિ પણ જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-પરદેશના વિદ્વાનો અને અભ્યાસીઓ તેમના સદાય ઋણી રહેશે.
મુનિશ્રીએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનનાં જુદાં જુદાં ચાલીસ ગામોના જૈન ભંડારોને વ્યવસ્થિત કરવાનું તથા પચાસ ભંડારોમાં બેસી સંશોધન કરવાનું કામ કર્યું હતું. તેમણે લગભગ ત્રણ હજાર તાડપત્રીય જ્ઞાનગ્રંથો તથા બે લાખથી વધુ કાગળ પર લખેલા જ્ઞાનગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. સુખલાલજી શું કહે છે?
મહારાજશ્રીએ જેમને પોતાના વિદ્યાગુરુ તરીકે ઘટાવ્યા છે તે પંડિત સુખલાલજી મુનિશ્રીને શાસ્ત્રોદ્ધાર તથા ભંડારોદ્ધારના કર્મયોગી તરીકે ઓળખાવતાં કહે છે કે, “તેમણે શાસ્ત્રો અને ભંડારોના મુખ્ય કેન્દ્ર ગણાતા ગુજરાત અને રાજસ્થાનનાં કેવળ પ્રસિદ્ધ શહેરોમાં જ જઈ તેમજ રહી તે અંગે વ્યવસ્થિત કામ નથી કર્યું, પણ નજીક કે દૂર, નાનાં ગામડાંમાં કે ઉપેક્ષિત એવાં સ્થળોમાં નાનાં-મોટાં શાસ્ત્રસંગ્રહની વાત સાંભળી ત્યાં પણ જાતે પહોંચીને તે શાસ્ત્રસંગ્રહ અંગે બધું જ ઘટતું કર્યું છે. આ બધું કામ અંગત શાસ્ત્રસંગ્રહ વધારવા માટે નહિ પણ તે તે ભંડારો અને શાસ્ત્રો વધારે સુરક્ષિત કેમ રહે અને વધારે સુલભ કેમ બને અને છતાંય તેમાંથી કશું ગૂમ ન થાય તે દષ્ટિએ તેઓએ કર્યું છે. આ કામ એટલું બધું વિશાળ, શમસાધ્ય અને કંટાળો ઉપજાવનારું છે, છતાં તેમણે એ પ્રસન્ન ચિત્તે કર્યું છે. સ્થાનકવાસી, મૂર્તિપૂજક કે ઈતર પરંપરાગત અનેક સાધુઓ કે વિદ્વાનોએ મળીને પણ જે, જેવું અને જેટલું કામ નથી કર્યું છે, તેવું અને તેટલું કામ એકલે હાથે મુનિ શ્રી પુણ્યવિજયજીએ કર્યું છે.”
મુનિશ્રીએ જ્ઞાનભંડારો તથા ગ્રંથોને વ્યવસ્થિત, સુરક્ષિત અને અદ્યતન બનાવવાનું જ માત્ર કામ કર્યું હોત તો પણ તેમનો ફાળો અદ્વિતીય ગણાત; પરંતુ મુનિશ્રીએ તો, તેથી આગળ વધી, અગાઉ માત્ર ઉધાઈ કે જીવાત જેવાં વિનાશક તત્ત્વો જ પહોંચી શકે તેવા એ જ્ઞાનગ્રંથો જ્ઞાનોપાસકો માટે ઉપલબ્ધ કરવાનું કામ કર્યું છે.
મુનિ શ્રી આગમપ્રભાકરજીએ પોતાની ત્રણ પેઢીનો હસ્તપ્રત સંગ્રહ અમદાવાદના “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ને સોંપી દીધો છે. માત્ર હસ્તપ્રતો જ નહિ પણ પોતે જિંદગીભર ચૂંટીઘૂંટીને સંઘરેલાં સાત-આઠ હજાર મુદ્રિત પુસ્તકો પણ તેમણે આ સંસ્થાને સોંપી દીધાં છે. મુનિશ્રીએ સંસ્થાને સોંપીલે દસ હજારથી વધુ હસ્તપ્રતોનાં સંગ્રહમાં બીજી પચીસેક હજારથી વધુ પ્રતો તેમની જ ભલામણથી સંસ્થાને મળી છે.
વિદ્યામંદિરના નિયામક શ્રી દલસુખભાઈ માલવણિયા મુનિશ્રીની આ ઉદારતા યાદ કરતાં જણાવે છે કે, મેં અનુભવ્યું છે કે, ક્યારેય પણ એ પ્રતો મારી છે એ પ્રકારનો અહમ્ મેં તેમનામાં જોયો નથી. તેમજ તે સોંપી દઈને પોતે મોટો ઉપકાર કર્યો છે એવી ભાવના પણ મેં તેમનામાં જોઈ નથી.”
શ્રી પુણ્યર્ચારિત્રમ્
214
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org