________________
વ્યતિરિક્ત(ઉદા. ઉત્તરાધ્યયનાદિ)ને સ્થવિરકૃત જણાવેલ છે. ૧૩ આથી સ્પષ્ટ છે કે આવશ્યકસૂત્ર ઘણું પ્રાચીન છે.
પંડિત સુખલાલજીએ તેમના “આવશ્યકસૂત્રના કર્તા કોણ ?' નામના લેખમાં એવું પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે આવશ્યક સૂત્રોના કર્તા સ્થવિરો છે અને તે લગભગ ગણધર સમકાલીન ૧૪ છે. તેમના મત પ્રમાણે વાચક ઉમાસ્વાતિજીના સ્વોપજ્ઞ ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા આગમોના બે શ્રત ભેદો છે. તેમાં સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનનો અંગબાહ્ય તરીકે ઉલ્લેખ છે. જે સાક્ષાત ગણધરોએ રચ્યું તે અંગપ્રવિષ્ટ અને જે ગણધરવંશજ પરમ મેઘાવી આચાર્યોએ રચ્યું તે અંગબાહ્ય, અંગબાહ્યમાં ગણાતા આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ સૂત્રોના કર્તા પ્રાચીન ગણધરેતર સ્થવિરો હોઈ શકે તેનું પ્રબળ સમર્થન તેમણે કર્યું. આ ગણધરેતર સ્થવિરોમાં આર્ય જંબૂસ્વામી અને આર્ય પ્રભવસ્વામી હોવાની શક્યતાનો નિર્દેશ તેમણે કર્યો છે.૧૫ વાચક શ્રી ઉમાસ્વાતિ દ્વારા “આવશ્યક' ને અંગબાહ્ય આગમોમાં પ્રથમ ગણેલ છે તેનો પરંપરાગત રીતે “આવશ્યક નિર્યુક્તિ” એવો અર્થ કાઢવામાં આવે તો અંગબાહ્યમાંના પ્રથમ આગમ તરીકે તેના રચયિતા આર્ય જંબૂસ્વામી કે આર્ય પ્રભવ સ્વામી જ ગણાય. એ સ્પષ્ટ છે કે આવશ્યક નિર્યુક્તિના કર્તા આચાર્ય ભદ્રબાહુ છે. આમ આવશ્યકથી આવશ્યક નિર્યુક્તિ વિવક્ષિત ગણીએ તો તેની ટીકામાં આચાર્ય ભદ્રબાહુનો ઉલ્લેખ જરુર થયો હોત. પંડિતજીના મત અનુસાર સામાયિક ધર્મ ભગવાને પ્રબોધ્યો અને ગણધરોએ ઝીલ્યો એ સર્વવિદિત સત્ય છે પરંતુ તેમાં સૂત્રરચનાનો નિર્દેશ મળતો નથી. જયારે અંગપ્રવિષ્ટ અને અંગ બાહ્ય શ્રુતની વ્યાખ્યાઓ મુખ્યત્વે શબ્દાત્મક શ્રુતને સ્પર્શે છે. પંડિતજી દર્શાવે છે કે ભગવાન મહાવીરનું મિથ્યાત્વથી નિર્ગમન અને કેવલજ્ઞાન પ્રાપ્તિ અને તેમનાથી જે સામાયિક પ્રગટ થયું તેનું હું વર્ણન કરું છું, આ રીતના પ્રતિજ્ઞા વાક્યમાં સામાયિકનું કથન છે પણ શાબ્દિક સૂત્ર રચના વિષે કોઈ સૂચન નથી.
પંડિતજીના જણાવ્યા પ્રમાણે વિશેષાવશ્યક ભાષ્યમાં અંગબાહ્ય શ્રુતના ત્રણ અર્થો કરવામાં આવ્યા છે. ૧. અંગ પ્રવિષ્ટ-શ્રી ગૌતમગણધરાદિ કૃત ઉદા. દ્વાદશાંગી, અંગબાહ્ય-આ. ભદ્રબાહુ આદિ સ્થવિરકત ઉદા. આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org